અમેરિકા, કૅનેડાના લોકોને ક્વિક લોન આપવાનું કહીને છેતરવામાં આવતા હતા
પ્રતીકાત્મક તસવીર
મુલુંડ કૉલોનીમાં એક વ્યક્તિ ફેક કૉલ-સેન્ટર ચલાવતી હોવાની બાતમીના આધારે મુલુંડ પોલીસે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં પોલીસે સાગર ગુપ્તા અને તેના પાંચ સાથીઓને ઝડપી લીધા હતા. તેમના અન્ય સાગરીતોની શોધ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ક્વિક લોન માટે પ્રોસેસિંગ-ફીના નામે લૂંટ
ADVERTISEMENT
આ રૅકેટ વિશે માહિતી આપતાં મુલુંડ પોલીસ-સ્ટેશનના ઑફિસરે કહ્યું હતું કે ‘સાગર ગુપ્તા ભાડાની જગ્યામાં આ કૉલ-સેન્ટર ચલાવતો હતો. તેઓ અમેરિકા અને કૅનેડાના નાગરિકોને ફોન-મેસેજ કરીને લૅન્ડિંગ પૉઇન્ટ હેઠળ ઇન્સ્ટન્ટ લોન ઑફર કરતા હતા. એ માટે તેઓ પ્રોસેસિંગ ફી તરીકે કસ્ટમર પાસેથી ૯૦ કે ૧૫૦ યુએસ ડૉલરનાં ગિફ્ટ-કાર્ડ અથવા ક્રિપ્ટોકરન્સીમાં એનો ચાર્જ વસૂલતા હતા. જોકે એ પછી કસ્ટમરને કોઈ લોન આપવામાં આવતી નહોતી.’
બે લૅપટૉપ, ૧૧ મોબાઇલ જપ્ત
મુલુંડ પોલીસે ત્યાંથી બે લૅપટૉપ, ૧૧ મોબાઇલ ફોન, બે રાઉટર અને ૭૬,૦૦૦ રૂપિયા રોકડા જપ્ત કર્યાં હતાં. આ સાથે જ સાગર ગુપ્તા, અભિષેક સિંહ, તન્મય ધડસિંહ, શૈલેષ શેટ્ટી અને રોહન અન્સારીને ઝડપી લીધા હતા. મુલુંડ પોલીસે તેમની સામે ઇન્ફર્મેશન ઍન્ડ ટેક્નૉલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
રૅકેટનું ગુજરાત કનેક્શન
મુલુંડ પોલીસ આ કેસમાં ગુજરાતના સુરતમાં રહેતા પ્રશાંત રાજપૂતને શોધી રહી છે. પ્રશાંત આ સ્કૅમમાં અમેરિકન અને કૅનેડાના નાગરિકો પાસેથી જે ગિફ્ટ-કાર્ડ મળતાં હતાં એને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરી આપતો હતો.


