આ અવસરે દિનેશભાઈ મોદી પરિવાર દ્વારા ૫૬ દિવ્યાંગજનોને ઈ-બાઇક તેમજ સર્વમંગલ ટ્રસ્ટના મનુભાઈ શાહ દ્વારા ચાર કાર અર્પણ કરવામાં આવી હતી.
મુશ્કેલીઓ ક્યારેય મુહૂર્ત જોઈને નથી આવતી, આથી કોઈને મદદ કરવા માટે મુહૂર્ત જોવાનું ન હોય; માનવતા મહોત્સવ તો ૩૬૫ દિવસ ઊજવવો જોઈ- નમ્રમુનિ
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના ૫૬મા જન્મદિવસ નિમિત્તે ઘાટકોપર ખાતે બેદિવસીય ‘માનવતા મહોત્સવ’ આધ્યાત્મિક ભક્તિ, કલ્યાણકારી મંત્રજાપ તથા સેવા અને માનવતાના ભાવ સાથે ઊજવાયો હતો. પ્રથમ દિવસે જન્મદિવસના સાચા અર્થ પર પ્રકાશ પાડતાં પરમ ગુરુદેવે જણાવ્યું હતું કે જન્મદિવસ આપણને જીવનમાં ક્યારે આવ્યા એની સાથે એક દિવસ અહીંથી જવાનું પણ છે એની યાદ અપાવે છે, તેથી જન્મદિવસ માત્ર ઉજવણી નહીં પરંતુ આત્મચિંતનનો દિવસ હોવો જોઈએ.
આ અવસરે દિનેશભાઈ મોદી પરિવાર દ્વારા ૫૬ દિવ્યાંગજનોને ઈ-બાઇક તેમજ સર્વમંગલ ટ્રસ્ટના મનુભાઈ શાહ દ્વારા ચાર કાર અર્પણ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
‘માનવતા મહોત્સવ અને મંત્ર ઉત્સવ’માં અમેરિકા, દુબઈ, સિંગાપોર, લંડન, મલેશિયા, જર્મની, નાઇરોબી સહિત વિદેશના અનેક ક્ષેત્રોના ભાવિકો તથા ભારતભરના શ્રી સંઘો અને સંસ્થાઓ પ્રત્યક્ષ તેમ જ લાઇવના માધ્યમે ઉપસ્થિત રહ્યાં હતાં. લુક ઍન લર્નનાં બાળકોની શુભેચ્છાવંદના, નેહલ ગઢવી દ્વારા માનવધર્મને ઉજાગર કરતી રજૂઆત, પરમ ગુરુદેવ દ્વારા શ્રી ઉવસગ્ગહર સ્તોત્રનો મહાજાપ તથા વિશ્વભરના ૧૬થી વધુ દેશો અને ૯૦થી વધુ શહેરોના હજારો બાળ આરાધકો દ્વારા ૭,૯૦,૦૦,૦૦૦ મંત્રજાપ અને રોજેરોજ મંત્રજાપનો સંકલ્પ પરમ ગુરુદેવને જન્મદિવસની ગિફ્ટરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો.
આ અવસરે પૂજ્ય મોરારી બાપુએ પરમ ગુરુદેવની ભાવવંદના કરતાં ગુરુદેવને પરમ તત્ત્વ સાથે સરખાવીને પરમ તત્ત્વને સમજવા કરતાં એને માણી લેવાની ગહન વાત કરી હતી.
પરમ ગુરુદેવે માનવતાનો મર્મ સમજાવતાં કહ્યું હતું કે ‘બીજાને સુખી કરવાની, બીજાને ખુશ કરવાની મજા જ કંઈક અલગ હોય છે અને આ જ માનવતા મહોત્સવ છે. મુશ્કેલીઓ ક્યારેય મુહૂર્ત જોઈને નથી આવતી, આથી કોઈને મદદ કરવા માટે મુહૂર્ત જોવાનું ના હોય.’
પરમ ગુરુદેવે સ્પષ્ટ સંદેશ આપ્યો કે આધ્યાત્મિક મંત્ર સિદ્ધ કરવાની સાથે માનવતાના મંત્રને સિદ્ધ કરો.
આ અવસરે પરમ ગુરુદેવની વાણી, વિચાર અને વ્યક્તિત્વને આવરી લેતા ‘પરમ’ પુસ્તકનું વિમોચન થયું હતું.
