કંઈક આવા જ તોર સાથે મુંબઈના કેટલાક ગુજરાતીઓ મોજથી સફેદ વસ્ત્રો પહેરીને હોળી રમતા હોય છે.
આ છે એ ગુજરાતીઓ
સફેદ રંગનું મહત્ત્વ
હોળી આવે એટલે વૉર્ડરોબમાં સફેદ કપડાં શોધવાનું શરૂ થઈ અમે જો ન હોય તો એ માટે ખાસ માર્કેટમાં ખરીદી થાય, પણ શું તમને ખબર છે કે ધુળેટીના દિવસે સફેદ કપડાં શા માટે પહેરાય છે? ઘણા લોકો માને છે કે બૉલીવુડ કલાકારોની થતી હોલી પાર્ટીમાં સેલિબ્રિટીઝ સફેદ કપડાં પહેરીને ધુળેટી રમે છે એટલે આ ટ્રેન્ડ આવ્યો છે અને આ ટ્રેન્ડને આંખ મીંચીને ફૉલો કરવાનો ક્રેઝ પણ વધ્યો છે. ધુળેટી રમતી વખતે સફેદ વસ્ત્રો પહેરવા પાછળ કેટલીક માન્યતાઓ અને કારણો છે. એનું વૈજ્ઞાનિક કારણ એ કે આ તહેવારની સાથે ગરમીના દિવસોની શરૂઆત થાય છે અને સફેદ રંગ શીતળ હોવાથી એ તાપને શરીરની અંદર પ્રવેશવા દેતો નથી, તેથી ઉનાળામાં સફેદ અને પેસ્ટલ કલર્સ પહેરવાની સલાહ અપાય છે. સફેદ રંગ શીતળ હોવાની સાથે શાંતિ, સુખ અને સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. આ દિવસે સફેદ કપડાં પહેરવાં શુભ માનવામાં આવે છે. કલર સાઇકોલૉજીના હિસાબે સફેદ કલર મનને શાંતિ આપે છે. ગ્રહોના નકારાત્મક પ્રભાવને ઓછો કરવા માટે પણ સફેદ કપડાં પહેરવાને શુભ માનવામાં આવે છે. માન્યતા એવી પણ છે કે આ દિવસે નકારાત્મતા પર સકારાત્મકતાની જીત થઈ હોવાથી હોળીનો તહેવાર લોકોને શાંતિનો સંદેશ આપે છે. ત્યારથી દર વર્ષે રંગોના તહેવારની ઉજવણી કરતી વખતે સફેદ રંગ પહેરવાનું ચલણ વધ્યું છે. ઘણા લોકો આ દિવસે એટલા માટે પણ સફેદ કલર ધારણ કરે છે જેથી તેમને લાગતા દરેક રંગ આકર્ષક દેખાઈ શકે છે. તમે કેવી જોરદાર હોળી રમી છે એનો અંદાજ સફેદ કપડાં પરથી આવી જાય છે. જો વધુ હોળી રમી હશે તો સફેદ કપડાંમાં સફેદ કલર તો દેખાશે જ નહીં અને આ કપડાંમાં રંગો સારી રીતે ખીલે છે અને ફોટો પણ સારા આવે છે.
ADVERTISEMENT
કંઈક આવા જ તોર સાથે મુંબઈના કેટલાક ગુજરાતીઓ મોજથી સફેદ વસ્ત્રો પહેરીને હોળી રમતા હોય છે. ખાસ હોળી માટે વાઇટ ઍન્ડ વાઇટ કપડાં ખરીદીને કે સીવડાવીને એને રંગોથી રંગી દેવાનો આ મિજાજ તેમનામાં ક્યાંથી આવ્યો અને શું છે જે તેમને સફેદ વસ્ત્રો પહેરવા માટે આકર્ષે છે એ જાણીએ
દર વર્ષે સ્પેશ્યલી હોળી માટે ખાસ વાઇટ ડ્રેસ સીવડાવું - હેતલ સોલંકી, સાઇકોલૉજિસ્ટ
નવરાત્રિમાં ગરબે ઘૂમવા માટે ઘણા લોકો નવાં-નવાં કપડાં દર વર્ષે સિવડાવતા રહેતા હોય છે. પણ ખાસ હોળી રમવા માટે કોઈ કપડાં સીવડાવે એ માનવામાં આવતું નથી. પરંતુ કાંદિવલીમાં રહેતાં સાઇકોલૉજિસ્ટ હેતલ સોલંકી માત્ર હોળી માટે સફેદ ડ્રેસ અથવા ગાઉન સીવડાવે છે. આ વિશે તેઓ કહે છે, ‘મારા પપ્પાને સફેદ કપડાં પહેરીને હોળી રમવાનો બહુ શોખ છે એટલે તેઓ મારા માટે પણ નાનપણથી હોળી માટે સફેદ કપડાં જ સિવડાવતા હતા. એટલે મને પણ ત્યારથી સફેદ કપડાં પહેરીને જ હોળી રમવાની આદત પડી ગઈ હતી. જો કપડાં સિવડાવવાનો સમય ન મળ્યો હોય તો હું નવાં લઈ લઉં છું પણ કપડાં તો સફેદ જ જોઈએ. ઘણા લોકોને એવું હોય કે સફેદ કપડાં ભીનાં થઈ ગયા બાદ ખરાબ લાગે છે, પણ એવું નથી. તમે કેવાં કપડાં સીવડાવો એના પર આધાર રાખે છે. હું અસ્તર સાથે કપડાં સીવડાવું છું એટલે કપડાં ભીનાં થઈ ગયા બાદ પણ એ શરીર પર ખરાબ દેખાતાં નથી. મારી આ આદત મારા છોકરાને પણ પડી ગઈ છે. તે હજી માત્ર આઠ વર્ષનો જ છે છતાં તેને પણ હોળી રમવા માટે વાઇટ કપડાં જ જોઈએ. મારું માનવું છે કે રંગો જીવનમાં સકારાત્મક ઊર્જા ભરી દેતા હોય છે. અને આ રંગ ત્યારે ઊઠીને આવે જ્યારે એ સફેદ રંગ ઉપર પડે.’
વાઇટ ઉપર ફ્રેન્ડ્સની હૅન્ડપ્રિન્ટ્સની યાદગીરી - કશિશ દત્તાણી, સ્ટુડન્ટ
મીરા રોડમાં રહેતી અને કૉલેજમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષની કશિશ દત્તાણી કહે છે, ‘હું જ્યારથી સમજતી થઈ ત્યારથી માત્ર સફેદ કપડાં પહેરીને જ હોળી રમું છું. ઉપર વાઇટ ટૉપ અને નીચે કોઈ પણ કલરનું જીન્સ. આ મારાં ફિક્સ કપડાં હોય છે. હું જ નહીં પણ મારા ફ્રેન્ડ સર્કલમાં પણ મહત્તમ લોકો વાઇટ કપડાં પહેરીને જ હોળી રમવાનું પસંદ કરે છે. એનું કોઈ ધાર્મિક કે સાઇકોલૉજિકલ કારણ નથી પણ અમે તો ફ્રેન્ડશિપની યાદગીરીને કપડાં પર સાચવી રાખવા માટે આમ કરીએ છીએ. ધુળેટીના દિવસે અમે એકબીજાના વાઇટ ટી-શર્ટ પર હૅન્ડપ્રિન્ટ પાડીએ છીએ. કલરવાળાં બલૂન નાખીએ છીએ, જેનાં ચિહ્નો સફેદ કપડાં પર બરાબર ઊઠીને આવે છે અને સુકાઈ ગયા બાદ તમે એ સ્પષ્ટ રીતે જોઈ પણ શકો છો. આ કપડાંને અમે એક યાદગીરીરૂપે થોડા દિવસો સુધી ઘરમાં સાચવીને મૂકી રાખીએ છીએ. જ્યારે મન થાય ત્યારે એ ટી-શર્ટને કબાટમાંથી કાઢીને સંભારણાં તાજાં કરી લઈએ છીએ.’
ઠાકોરજી સફેદ વસ્ત્રો પહેરીને હોળી રમે તો અમે કેમ નહીં? : મમતા જોટાણિયા, ગૃહિણી
મુલુંડના વીણાનગરમાં રહેતાં ગૃહિણી મમતા જોટાણિયા છેલ્લાં છ વર્ષથી તેમના પતિ સાથે સફેદ કલરનાં કપડાં પહેરીને જ હોળી રમવા જાય છે. એની પાછળનું કારણ જણાવતાં મમતાબહેન જણાવે છે, ‘હું ઠાકોરજીની ભક્ત છું અને અમે વસંતપંચમીથી ફાગણ સુદ પૂનમ સુધી ઠાકોરજીને સફેદ વસ્ત્રો પહેરાવીએ છીએ અને તેમની સાથે હોળી રમીએ છીએ. ઠાકોરજી જે રંગનાં વસ્ત્રો પહેરે એ રંગને અમે ધારણ કરીએ છીએ, તેથી હું અને મારા પતિ અમારા સોસાયટીના ગ્રુપમાં હોળી રમવા જાઈએ તો સફેદ કપડાં જ પહેરીએ. અમે અગિયારસના દિવસે પણ ઠાકોરજીને હોળી રમાડીએ અને ધુળેટીના દિવસે પણ તેમની સાથે રંગોથી રમીએ. અમે જે ગ્રુપના લોકો સાથે હોળી રમીએ એમાં સફેદ કપડાં પહેરીને જ આવવું જોઈએ એવી કોઈ થીમ નથી હોતી પણ અમે ઠાકોરજીના હિસાબે સફેદ કપડાં પહેરીને જવાનું પસંદ કરતા હોઈએ છીએ. આમ પણ સફેદ કલર મનને શાંતિ આપે છે. ગરમીના દિવસોમાં સફેદ કલર પહેરવો જોઈએ તો એ હિસાબથી પણ અમે એને અનુસરીએ છીએ.’
વાઇટ કપડાંનો તો વટ જ જુદો પડે : ક્રિશ વોરા, CA
વાઇટ કપડાં ઑફિસમાં જ નહીં પણ હોળીમાં પણ એટલાં જ એલિગન્ટ અને સૉફેસ્ટિકેટેડ લાગે છે એમ જણાવતાં બોરીવલીનો ૩૨ વર્ષનો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ક્રિશ વોરા આગળ કહે છે, ‘મને વાઇટ કલર ખૂબ જ પ્રિય છે. મારા વૉર્ડરોબમાં મહત્તમ વાઇટ કલરનાં જ શર્ટ અને ટી-શર્ટ હોય છે. વાઇટ કપડાંની પર્સનાલિટી એકદમ અલગ જ પડે છે. ગ્રુપમાં પાંચ જણ ચાલતા હોય અને એમાં એક જણે વાઇટ પહેર્યું હશે તો તે બધાથી અલગ જ દેખાઈ આવશે. વાઇટ કપડાંમાં હોળી રમવાની જ મજા હોય છે. વાઇટ કપડાં પર દરેક રંગ દેખાય છે અને હોળી રમ્યા હોઈએ એવું પણ લાગે. બાકી કાળાં કપડાં અને ડાર્ક કલરનાં કપડાં પહેરીને હોળી રમ્યા હોવાનું ફીલ પણ ન થાય. બીજું એ કે હવે અમે ઑર્ગેનિક રંગોથી હોળી રમીએ છીએ એટલે કપડાં પર રંગો પણ સરસ રીતે રંગોળી કરી જાય છે. હા, કપડાં રીયુઝ નથી થઈ શકતાં પણ હોળીની મજાની સામે આ વાતનો કોઈ વસવસો પણ રહેતો નથી.’
હોળી માટે સ્પેશ્યલી કસ્ટમાઇઝ્ડ કપડાંની ખરીદી કરીએ અમે : રિદ્ધિ ભાનુશાલી, ફૅશન-ડિઝાઇનર
મુલુંડમાં રહેતાં અને વ્યવસાયે ફૅશન-ડિઝાઇનર રિદ્ધિ ભાનુશાલી તેના કઝિન્સ સાથે મન મૂકીને ધુળેટી રમે છે. આ દિવસ માટે ખાસ વાઇટ કપડાની થીમ નક્કી થાય છે એટલું જ નહીં, તેનાં ભાઈ-બહેન તો ધુળેટી માટે ખાસ ડિઝાઇનર અને કસ્ટમાઇઝ્ડ કપડાંની ખરીદી કરતાં હોય છે. આ વિશે વાત કરતાં રિદ્ધિ કહે છે, ‘છેલ્લાં કેટલાંક વર્ષથી સફેદ કપડાં પહેરીને ધુળેટી રમવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને ફૅશનને લગતા ટ્રેન્ડને ફૉલો કરવાનું મને ગમે છે. હું મારા પાંચ કઝિન્સ સાથે મારા સાસરે મુલુંડમાં જ હોળી રમું. મારો ભાઈ મૉડલ અને ફૅશન વ્લૉગર છે એટલે હોળી રમવા માટે ખાસ તે સફેદ કલરનાં ડિઝાઇનર કપડાં બનાવડાવે. મારી બહેન પણ સફેદ ટી-શર્ટ પર હોળીની કસ્ટમાઇઝ્ડ પ્રિન્ટ કરાવે. રંગો લાગવાથી એ સફેદ કપડાં ખરાબ થઈ જાય એટલે હું તો ઘરે પડેલું સફેદ ટી-શર્ટ જ પહેરી લઉં. મારો ભાઈ જોગેશ્વરીથી આવે, બહેન બોરીવલીથી અને બાકી કઝિન્સ છે એ ઘાટકોપરથી મારા ઘરે હોળી રમવા આવે. અમે છેલ્લાં પાંચ વર્ષથી વાઇટ કપડાંની થીમ સાથે જ હોળી રમીએ છીએ. ગયા વર્ષે તો મારી દીકરી એક વર્ષની થઈ હતી તો તેની સાથે બધાંએ હોળી રમી હતી અને બહુ જ મજા કરી હતી. તેને પણ અમે સફેદ કપડાં પહેરાવ્યાં હતાં. આ વર્ષે પણ કંઈ યુનિક કરવાનું પ્લાનિંગ હતું, પણ તાજેતરમાં મારાં દાદીનો દેહાંત થતાં અમે દર વર્ષની જેમ હોળી રમી નહીં શકીએ.’

