ક્રિપ્ટોકરન્સી, રોજગાર અને પાર્સલ ગિફ્ટના નામે થાય છે છેતરપિંડી : મહારાષ્ટ્રમાં ૨૦૧૭થી ૨૦૨૪ સુધીમાં સાઇબર ફ્રૉડ સંદર્ભના ૪૧,૫૮૬ કેસ નોંધાયા : ઑનલાઇન સાઇબર છેતરપિંડીમાં લોકોએ ૧૦,૦૫૧.૫૦ કરોડ રૂપિયા ગુમાવ્યા.
પ્રતીકાત્મક તસવીર
શૅરબજારમાં ઓછા સમયમાં જબરદસ્ત વળતર આપવાના નામે થતી છેતરપિંડીમાં હવે લોકો વધારે પ્રમાણમાં નાણાં ગુમાવવા લાગ્યા છે અને એક વર્ષમાં આ રીતે નાણાં ગુમાવવાનો આંકડો ૬૨ કરોડથી વધીને ૧૦૦૦ કરોડ કરતાં પણ વધારે થયો છે. આ મુદ્દે નિષ્ણાતોનું કહેવું છે કે અપૂરતા રિસર્ચ, સોશ્યલ મીડિયાના ડેટા પર વધુ પડતી નિર્ભરતા, અધિકૃત સ્રોતો પાસેથી યોગ્ય ચકાસણીનો અભાવ અને ઝડપથી લાભની લાલચના કારણે લોકો નાણાકીય છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે.
લોકો શૅરબજારમાં છેતરપિંડી, ક્રિપ્ટોકરન્સી કૌભાંડ, રોજગાર સંબંધિત છેતરપિંડી અને પાર્સલ ગિફ્ટ છેતરપિંડીમાં નાણાં ગુમાવી રહ્યાં છે અને ઘણી વાર તેઓ પોતાની સંપૂર્ણ બચત કે જીવનભરની બચત ગુમાવી બેસે છે.
રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) હેઠળ પૂછવામાં આવેલા એક સવાલના સંદર્ભમાં મહારાષ્ટ્ર સાઇબર સેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ‘શૅરબજારમાં રોકાણ સંબંધિત છેતરપિંડી ૨૦૨૩માં ૬૨.૨ કરોડ રૂપિયા હતી જે ૨૦૨૪માં વધીને ૧૦૪૭.૩ કરોડ રૂપિયા સુધી વધી ગઈ છે. એ રીતે ગિફ્ટ ફ્રૉડ (ફિશિંગ કૉલ) દ્વારા ૨૦૨૩માં લોકોએ ૬૩.૧ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા, પણ ૨૦૨૪માં આ આંકડો વધીને ૨૮૫.૩ કરોડ રૂપિયાનો થયો છે. બીજી તરફ નોકરી અપાવવાના નામે થતી છેતરપિંડીમાં ૨૦૨૩માં લોકોએ ૮૮.૫ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા, પણ ૨૦૨૪માં આ આંકડો ૧૨૯ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.’
૭ વર્ષમાં ૪૧,૫૬૮ કેસ
RTI ડેટા જણાવે છે કે મહારાષ્ટ્રમાં ૨૦૧૭થી ૨૦૨૪ સુધીમાં સાઇબર ફ્રૉડ સંદર્ભના ૪૧,૫૬૮ કેસ નોંધાયા હતા. એમાંથી અધિકારીઓએ ૬૩૮૫ કેસ ઉકેલ્યા હતા અને ૮૩૭૪ લોકોની ધરપકડ કરી હતી. ૨૦૧૭થી ૨૦૨૪ દરમ્યાન રાજ્યમાં ઑનલાઇન સાઇબર છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ કુલ ૧૦,૦૫૧.૫ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા અને પોલીસ એમાંથી માત્ર ૧૦૧.૯ કરોડ રૂપિયા વસૂલ કરવામાં સફળ રહી હતી. ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી થતી છેતરપિંડીમાં લોકોએ ૨૦૧૭માં ૧૦.૨ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા, પણ ૨૦૨૪માં આ આંકડો વધીને ૫૭.૮ કરોડ રૂપિયાનો થયો હતો. આ સમયગાળા દરમ્યાન શૅરબજાર, ક્રિપ્ટોકરન્સી અને ઘરેથી કામ આપવાનાં કૌભાંડોમાં મોટો વધારો થયો હતો.
સિનિયર સિટિઝનો બને છે શિકાર
પોલીસ અને સાઇબર ક્રાઇમ એક્સપર્ટ જણાવે છે કે લાલચ, ઝડપી નાણાં કમાઈ લેવાની ઇચ્છા અને શૅરબજારના અધૂરા જ્ઞાનના કારણે લોકો નાણાં ગુમાવી રહ્યા છે. છેતરપિંડીનો ભોગ બનતા મોટા ભાગના એટલે કે ૬૦ ટકા લોકો સિનિયર સિટિઝનો હોય છે. તેઓ જીવનભરની મૂડી ગુમાવતા હોય છે.
પોલીસ શું કહે છે?
આ પ્રકારે થતી છેતરપિંડીના મુદ્દે સિનિયર પોલીસ અધિકારીઓનું જણાવવું છે કે ઘણી વાર મોટી અને જાણીતી કંપનીઓના HR (હ્યુમન રિલેશન્સ) પ્રતિનિધિ તરીકે સ્કૅમસ્ટરો લોકોનો સંપર્ક કરે છે. તેઓ લોકોને સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ અને વિડિયો લાઇક અને ફૉલો કરવાનું કહે છે અને એના દ્વારા લલચાવે છે. તેઓ વિડિયો જોવા માટે નાણાં પણ મોકલાવે છે અને વિશ્વાસ જીતી લે છે. આમ લોકો તેમની જાળમાં ફસાઈ જાય છે.
બીજી તરફ સાઇબર ક્રાઇમ વિભાગના સિનિયર ઑફિસરે કહ્યું હતું કે ‘સ્કૅમસ્ટરો અત્યાધુનિક દેખાતા ક્રિપ્ટો-ટ્રેડિંગ પ્લૅટફૉર્મ ધરાવતાં ટેલિગ્રામ ગ્રુપોમાં પીડિતોને ઉમેરીને તેમની કામગીરીમાં વધારો કરે છે. તેઓ નકલી વર્ચ્યુઅલ વૉલેટ બનાવે છે અને એનાથી એવી છાપ ઊભી થાય છે કે તેમના પૈસા સુરક્ષિત છે.’
બીજી તરફ વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે મહામહેનતે કમાયેલાં પોતાનાં નાણાં સલામત રાખવા માટે રજિસ્ટર્ડ સ્ટૉકબ્રોકર્સ, મ્યુચ્યુઅલ ફન્ડ ડીલરો અથવા પોર્ટફોલિયો મૅનેજમેન્ટ સર્વિસ કંપનીઓ પાસેથી માર્ગદર્શન લેવું જોઈએ.
નિયમનકારની વેબસાઇટ પરથી પુષ્ટિ કરો
સિક્યૉરિટીઝ માર્કેટમાં તમારાં નાણાં રોકતી વખતે માત્ર સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)માં નોંધાયેલી રજિસ્ટર્ડ ઇન્ટરમીડિયેટરી સાથે જ વ્યવહાર કરો. કોઈ પણ નાણાકીય રોકાણ માટે હંમેશાં નિયમનકારી સંસ્થાઓ સાથે રજિસ્ટર્ડ સંસ્થાઓ સાથે વ્યવહાર કરો.
વર્ષ |
૨૦૨૩ |
૨૦૨૪ |
કેસ |
૬૫૮૦ |
૮૯૭૪ |
ઉકેલાયા |
૫૩૯ |
૯૧૦ |
ધરપકડ |
૬૬૦ |
૧૦૦૭ |
ADVERTISEMENT

