દેશભરનો મરણાંક ૧૧ થયો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ગિયાન બારે સિન્ડ્રૉમ (GBS)ને લીધે પુણેમાં વધુ એક યુવતીનું મૃત્યુ થતાં મૃત્યુનો આંકડો ૧૧ પર પહોંચ્યો છે. બારામતીમાં રહેતી ૨૧ વર્ષની કિરણ દેશમુખ પુણેના સિંહગડ વિસ્તારમાં ભણતી હતી. આ વિસ્તારમાં GBSનો વ્યાપ વધારે હોવાથી તેને એનું ઇન્ફેક્શન લાગ્યું હતું. શરૂઆતમાં તેને ઝાડા થવાની સાથે નબળાઈ આવી ગઈ હોવાથી પરિવારજનો બારામતી લઈ ગયા હતા. જોકે ત્યાં સારવાર દરમ્યાન તેની તબિયતમાં સુધારો ન થતાં પુણેની હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી. ૨૭ જાન્યુઆરીએ તેને પુણેની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પણ તેની તબિયત બગડતી જ જતી હતી અને આખરે મંગળવારે તેણે છેલ્લો શ્વાસ લીધો હતો. આ ઘટનાના એક દિવસ પહેલાં સોમવારે પુણેની સાસૂન હૉસ્પિટલમાં દૌંડનો ૩૭ વર્ષનો સાગર કાચી પણ GBSને લીધે મૃત્યુ પામ્યો હતો. તેને ૧૦ ફેબ્રુઆરીએ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રમાં GBSના કેસનો આંકડો ૨૧૧ ઉપર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં ૧૩૯ દરદીઓને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, જ્યારે ૩૯ પેશન્ટ ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં છે અને ૧૮ દરદીઓ વેન્ટિલેટર પર છે. ગિયાન બારે સિન્ડ્રૉમ અંતર્ગત દરદીના પગ બહેર મારી જાય છે અને એમાં સખત અશક્તિ લાગે છે તેમ જ પગમાં પૅરૅલિસિસ જેવી અસર પણ થાય છે.

