દીકરા નીરના જન્મ બાદ કામ પર પરત ફરેલી પરિણીતિ ચોપડાએ પહેલી વખત તેનાથી દૂર જવાનો અનુભવ શેર કર્યો છે. તેણે કહ્યું કે મુંબઈની ફ્લાઇટ દરમિયાન તે ત્રણ કલાક સુધી રડતી રહી હતી અને મમ્મીઓ પર રહેતા દબાણ વિશે પણ વાત કરી.
પરિણીતિ ચોપડા
પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢા ૨૦૨૫માં દીકરા નીરના પેરન્ટ્સ બન્યાં હતાં. દીકરાના જન્મ પછી પરિણીતિએ ફરી કામ કરવાનું શરૂ કર્યું છે અને હાલમાં તેણે પોતાના દીકરાને ઘરે મૂકીને કામ પર પરત ફરવાના અનુભવ વિશે વાત કરી છે.
મહિનાઓ સુધી દિવસ-રાત સતત પોતાના દીકરા સાથે રહ્યા બાદ પહેલી વખત તેનાથી દૂર જવાની ક્ષણ યાદ કરતાં પરિણીતિએ કહ્યું હતું કે ‘પહેલી વખત જ્યારે મારે મારા દીકરાને એકલો છોડવો ત્યારે ત્યારે મુંબઈની એ ફ્લાઇટ વિશે મને કંઈ યાદ નથી. મને યાદ નથી કે હું ક્યારે ઍરપોર્ટ પરથી પસાર થઈ, ફ્લાઇટમાં બેઠી, ઊતરી અને ઘરે પહોંચી. મને કંઈ જ યાદ નથી. હું માત્ર ત્રણ કલાક સુધી રડતી રહી હતી.
મને લાગ્યું કે હું ફરી ક્યારેય કામ કરી શકીશ નહીં, હું ફરી ક્યારેય કંઈ કરી શકીશ નહીં. આ ગિલ્ટ નથી. તમારા બાળકને છોડીને જતી વખતે જે અસહ્ય માનસિક પીડા થાય છે એ છે. મારો પરિવાર મારી સાથે છે, પણ મૉમ-ગિલ્ટ ખૂબ જ વધારે છે. મને લાગે છે કે મમ્મીઓ પર રહેતું દબાણ માત્ર જૈવિક લાગણીઓના કારણે નથી, સમાજની અપેક્ષાઓ પણ એમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મને લાગે છે કે રાઘવ અને હું આ વિચારધારાને બદલવા માટે ખૂબ જ સભાનતાથી પ્રયાસ કરી રહ્યાં છીએ અને અમે એવી કોઈ પણ વ્યક્તિ
માટે ઉદાહરણ બનવા માગીએ છીએ જે અમારી સફરમાંથી કંઈક શીખવા માગે છે.’
