Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગડચિરોલીની આશ્રમશાળાનું લાઇસન્સ કાયમ માટે રદ કરવા મુખ્ય પ્રધાનનો આદેશ

ગડચિરોલીની આશ્રમશાળાનું લાઇસન્સ કાયમ માટે રદ કરવા મુખ્ય પ્રધાનનો આદેશ

Published : 12 August, 2026 09:38 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જમીન પર સૂતેલી ૩ વિદ્યાર્થિનીઓએ સર્પદંશથી જીવ ગુમાવ્યા બાદ છબરડા બહાર આવ્યા

સોમવારે આશ્રમશાળામાં સાપ ડસ્યા બાદ એક બાળકીની તબિયત વધુ બગડતાં તેને હેલિકૉપ્ટરમાં ઍરલિફ્ટ કરીને નાગપુર હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

સોમવારે આશ્રમશાળામાં સાપ ડસ્યા બાદ એક બાળકીની તબિયત વધુ બગડતાં તેને હેલિકૉપ્ટરમાં ઍરલિફ્ટ કરીને નાગપુર હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.


મહારાષ્ટ્રના ગડચિરોલી જિલ્લાની એક સરકારી આદિવાસી આશ્રમશાળામાં સર્પદંશના કારણે ૩ માસૂમ છાત્રાઓનાં કરુણ મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સંબંધિત આશ્રમશાળાનું લાઇસન્સ કાયમ માટે રદ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ આશ્રમશાળાની ખામીઓ છતાં અનુકૂળ અહેવાલ આપનારા નિરીક્ષક અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
રવિવારે મધરાતે હૉસ્ટેલમાં ૫૦ જેટલી વિદ્યાર્થિનીઓ જમીન પર સૂતી હતી ત્યારે એક ઝેરી સાપે ૬ વિદ્યાર્થિનીઓને ડંખ માર્યો હતો, જેમાં ત્રણનાં મૃત્યુ થયાં હતાં. એક વિદ્યાર્થિની ૩૦થી વધુ કલાક સુધી ભાનમાં આવી નહોતી. ઘટના સમયે હૉસ્ટેલમાં કોઈ વૉર્ડન પણ હાજર નહોતો. મુખ્ય પ્રધાને નોંધ્યું હતું કે સરકારી અનુદાન મેળવતી હોવા છતાં આ આશ્રમશાળામાં પૂરતા શિક્ષકો કે વૉર્ડન નહોતા અને અધૂરામાં પૂરું, પ્રાથમિક સુવિધાઓનો પણ ભારે અભાવ હતો. 
મુખ્ય પ્રધાન ફડણવીસે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ માત્ર મુખ્ય માર્ગો પર આવેલી આશ્રમશાળાઓનું જ નિરીક્ષણ કરીને સંતોષ ન માને, પરંતુ દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં આવેલી સ્કૂલોની પણ નિયમિત મુલાકાત લે. 

આ કરુણાંતિકા બાદ સફાળી જાગેલી રાજ્ય સરકારે હવે મહારાષ્ટ્રમાં ચાલી રહેલી તમામ ૫૧૧ અનુદાનિત આદિવાસી આશ્રમશાળાઓનું થર્ડ-પાર્ટી ઑડિટ કરાવવાનો નિર્ણય લીધો છે, જેથી બાળકોની સુરક્ષા અને સુવિધાઓની સાચી પરિસ્થિતિ પર નજર રાખી શકાય.


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2026 09:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK