રાજસ્થાનના ચુરુથી આવેલાં આઈ સંયોગિતા દ્વારા યમરાજની પૂજા થઈ રહી છે અને તેઓ ચુરુમાં યમરાજનું ભવ્ય મંદિર નિર્માણ કરવાનાં છે
પ્રતીકાત્મક તસવીર
પ્રયાગરાજના મહાકુંભમાં અત્યારે એક શિબિર બહુ ચર્ચામાં છે. આ શિબિરમાં રાજસ્થાનના ચુરુથી આવેલાં આઈ સંયોગિતા દ્વારા યમરાજની પૂજા થઈ રહી છે અને તેઓ ચુરુમાં યમરાજનું ભવ્ય મંદિર નિર્માણ કરવાનાં છે. તેમણે યમધામ મંદિર માટે પ્રયાગરાજમાં સંગમ તટ પર જઈને વિશેષ પૂજા-અર્ચના કરી છે અને સંગમનું પવિત્ર ગંગાજળ અને માટી પોતાની સાથે રાજસ્થાન લઈ જવાનાં છે. માતા સંયોગિતા કહે છે, ‘યમરાજ કોઈનું જીવન છીનવી લઈને મોતની ભેટ નથી આપતા, તેમનાથી ડરવાની જરૂર નથી. મનુષ્યને પોતાના કર્મ પ્રમાણે ન્યાય અને દંડ મળે છે એટલે જીવનમાં સત્કર્મો કરવાં જોઈએ. સત્કર્મો કરશો તો મૃત્યુનો અને મૃત્યુના દેવતાનો ડર નહીં રહે. મનુષ્યએ પોતાનાં કર્મોથી ડરવું જોઈએ, યમદેવતાથી નહીં. ભગવાન શિવ અને શક્તિએ મને આ મંદિર બાંધવાની પ્રેરણા આપી છે.’
રાજસ્થાનના ચુરુ જિલ્લામાં ૧૦,૦૦૦ સ્ક્વેર ફુટમાં યમરાજનું ભવ્ય મંદિર બનશે અને એમાં મૃત્યુના દેવ યમરાજની ભવ્ય વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે અને શ્રદ્ધાળુ અહીં કષ્ટનિવારણ અને સકારાત્મક પરિવર્તન માટે પૂજા-અર્ચના કરવા આવશે.

