પ્રભાવિત લોકોએ તાત્કાલિક મહાનગર ગૅસ ઑફિસનો સંપર્ક કર્યો ત્યારે તેમને ખબર પડી હતી કે ટેક્નિકલ પ્રૉબ્લેમને કારણે ગૅસની સપ્લાય બંધ થઈ ગઈ છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઘોડબંદરના આનંદનગર, સાંઈનગર, વિજય પાર્ક અને કાસારવડવલીમાં અનેક બિલ્ડિંગની ગૅસ-સપ્લાય સોમવારે બપોરે ૧૨ વાગ્યે અચાનક બંધ થઈ ગઈ હતી. ઘણા ગ્રાહકોને ગૅસની સપ્લાય ખોરવાશે એની સૂચના મળી નહોતી જેને કારણે મૂંઝવણ ઊભી થઈ હતી જેથી આ વિસ્તારના સેંકડો પરિવારો પ્રભાવિત થયા હતા. પ્રભાવિત લોકોએ તાત્કાલિક મહાનગર ગૅસ ઑફિસનો સંપર્ક કર્યો ત્યારે તેમને ખબર પડી હતી કે ટેક્નિકલ પ્રૉબ્લેમને કારણે ગૅસની સપ્લાય બંધ થઈ ગઈ છે. ગૅસ-સપ્લાય સાંજે ૬ વાગ્યા સુધી બંધ રહી હતી. જોકે બપોરે જમવાનું બનાવવાના સમયે ગૅસપુરવઠો બંધ થઈ જતાં ઘણા લોકોને બહારથી જમવાનું મગાવવું પડ્યું હતું. મહાનગર ગૅસ પાઇપલાઇનનું જાળવણી અને સમારકામ વિજય પાર્ક, સાંઈનગર, આનંદનગર, TMC રોડ, ઘોડબંદર વિસ્તારના કાસારવડવલી રોડ અને થાણે-વેસ્ટમાં રામ મારુતિ રોડ જેવા વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું હતું.


