Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બાવીસ કૅરૅટના પૈસા આપીને વીસ કૅરૅટનું સોનું તો નથી ખરીદી રહ્યાને?

બાવીસ કૅરૅટના પૈસા આપીને વીસ કૅરૅટનું સોનું તો નથી ખરીદી રહ્યાને?

Published : 20 November, 2026 07:07 AM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

સોનાની ચમક ભલે અસલી લાગે પણ એનું વજન નકલી હોઈ શકે એવા અચંબિત કરતા કૌભાંડનો પર્દાફાશ થયો છે

આ છે એ સીક્રેટ પાઉડર, જેનું નામ છે રેનિયમ.

આ છે એ સીક્રેટ પાઉડર, જેનું નામ છે રેનિયમ.


ચીનથી આયાત થતા એક ખાસ ધાતુના પાઉડરને સોનામાં ભેળવીને એનું વજન વધારવામાં આવે છે અને એકેય મશીન આ ભેળસેળને પકડી નથી શકતું. લોકોની સોના પ્રત્યેની અતૂટ વિશ્વસનીયતાને ડગમગાવનારા આ આખા કૌભાંડના બહાર આવવાની ઘટના કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. ગોલ્ડના બિઝનેસ સાથે સંકળાયેલા અગ્રણીઓએ મિડ-ડે સાથે આ વિષય પર કરેલી વાતચીત પ્રસ્તુત છે

વર્ષે ભારતમાં લગભગ ૮૦૦ ટન સોનાની ડિમાન્ડ છે જેના અંતર્ગત ઍવરેજ ૨૧૯૨ કિલો સોનાનું દરરોજનું વેચાણ થાય છે. હીરા સદા કે લિએ હોય કે ન હોય, પણ ભારતમાં સોનામાં કરેલું રોકાણ પેઢીઓથી સૌથી વધુ ભરોસાપાત્ર મનાય છે. જોકે આ ભરોસો તૂટે એવી એક ઘટના તાજેતરમાં ઘટી છે. રેનિયમ નામના ચાઇનીઝ સીક્રેટ પાઉડરની એન્ટ્રી ઇન્ડિયન ગોલ્ડ માર્કેટમાં થઈ છે. સોના સાથે ભેળવીને સોનાનું વજન વધારીને વેચાતી ગોલ્ડ જ્વેલરીના મોટા કૌભાંડનો તાજેતરમાં પર્દાફાશ થયો અને કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી. સામાન્ય માણસ હૉલમાર્ક જોઈને નિશ્ચિંત થઈ સોનું ખરીદે છે, પરંતુ આ સોનામાં ભેળવવામાં આવેલો આ પાઉડર દેશના અત્યાધુનિક હૉલમાર્કિંગ મશીનોને પણ આસાનીથી થાપ આપી જાય છે.



શરૂઆત ચીનમાં થઈ


સોનામાં રેનિયમ ભેળવીને વજન વધારવાની આ મોડસ ઑપરૅન્ડી ભારત પહોંચે એ પહેલાં ચીનમાં સક્રિય થઈ ચૂકી હતી. ઑગસ્ટ ૨૦૨૫માં ચીનની પોલીસે એક એવા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો જે સોનામાં રેનિયમની ભેળસેળ કરીને ખરીદદારો સાથે ૮ લાખ યુઆન એટલે કે ભારતીય કરન્સી મુજબ ૯૦ લાખથી એક કરોડ રૂપિયા સુધીની છેતરપિંડી આચરી ચૂક્યું હતું. એપ્રિલ ૨૦૨૬માં ચીનના સરકારી પ્રસારણકર્તા ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝન (CCTV)એ એક વિશેષ અહેવાલ પ્રસારિત કરીને રેનિયમ ભેળવેલા ભેળસેળયુક્ત સોનાના સ્કૅમને એક્સપોઝ કરતો રિપોર્ટ ટેલિકાસ્ટ કર્યો. જ્યારે ચીનના સરકારી માધ્યમ પર આ મુદ્દો ચર્ચામાં આવ્યો ત્યારે સ્પષ્ટ થયું કે આ કોઈ નાની-મોટી છૂટીછવાઈ ઘટના નહીં પણ બજારમાં વ્યાપક બનેલી ટેક્નિકલ ભેળસેળની સમસ્યા છે.

ભારતમાં ધડાકો


ચીનમાં આ ભેળસેળના મુદ્દા પર અગાઉથી જ ચેતવણીઓ અને કાર્યવાહી થઈ ચૂકી હતી તો સાથે એનો પાઉડર અને નેટવર્ક સરહદ પાર કરીને અન્ય બજારોમાં પણ પહોંચવાનો ભય ઊભો હતો અને બન્યું પણ એવું જ. ભારતમાં સોનામાં ભારે ધાતુઓનો પાઉડર ભેળવીને વજન વધારવાના કૌભાંડની સૌથી પહેલી વ્યાપક ફરિયાદો અને સત્તાવાર વિરોધનો સૂર મધ્ય પ્રદેશના ઇન્દોરના પ્રસિદ્ધ સરાફા બજારમાંથી ઊઠ્યો હતો. શરૂઆતમાં ગ્રાહકોને કે સામાન્ય ટેસ્ટિંગ મશીનોને આ ભેળસેળની જાણ નહોતી થતી, પરંતુ જ્યારે બજારમાં જૂનું સોનું એક્સચેન્જ માટે પાછું આવ્યું અને જ્વેલર્સ તથા રિફાઇનરીઓએ એને ઓગાળવાની પ્રક્રિયા હાથ ધરી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી. સામાન્ય રીતે સોનું ઓગાળતી વખતે તાંબું કે ચાંદી અલગ થઈ જાય છે, પરંતુ આ દાગીનાઓ ઓગાળતી વખતે એમાં રૂથેનિયમ, ઇરીડિયમ, ઓસ્મિયમ, ટંગસ્ટન અને રેનિયમ જેવી અત્યંત ઊંચો મેલ્ટિંગ પૉઇન્ટ ધરાવતી ધાતુઓના કણો રહી જતા હતા. બીજી બાજુ વેપારી વર્તુળોમાં એવી ફરિયાદો ઊઠી કે કેટલાક લેભાગુ તત્ત્વો બજારભાવ કરતાં આશરે ૧૦ ટકા સુધી સસ્તા દરે કાચું સોનું કે તૈયાર દાગીના વેચી રહ્યા છે જેના કારણે પ્રામાણિક વેપારીઓને ધંધો કરવો મુશ્કેલ બની ગયો હતો. નવેમ્બર ૨૦૨૬ની શરૂઆતમાં ઇન્દોર સરાફા અસોસિએશન અને સ્થાનિક જ્વેલર્સ તથા કારીગરોએ આ મુદ્દે એક તાત્કાલિક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વેપારીઓએ ખુલ્લેઆમ સ્વીકાર્યું કે છેલ્લાં લગભગ ત્રણેક વર્ષથી ધીમી ગતિએ આ પ્રકારની ભેળસેળયુક્ત ધાતુ બજારમાં ઘુસાડવામાં આવી રહી છે. ઇન્દોરના વેપારીઓએ આ બેઠકમાં એવો ગંભીર આક્ષેપ અને ચિંતા વ્યક્ત કરી હતી કે આ ભારે ધાતુઓનો પાઉડર અને ભેળસેળયુક્ત માલ મુખ્યત્વે મુંબઈ અને કલકત્તાના માર્ગે દેશનાં અન્ય સરાફા બજારોમાં સપ્લાય થઈ રહ્યો છે.

સ્ટિંગ-ઑપરેશન

સરાફા બજારના વેપારીઓ અને કારીગરો દ્વારા સોનામાં ભારે ધાતુઓ ભેળવીને વજન વધારવાની ફરિયાદો અને ચર્ચાઓ સામે આવ્યા બાદ તપાસટીમે એક સ્થાનિક જ્વેલરની મદદથી આ સીક્રેટ પાઉડર વિશે પ્રાથમિક માહિતી મેળવી અને એની સચોટતા ચકાસવાનું નક્કી કર્યું. મળેલી કડીના આધારે રિપોર્ટરે ચીનના શેનઝેનમાં રહેતા એક એજન્ટનો સંપર્ક કર્યો. વાતચીત અને ચૅટ દરમ્યાન એજન્ટે દાવો કર્યો કે તેની પાસે રેનિયમ પાઉડરની ફૅક્ટરી છે અને ૨૫ ટકા સુધી ભેળસેળ કરવા છતાં એ પકડાતું નથી. તેણે ૧૦૦ ગ્રામના ૩૦૦૦ ડૉલર અને ૩૪૦૦ ડૉલર એમ બે ભાવ જણાવ્યા અને ભારતમાં એના ડીલરો હોવાનું કહ્યું. ચીની એજન્ટના માર્ગદર્શન મુજબ રિપોર્ટરે મુંબઈ અને અમદાવાદ સહિતનાં સ્થળોએ સંપર્કો સાધ્યા. આખરે મુંબઈના એક એજન્ટ મારફત ૧ ગ્રામ રેનિયમ પાઉડરનો ઑર્ડર આપવામાં આવ્યો જેના માટે ૫૦૦૦ રૂપિયા પાઉડરની કિંમત અને ૩૦૦ રૂપિયા કુરિયર ચાર્જ ચૂકવીને સૅમ્પલ જોધપુર મગાવાયું. સૅમ્પલ મળ્યા બાદ જોધપુરના એક જ્વેલરની મદદથી પ્રાયોગિક મિશ્રણ તૈયાર કરાયું. ૭.૮૩૦ ગ્રામ ૨૪ કૅરૅટ શુદ્ધ સોનામાં ૧ ગ્રામ રેનિયમ પાઉડર ભેળવતાં કુલ વજન ૮.૮૩૦ ગ્રામ થયું. ચકાસણી દરમ્યાન આ મિશ્રણ ૨૪ કૅરૅટ તરીકે નોંધાયું. આગળના તબક્કામાં એ મિશ્રણમાં ૦.૭૫ ગ્રામ અન્ય ધાતુ ઉમેરીને પરંપરાગત રાજસ્થાની દાગીનો બનાવવામાં આવ્યો જેનું કુલ વજન ૯.૫૮૦ ગ્રામ હતું જ્યારે એમાં વાસ્તવિક શુદ્ધ સોનું માત્ર ૭.૮૩૦ ગ્રામ (૨૦ કૅરૅટ સમકક્ષ) હતું. તૈયાર થયેલા દાગીનાને હૉલમાર્કિંગ સેન્ટર અને અલગ-અલગ શોરૂમનાં ટેસ્ટિંગ મશીનો પર ચકાસવામાં આવ્યા. હૉલમાર્કિંગ સેન્ટરે એને 22K916 (૯૧.૬ ટકા શુદ્ધતા) તરીકે માન્યતા આપી, જ્યારે શોરૂમનાં મશીનોએ પણ એને ૨૨ કૅરૅટ અથવા ઊંચી શુદ્ધતા દર્શાવીને રેનિયમની હાજરી પકડી નહીં. પ્રાયોગિક પુરાવા એકત્ર કર્યા બાદ સોનાના વેપાર સાથે જોડાયેલાં ત્રણ અસોસિએશનોનો સંપર્ક કરાયો જેમણે પણ બજારમાં રેનિયમ ભેળવેલા સોનાની હાજરી વિશે ચિંતા વ્યક્ત કરી અને આખો મુદ્દો મીડિયામાં ચર્ચાનું કારણ બન્યો.

મુદ્દો ગંભીર છે

સોનાના વેપાર સાથે સંકળાયેલાં ૩ મોટાં અસોસિએશનોએ પણ કબૂલ્યું છે કે ભારતમાં ચાઇનીઝ રેનિયમ પાઉડર ભેળવેલું સોનું વેચાઈ રહ્યું છે. ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના નૅશનલ હેડ પૃથ્વીરાજ ચૌહાણ ‘મિડ-ડે’ને કહે છે, ‘યસ, ઇટ ઇઝ શૉકિંગ ફૉર અસ એઝ વેલ. આટલાં વર્ષોમાં સોનામાં આ પ્રકારની ભેળસેળનો પ્રસંગ નથી બન્યો. હજી આપણા દેશમાં વ્યાપકપણે આ નેટવર્ક ફેલાયું હોય એવું લાગતું નથી, પરંતુ અમે તપાસ કરી રહ્યા છીએ. અત્યારે સૌથી પહેલું કામ અમે હૉલમાર્કમાં આ ભેળસેળ પકડાય એ રીતે ટેક્ન‍ૉલૉજીમાં ‌રિફૉર્મ કરવાનું છે. લગભગ એકાદ અઠવાડિયામાં એ બદલાવ આવી જશે.’

સ્ટિંગ-ઑપરેશનમાં ચીનથી મુંબઈના એક એજન્ટ થ્રૂ આ ખાસ ધાતુ મગાવવામાં આવી હતી, પરંતુ ઝવેરીબજારમાં સોનાની શુદ્ધિનો કોઈ પ્રશ્ન નથી એવી સ્પષ્ટતા કરતાં ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના ઑફિશ્યલ પ્રવક્તા કુમાર જૈન કહે છે, ‘ઝવેરીબજારમાં ઑથેન્ટિક વેપારીઓ સોનાની બરાબર ચકાસણી કરીને જ આગળ વધે છે. માત્ર હૉલમાર્ક સિસ્ટમ જ નહીં પણ ચકાસણીની અન્ય પદ્ધતિઓ પર પણ ફોકસ કરીએ છીએ. અત્યારે તો અમારી પાસે મુંબઈમાં આ પ્રકારની કોઈ ફરિયાદ આવી નથી. બેશક, નાના રીજનમાં આવું થઈ રહ્યું હોય એવું બની શકે.’

નાનાં-નાનાં ગામડાંઓ અને શહેરોમાં હૉલમાર્કિંગ પણ બધે નથી પહોંચ્યું તો બીજી ટેક્નૉલૉજીની વાત ક્યાં કરવી અને અત્યારના સમયે આ પ્રશ્ન ગંભીર તો છે જ. પુણેના ગોલ્ડ ફેડરેશનના ફતેહચંદ રાંકા કહે છે, ‘અત્યારે સમસ્યા એ છે કે આપણે ત્યાં ૯૪૫ ડિસ્ટ્રિક્ટમાંથી લગભગ ૫૦૦ ડિસ્ટ્રિક્ટમાં જ અદ્યતન હૉલમાર્કિંગ મશીન છે. આમાં સરકારે વધુ સક્રિય ભૂમિકામાં આવવું પડશે, કારણ કે સોના પરની લોકોની વિશ્વસનિયતા કોઈ કાળે હટવી ન જોઈએ.’

સૌથી શોકિંગ

આ સીક્રેટ ચાઇનીઝ પાઉડર વિશે ચીનમાં બેસેલા એજન્ટે દાવો કર્યો કે તેની પાસે રેનિયમ પાઉડરની ફૅક્ટરી છે અને પચીસ ટકા સુધી ભેળસેળ કરવા છતાં એ પકડાતું નથી અને બન્યું પણ એવું જેમાં આ ભેળસેળયુક્ત દાગીનાની અલગ-અલગ ૬ જગ્યાએ તપાસ કરવામાં આવી. પ્રતિષ્ઠિત હૉલમાર્કિંગ સેન્ટરે આ દાગીનાને ૯૧.૬ ટકા શુદ્ધતાનું સર્ટિફિકેટ આપીને 22K916 હૉલમાર્ક મારી આપ્યો અને બ્રૅન્ડેડ શોરૂમનાં મશીનો પણ ભેળસેળ ન પકડી શક્યાં જેમાં સોનાનો ભાવ ૧.૫ લાખ પ્રતિ તોલા ગણીએ તો એક તોલાની ખરીદી પર ગ્રાહકને સીધું ૧૪,૭૦૦ રૂપિયાનું નુકસાન થાય છે. નિષ્ણાતોના મતે રેનિયમની ઘનતા સોના જેવી જ હોવાથી સાદા XRF હૉલમાર્ક મશીન કે ઍસિડ ટેસ્ટમાં એ પકડાતું નથી. માત્ર ફાયર ઍસે એટલે કે ઓગાળીને થતી તપાસ અથવા ખાસ કૅલિબ્રેટેડ ઍડ્વાન્સ મશીનોમાં જ આ ચોરી પકડાય છે.

‍સોનાની ખરીદી કરતાં પહેલાં આટલું ધ્યાન રાખજો

૧. અજાણ્યા કે બજારભાવ કરતાં વધુ ડિસ્કાઉન્ટની લાલચ આપતા વિક્રેતાઓથી દૂર રહો. વર્ષોથી વિશ્વાસુ અને જાણીતા જ્વેલર્સ પાસેથી જ ખરીદી કરો.

૨. દાગીના પર ૬ અક્ષરનો હૉલમાર્ક યુનિક આઇડી એટલે કે HUID કોડ તપાસો અને BIS Care App પર એ નંબર નાખીને દાગીનાની વિગતો, જ્વેલરનું નામ અને હૉલમાર્કિંગ સેન્ટરની ખરાઈ ચેક કરો.

૩. બિલમાં દાગીનાનું નેટ વેઇટ, કૅરૅટ, પ્રતિ ગ્રામ ભાવ અને મેકિંગ ચાર્જની અલગ-અલગ સ્પષ્ટ નોંધ કરાવો.

૪. ખરીદી વખતે જ લેખિતમાં ખાતરી લો કે ભવિષ્યમાં આ દાગીનો પાછો આપતી વખતે ૧૦૦ ટકા ગોલ્ડ વૅલ્યુ મળશે કે કેમ.

૫. જો તમે જૂનું સોનું બદલાવવા કે વેચવા જાઓ તો તમારી નજર સામે જ એનું ટેસ્ટિંગ અને મેલ્ટિંગ કરાવવાનો આગ્રહ રાખો.

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2026 07:07 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK