મુમુક્ષુઓનું થશે ભવ્ય સન્માન : મુંબઈના ૧૦૦થી વધુ જૈન સંઘો અને અન્ય અનેક સંસ્થાઓની સહભાગિતા.
શ્રી નમ્રમુનિ મહારાજ
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન સાંનિધ્યમાં આગામી ૨૯ નવેમ્બરે મુમુક્ષુ શ્રી જાનવી શાહ, મુમુક્ષુ શ્રી યશવી મહેતા, મુમુક્ષુ શ્રી તન્મયા રાજપૂત અને મુમુક્ષુ શ્રી અરુણા હળવદિયા સંયમજીવન અંગીકાર કરી દીક્ષિત જીવનની મંગલ શરૂઆત કરશે. તેમનાં ત્યાગ, વૈરાગ્ય અને સંયમ સંકલ્પને વંદન કરવા માટે આજે સવારે ૯ વાગ્યે ઘાટકોપરના હૉકી ગ્રાઉન્ડ, આરાધ્ય ભક્તિ પાર્ક ખાતે ‘વૈરાગ્ય વંદના’ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુમુક્ષુઓના સંયમ સંકલ્પને બિરદાવી તેમનું ભાવભર્યું બહુમાન કરીને તેમના ત્યાગ અને વૈરાગ્યને સામૂહિક વંદના અર્પણ કરવામાં આવશે.
આ ‘વૈરાગ્ય વંદના’ સમારોહની વિશેષતા એ છે કે મુંબઈ અને આસપાસના વિસ્તારોના આશરે ૧૦૦થી વધુ વિવિધ જૈન સંઘો અને સંસ્થાઓ એક મંચ પર એકત્રિત થઈને આ સમારોહમાં સહભાગી બનશે. આટલી મોટી સંખ્યામાં સંઘો અને સંસ્થાઓની સહભાગિતા દર્શાવે છે કે દીક્ષા અને સંયમનો આ અવસર કોઈ એક વ્યક્તિ કે એક સંઘનો કાર્યક્રમ નથી, પરંતુ સમગ્ર જૈન સમાજનો સામૂહિક આધ્યાત્મિક ઉત્સવ છે.
ADVERTISEMENT
આ ‘વૈરાગ્ય વંદના’ સમારોહનો હેતુ એક જ છે કે સંયમના માર્ગે આગળ વધતા આત્માઓના વિરલ સંકલ્પને બિરદાવવો અને સમગ્ર સમાજમાં ત્યાગ તથા વૈરાગ્યની ભાવનાને પ્રેરિત કરવી. આ સમારોહ માત્ર મુમુક્ષુ આત્માઓના સન્માન પૂરતો મર્યાદિત ન રહેતાં જૈન ધર્મની ત્યાગપ્રધાન પરંપરાનું ગૌરવ વધારશે અને મુમુક્ષુઓનો આ સંયમ સંકલ્પ નવી પેઢી માટે પણ પ્રેરણારૂપ બનશે.
