આ બાબતની ચકાસણી કરવા છેલ્લાં ત્રણ વર્ષની આકસ્મિક આગ અને બ્લાસ્ટની દુર્ઘટનાઓની ફરી તપાસ થશે : દિલ્હી બ્લાસ્ટ પછી મહારાષ્ટ્ર પોલીસ અલર્ટ
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર પોલીસ છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યમાં બનેલી તમામ મોટી આકસ્મિક આગની ઘટનાઓ, બ્લાસ્ટ્સ, કેમિકલ કે સિલિન્ડર બ્લાસ્ટ્સ વગેરે ઘટનાઓની ફરીથી તપાસ કરશે. મહારાષ્ટ્ર પોલીસના એક અધિકારીએ આપેલી જાણકારી પ્રમાણે આ તપાસમાં પોલીસ ચકાસણી કરશે કે અકસ્માત તરીકે નોંધાયેલી આવી ઘટનામાં ક્યાંય આતંકવાદીઓનો હાથ હતો કે નહીં.
દિલ્હીમાં થયેલા કાર-બ્લાસ્ટ પછી મહારાષ્ટ્ર પોલીસે આગોતરી સાવધાની તરીકે શહેરોના પોલીસ-કમિશનર અને સુપરિન્ટેન્ડન્ટ્સ ઑફ પોલીસ સહિત ઑફિસર્સને એ માટે જરૂરી સૂચનાઓ આપી દીધી છે. પોલીસ અનેક શંકાસ્પદ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર પણ નજર રાખશે એવું જણાવીને અધિકારીએ કહ્યું હતું કે ‘અમારી સોશ્યલ મીડિયા ટીમો સતત અલર્ટ છે. કન્સ્ટ્રક્શન્સ-સાઇટ્સ પર સઘન તપાસ અને પૂછપરછ દ્વારા ભારતમાં ગેરકાયદે રહેતા બંગલાદેશી નાગરિકોને શોધવાની કવાયત પણ શરૂ કરવામાં આવી છે.’


