ઓલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ અસોસિએશને લૅમિંગ્ટન રોડ પરની દુકાનો અને ગોડાઉનમાં ૬૦૦ રેગ્યુલર અને ઓટોમૅટિક મૉડ્યુલર ફાયર-એક્સ્ટિંગ્વિશર ઇન્સ્ટૉલ કરવાનો નિર્ણય લીધો, એમાંથી ૧૦૦ લાગી ગયાં
લૅમિંગ્ટન રોડ માર્કેટમાં આવેલી દુકાન અને પૅસેજમાં લગાડવામાં આવેલાં રેગ્યુલર અને ઓટોમૅટિક મૉડ્યુલર ફાયર એક્સ્ટિંગ્વિશર.
આગ લાગે ત્યારે આપણે ફાયર-બ્રિગેડને જાણ કરીએ છીએ. ફાયર-બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચે છે અને આગ ઓલવવામાં આવે છે. જોકે ફાયર-બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે એટલી વારમાં આગ ફેલાઈ જવાને લીધે મોટા ભાગની વસ્તુઓ બળીને ખાખ થઈ જતાં મોટું નુકસાન થઈ જાય છે. આગ લાગે ત્યારે આગ તરત જ બુઝાઈ જાય એવા પ્રયાસ ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ અસોસિએશન (AIEA)એ શરૂ કર્યા છે જેમાં આગ લાગે ત્યારે જે-તે જગ્યાએ છતમાં ઇન્સ્ટૉલ કરવામાં આવેલા રેગ્યુલર અને ઑટોમૅટિક મૉડ્યુલર ફાયર-એક્સ્ટિંગ્વિશરમાંથી પાઉડરનો છંટકાવ થાય છે. પાઉડર પડવાથી આગ બુઝાઈ જાય છે. ગ્રાન્ટ રોડમાં આવેલી ઇલેક્ટ્રૉનિક્સની દુકાન અને ગોડાઉનમાં અત્યાર સુધી આવા ૧૦૦ રેગ્યુલર ઑટોમૅટિક મૉડ્યુલર ફાયર-એક્સ્ટિંગ્વિશર લગાવી દેવામાં આવ્યાં છે અને આગામી સમયમાં વધુ ૫૦૦ રેગ્યુલર અને ઑટોમૅટિક ફાયર-એક્સ્ટિંગ્વિશર ઇન્સ્ટૉલ કરવામાં આવશે. આ પહેલ કરીને AIEAએ મુંબઈની તમામ માર્કેટને ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ફાયર-બ્રિગેડની ગાડી આવે એ પહેલાં જ આગ બુઝાઈ જશે એ વિશે AIEAના નૅશનલ જનરલ સેક્રેટરી મિતેશ મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગને લીધે ઘણી વાર મોટું નુકસાન થાય છે જેની ભરપાઈ કરવાનું મુશ્કેલ બની જાય છે. અમારી દુકાનમાં ઇલેક્ટ્રૉનિક સામાન હોય છે જેને આગ કે પાણી અડે તો ખરાબ થઈ જાય છે. આગ લાગે ત્યારે ફાયર-બ્રિગેડ પાણીનો છંટકાવ કરીને બુઝાવે છે. આને લીધે આગમાં જે સામાન સળગ્યો ન હોય એ પણ એના પર પાણી પડવાથી નકામો બની જાય છે. અમારા ધ્યાનમાં આવ્યું છે કે માર્કેટમાં રેગ્યુલર અને ઑટોમૅટિક મૉડ્યુલર ફાયર-એક્સ્ટિંગ્વિશર ઉપલબ્ધ છે જેના ઉપયોગથી દુકાન, ગોડાઉન કે પૅસેજની છતમાં ઇન્સ્ટૉલ કરવાથી આગને તરત જ કાબૂમાં લઈ શકાય છે. અચાનક તાપમાનમાં વધારો થાય ત્યારે આ ઑટોમૅટિક મૉડ્યુલર ફાયર-એક્સ્ટિંગ્વિશરમાંથી પાઉડરનો ફુવારો ઊડે છે. પાઉડર પડવાથી આગ બુઝાઈ જાય છે અને સામાનને કોઈ નુકસાન પણ નથી થતું. ગયા બે મહિનામાં આવા ૧૦૦થી વધુ ફાયર-એક્સ્ટિંગ્વિશર માર્કેટની દુકાન અને ગોડાઉનમાં લગાવી દેવામાં આવ્યાં છે અને ટૂંક સમયમાં વધુ ૫૦૦ રેગ્યુલર અને ઑટોમૅટિક મૉડ્યુલર ફાયર-એક્સ્ટિંગ્વિશર લગાવી દેવામાં આવશે. ફાયર-બ્રિગેડ પર આધાર રાખવાને બદલે આપણે પોતે જ આગ બુઝાવવા માટે ત્રણથી પાંચ હજાર રૂપિયામાં ઉપલબ્ધ ઉપકરણનો ઉપયોગ કરી શકીએ છીએ. અમે ઇલેક્ટ્રોનિક માર્કેટના વેપારીઓ આ બાબતે તમામ માર્કેટ માટે ઉદાહરણ પૂરું પાડવા માગીએ છીએ.’
ADVERTISEMENT
વાયર ચેક કરવામાં આવ્યા
આગ લાગે પછી એ તરત જ બુઝાઈ જાય અને મોટું નુકસાન ન થાય એ માટે ઑટોમૅટિક મૉડ્યુલર ફાયર-એક્સ્ટિંગ્વિશર લગાડવાની સાથે આગ લાગે જ નહીં એ માટેના પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા છે. આ વિશે મિતેશ મોદીએ કહ્યું હતું કે ‘ગ્રાન્ટ રોડમાં મોટા ભાગનાં બિલ્ડિંગો જૂનાં છે. વર્ષો પહેલાં અહીં વાયરિંગ કરવામાં આવ્યું હોવાથી શૉર્ટ સર્કિટ થવાની શક્યતા રહે છે. આથી અમે માર્કેટની તમામ દુકાન અને ગોડાઉનમાં જૂના વાયરિંગને ચેક કરી રહ્યા છીએ. શૉર્ટ સર્કિટ થવાની શક્યતા હોય એવા વાયર જ બદલી નાખવામાં આવશે તો આગ લાગવાનું જોખમ ઓછું થઈ જશે.’
આજે ફાયર-સેફ્ટી સેમિનારનું આયોજન
ગ્રાન્ટ રોડના લૅમિંગ્ટન રોડ પર ૧૨૦૦ જેટલી ઇલેક્ટ્રૉનિક્સની દુકાનો અને ગોડાઉન આવેલાં છે. અહીંના વેપારીઓમાં આગ સંબંધે જાગૃતિ લાવવા માટે આજે બપોરના ૪ વાગ્યે ગ્રાન્ટ રોડમાં પ્રોક્ટર રોડ પર એસવીસી બૅન્કની પાસે આવેલા વિગ્રામ હૉલમાં ફાયર-સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુંબઈ ફાયર-બ્રિગેડના અધિકારીઓ આગ ન લાગે એ માટેની તૈયારી અને આગ લાગે ત્યારે એ બુઝાવવા માટે ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરવાની માહિતી આપશે.

