આવા ફોન-મેસેજ આવવા લાગ્યા ત્યારે બાંદરાનાં ડૉક્ટરને ખબર પડી કે તેમના નામે ઘણા લોકોને બનાવટી ઈ-મેઇલ મોકલાઈ છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઝૂંપડપટ્ટીનાં બાળકો, મહિલાના સ્વાસ્થ્ય માટે જાણીતી સંસ્થા ચલાવતાં બાંદરાનાં ૮૨ વર્ષનાં ડૉક્ટર મહિલાની ઈ-મેઇલ હૅક કરીને તેમના સંબંધીઓ તેમ જ મિત્રોને ખોટા બર્થ-ડેનું ઇન્વિટેશન મોકલીને ડોનેશન માગવામાં આવ્યું હોવાની ફરિયાદ ગઈ કાલે બાંદરા પોલીસ-સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. ડૉક્ટર મહિલાના ઈ-મેઇલ આઇડી જેવા લાગતા બીજા ઈ-મેઇલ આઇડી પરથી પચાસથી વધારે લોકો પાસે પૈસાની માગણી કરવામાં આવી હતી. જોકે રવિવારે અને સોમવારે અનેક લોકોએ મહિલા ડૉક્ટરને ફોન કરીને બર્થ-ડેની શુભેચ્છા આપીને આવી નહીં શકીએ પણ ડોનેશન ચોક્કસ મોકલી દઈશું એવી જાણ કરતાં ઘટના પ્રકાશમાં આવી હતી.
બાંદરા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય મરાઠેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે અને સોમવારે મહિલા ડૉક્ટરને તેમના કેટલાક ઓળખીતા ડૉક્ટર અને સંબધીઓએ ફોન કરીને બર્થ-ડેની શુભેચ્છા આપી હતી. એકાએક આવતા ફોનથી મહિલા પરેશાન થઈ હતી, કારણ કે તેમનો બર્થ-ડે હમણાં નહોતો. દરમ્યાન તેમના એક સંબંધીએ ફોન કરીને એવું કહ્યું હતું કે તમારી ઈ-મેઇલ મને મળી છે, હું બર્થ-ડેમાં તો નહીં આવી શકું પણ ડોનેશન ચોક્કસ મોકલીશ. અંતે વધુ તપાસ કરતાં માલૂમ થયું હતું કે તેમના નામે ખોટી ઈ-ઇમેલ તૈયાર કરીને બોગસ ઇન્વિટેશન મોકલીને ડોનેશન માગવામાં આવ્યું હતું. આ મામલે અમે આઇટી ઍક્ટ અનુસાર ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.’

