ગઈ કાલે હિતેશ મહેતા અને ધર્મેશ પૉનને હૉલિડે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેમને ૨૧ ફેબ્રુઆરી સુધીની પોલીસ-કસ્ટડી આપી હતી
ગઈ કાલે પોલીસે કોર્ટમાં હાજર કરેલા હિતેશ મહેતા અને ધર્મેશ જયંતીલાલ પૉનને ૨૧ ફેબ્રુઆરી સુધીની કસ્ટડી આપવામાં આવી હતી.
ન્યુ ઇન્ડિયા કો-આૅપરેટિવ બૅન્કને ખાડામાં નાખવાનો જેમના પર આરોપ છે તે હિતેશ મહેતાએ ૭૦ કરોડ રૂપિયા દહિસરના જ એક બિલ્ડર ધર્મેશ જયંતીલાલ પૉનને આપ્યા હોવાનો આક્ષેપ : આ લિન્ક મળ્યા બાદ હવે ધર્મેશની કંપની અને બૅન્કના ડિરેક્ટરોમાં બારોટ અટકવાળા બે જણનું કોઈ કનેક્શન છે કે નહીં એની પોલીસ કરી રહી છે તપાસ; એટલું જ નહીં, અરુણભાઈ નામના એક ઇલેક્ટ્રિક કૉન્ટ્રૅક્ટરની પણ સંડોવણી હોવાની છે આશંકા
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કમાંથી ૧૨૨ કરોડ રૂપિયાની ઉચાપત કરનાર બૅન્કના જ જનરલ મૅનેજર હિતેશ મહેતાની ધરપકડ કર્યા બાદ કેસની તપાસ કરી રહેલી ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)એ આ કેસમાં એ ૧૨૨ કરોડ રૂપિયાની રકમમાંથી મેજર શૅર મેળવવાના આરોપસર દહિસરના બિલ્ડર ધર્મેશ જયંતીલાલ પૉનની પણ ગઈ કાલે અરેસ્ટ કરી છે. બિલ્ડર ધર્મેશ પર ૧૨૨ કરોડમાંથી ૭૦ કરોડ રૂપિયા મેળવ્યા હોવાનો આરોપ છે. પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યા મુજબ ધર્મેશને મેથી ડિસેમ્બર ૨૦૨૪ દરમ્યાન ૧.૭૫ કરોડ રૂપિયા અને જાન્યુઆરી ૨૦૨૫માં ૫૦ લાખ રૂપિયા હિતેશ મહેતાએ આપ્યા હતા.
ADVERTISEMENT
ધર્મેશ પૉન ધર્મેશ રિયલ્ટર્સ અને ઓમ સાઈ સબૂરી બિલ્ડ હાઇડ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ડિરેક્ટર છે, જ્યારે ધર્મેશ કન્સ્ટ્રક્શન્સ પ્રાઇવેટ લિમિટેડમાં ડિરેક્ટર હતો. પોલીસ હવે આ કંપનીઓના ડિરેક્ટર અને ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના ડિરેક્ટરો વચ્ચે કોઈ લિન્ક છે કે નહીં એની તપાસ કરી રહી છે. પોલીસ અત્યારે એ વાતની તપાસ કરી રહી છે કે બૅન્કના ડિરેક્ટર વીરેન બારોટ અને ધર્મેશ રિયલ્ટર્સના ડિરેક્ટર બલદેવ બારોટ વચ્ચે કોઈ કનેક્શન છે કે નહીં. આ સિવાય આ કેસમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક વિધાનસભ્યનું નામ પણ આવી રહ્યું છે. એવું કહેવાય છે કે તેમણે બૅન્ક સાથે સંકળાયેલી ટોચની એક વ્યક્તિ સાથે મળીને અંગત ફાયદા માટે બૅન્કને નુકસાન પહોંચાડ્યું હતું.
ગઈ કાલે હિતેશ મહેતા અને ધર્મેશ પૉનને હૉલિડે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેમને ૨૧ ફેબ્રુઆરી સુધીની પોલીસ-કસ્ટડી આપી હતી. EOWને શંકા છે કે આ કેસમાં અન્ય લોકોની પણ મિલીભગત હોઈ શકે છે. બૅન્કમાંથી ઓળવેલી આ રકમ ક્યાં ઇન્વેસ્ટ કરવામાં આવી છે એની તપાસ હવે EOW ચલાવી રહી છે. હિતેશ મહેતાએ પોતાનો ગુનો કબૂલી લીધો હોવાનું પોલીસનું કહેવું છે. હિતેશ મહેતાએ ૧૯૮૭માં ક્લાર્ક તરીકે બૅન્કમાં તેમની કારકિર્દી ચાલુ કરી હતી. એ પછી ૨૦૦૨માં તેઓ ધીમે-ધીમે ધીમે આગળ વધીને જનરલ મૅનેજર અને હેડ ઑફ અકાઉન્ટ્સ બની ગયા હતા. તેઓ આ જ વર્ષે રિટાયર થવાના હતા.
કેસ કઈ રીતે ઓપન થયો?
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના ઑફિસરો ગયા બુધવારે ૧૨ ફેબ્રુઆરીએ બૅન્કમાં કેટલી કૅશ છે એનું ફિઝિકલ ચેકિંગ કરવા પહોંચ્યા હતા. એ વખતે બૅન્કના રેકૉર્ડમાં દર્શાવેલી કૅશ અને હકીકતમાં સેફમાં જે કૅશ હતી એમાં ૧૨૨ કરોડ રૂપિયા ઓછા હતા. આમ આ ગોટાળો બહાર આવ્યો હતો. આ ૧૨૨ કરોડ રૂપિયા એ બૅન્કની કુલ ડિપોઝિટના પાંચ ટકા જેટલી રકમ હતી.
બિલ્ડર ધર્મેશ પૉનની ઑફિસ દહિસરમાં ધર્મેશ પૉન સાઈ સબૂરી બિલ્ડ હાઇટ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ડિરેક્ટર છે. એની ઑફિસ દહિસર-વેસ્ટના નવાગાવ વિસ્તારમાં સંતોષી માતા રોડ પર આવેલી બંદારેવાડીમાં ૧૪ નંબરની રૂમમાં છે, જ્યારે ધર્મેશ રિયલ્ટર્સની ઑફિસ ફોર્ટમાં લકી હાઉસમાં આવી છે. હાલ ધર્મેશનો ચારકોપમાં પ્રોજેક્ટ ચાલી રહ્યો હોવાનું કહેવાય છે. હિતેશ મહેતાએ ધર્મેશ પાસેથી એક ફ્લૅટ ખરીદ્યો હતો જેને કારણે તેમની વચ્ચે ઓળખાણ થઈ હોવાનું કહેવામાં આવે છે. એ ફ્લૅટ હિતેશે ત્યાર બાદ વેચી નાખ્યો હતો. આ કેસમાં વધુ એક શકમંદ અરુણભાઈ (ઇલેક્ટ્રિક કૉન્ટ્રૅક્ટર)ની સંડોવણી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. પોલીસ તેને પણ પૂછપરછ માટે બોલાવે એવી શક્યતા છે.

