મહારાષ્ટ્રની ૩૮ બ્લડ-બૅન્ક સામે FDAની કાર્યવાહીથી ઊઠ્યો સવાલ
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની અગ્રણી હૉસ્પિટલોની બ્લડ-બૅન્કો રડારમાં આવ્યા બાદ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા બ્લડ-ડોનેશનથી લઈને વિતરણ સુધીની તમામ પ્રક્રિયાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. લોહીનાં કાળાંબજાર અટકાવવા eRaktKosh પર રોજેરોજ સ્ટૉક અપડેટ કરવો, ૧૦૦ ટકા કડક રોગ-પરીક્ષણ અને યોગ્ય ટેમ્પરેચર મેઇન્ટેઇન કરીને કોલ્ડ ચેઇન જાળવવી જેવા બીજા કેટલા નિયમો એમાં સામેલ કરવામાં આવ્યા છે એ પણ જાણી લો
મહારાષ્ટ્રમાં સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત રક્ત-પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા રાજ્યવ્યાપી કડક તપાસ-ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એપ્રિલથી જૂન ૨૦૨૬ દરમ્યાન થયેલી સરપ્રાઇઝ વિઝિટ વખતે ગંભીર કાનૂની અને ટેક્નિકલ ખામીઓ સામે આવ્યા બાદ FDA દ્વારા મહારાષ્ટ્રનાં ૩૪ બ્લડ-સેન્ટર્સ અને સ્ટોરેજ-સેન્ટર્સનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે, જ્યારે ૪ સેન્ટરોનાં લાઇસન્સ કાયમી ધોરણે રદ કરી દેવામાં આવ્યાં છે. હ્યુમન બ્લડ અને એના કમ્પોનન્ટ્સને ‘ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક્સ ઍક્ટ 1940 ઍન્ડ રૂલ્સ, 1945’ હેઠળ ‘દવા અથવા ઔષધ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે. રક્તપ્રક્રિયામાં થતી નાની બેદરકારી પણ દરદીના જીવ માટે જોખમી બની શકે છે. આ ગેરરીતિઓને રોકવા માટે FDA દ્વારા રાજ્યનાં લાઇસન્સ ધરાવતાં ૪૧૩ બ્લડ-સેન્ટર્સ અને ૪૬૮ સ્ટોરેજ-સેન્ટર્સ માટે રેગ્યુલેટરી ઑર્ડર બહાર પાડવામાં આવ્યો છે. આ રેગ્યુલેટરી ઑર્ડરમાં કઈ-કઈ ગાઇડલાઇન્સ છે, બ્લડ-બૅન્ક અને બ્લડ-ડોનેશન કૅમ્પના ઑર્ગેનાઇઝરોનું શું કહેવું છે અને કેવા-કેવા પ્રકારની અનિયમિતતાઓ અહીં જોવા મળી છે એ વિષય પર ચર્ચા કરીએ.
ADVERTISEMENT
ઍક્શન ક્યારે લેવાઈ?
FDAની તપાસમાં ૨૩ બ્લડ-સેન્ટર્સ અને ૧૫ બ્લડ-સ્ટોરેજ સેન્ટર્સ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં મોટા ભાગનાં કેન્દ્રોને સુધારો કરવા માટે લાઇસન્સ સસ્પેન્શનનો આદેશ અપાયો છે. જોકે નિયમોના અત્યંત ગંભીર ઉલ્લંઘન કરનારાં ૪ મુખ્ય કેન્દ્રોનાં લાઇસન્સ રદ કરવામાં આવ્યાં છે. FDA અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઑર્ગેનાઇઝેશન (CDSCO) દ્વારા પાડવામાં આવેલી સંયુક્ત રેઇડમાં જે. જે. હૉસ્પિટલ બ્લડ-બૅન્કનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે ત્યાં લોહીના સંગ્રહ માટે ૧૮ વર્ષ જૂનાં અને ખામીયુક્ત મશીનો વપરાતાં હતાં જેને કારણે કોલ્ડ ચેઇન અને નિર્ધારિત તાપમાન જળવાતાં નહોતાં. આ ઉપરાંત ત્યાં એક્સપાયર થયેલાં અને રીઍક્ટિવ બ્લડ યુનિટ્સનું અયોગ્ય હૅન્ડલિંગ થતું હતું તેમ જ કમ્પોનન્ટ બનાવવામાં અને ક્વૉલિટી કન્ટ્રોલમાં ભારે ક્ષતિઓ જોવા મળી હતી. સૌથી ગંભીર બાબત એ હતી કે સરકારી સંસ્થા દ્વારા એકત્રિત કરાયેલા લોહીની બૅગ ગેરકાયદે રીતે ખાનગી કમર્શિયલ બ્લડ-સેન્ટરોમાં ડાઇવર્ટ (ટ્રાન્સફર) કરવામાં આવતી હતી. આ સાથે જ હૉસ્પિટલ બાયોમેડિકલ વેસ્ટ મૅનેજમેન્ટના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી અને બ્લડ-ડોનેશન, ઇન્વેન્ટરી તેમ જ વિતરણના સરકારી રેકૉર્ડ્સ પણ નિયમ મુજબ અપ-ટુ-ડેટ રાખવામાં આવ્યા નહોતા. આવાં જ કારણોસર ફરિયાદના આધારે કરાયેલી તપાસ બાદ બદલાપુરના માયા બ્લડ સેન્ટરનું લાઇસન્સ પણ રદ કરી દેવાયું હતું અને પુણે જિલ્લાના દેહૂ રોડ, શિરૂર, રસ્તા પેઠ, વિશ્રાંતવાડી, લોહેગામ સહિતનાં ૧૦થી વધુ સ્ટોરેજ અને
બ્લડ-સેન્ટરોનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. આ પ્રકારના ઘટનાક્રમની માહિતી જાણ્યા પછી બ્લડ-ડોનેશન કૅમ્પ કરતા જૂના અને જાણીતા તરુણ મિત્ર મંડળના પાસ્ટ પ્રેસિડન્ટ વિકાસ શશિકાંત વીરા કહે છે, ‘અમે તો એંસીના દશકથી બ્લડ-કૅમ્પ યોજીએ છીએ. અમે મોટા ભાગે બ્લડ-કૅમ્પ યોજ્યા પછી જે બ્લડ-યુનિટ્સ ભેગાં થાય એ મોટા ભાગે સરકારી હૉસ્પિટલોમાં જ આપી દેતા હોઈએ છીએ. એ પછી ત્યાં શું થાય છે એની અમને તો ખબર જ ન હોય. સિક્યૉરિટીના કારણસર અમને અંદર પ્રવેશ પણ ન મળે. એ રીતે અત્યારે જે ઍક્શન લેવાઈ રહી છે એ સારી છે.’
નિયમો બધા માટે સરકારી હૉસ્પિટલોની બ્લડ-બૅન્કમાં સ્ટાફની કમી એ સૌથી મોટી સમસ્યા છે. એક અગ્રણી સરકારી હૉસ્પિટલની બ્લડ-બૅન્કનો કર્મચારી કહે છે, ‘ઘણી અવ્યવસ્થા માત્ર સ્ટાફની કમીના કારણે ઉદ્ભવતી હોય છે. બાકી સેફ્ટી-પ્રોટોકૉલ્સનું તો મોટા ભાગે બમણા જોરથી પાલન થતું જ હોય છે. બેશક, ક્યારેક-ક્યારેક સરકારી હૉસ્પિટલોમાં અમને પ્રાઇવેટ હૉસ્પિટલોની જેમ જોઈતી વસ્તુઓ તરત જ મળી નથી જતી જેને લીધે વ્યવસ્થામાં ક્યારેક કમી રહી પણ જાય છે. જોકે અમે એક વિનંતી કરીશું કે આજે પ્રાઇવેટ બ્લડ-બૅન્કને કારણે બ્લડની ખરીદી અને વેચાણ બહુ જ મોટી સમસ્યા બનતી જાય છે જેને કારણે સરકારી હૉસ્પિટલના ગરીબ દરદીઓને ઇમર્જન્સી બ્લડ મેળવવામાં તકલીફ પડી રહી છે. એ દિશામાં કામ થવું જોઈએ.’
આ જ મુદ્દે એક અગ્રણી પ્રાઇવેટ હૉસ્પિટલની બ્લડ-બૅન્કને મૅનેજ કરતો કર્મચારી કહે છે, ‘અમારે ત્યાં તો આખી ઇકો-સિસ્ટમ એવી રીતે બની છે જેમાં દર કલાકે, દર ૪ કલાકે કેટલાંક મહત્ત્વનાં પૅરામીટર્સનું ચેકિંગ થાય એવા સૉફ્ટવેર છે. ધારો કે નિયત ટેમ્પરેચર કરતાં ટેમ્પરેચરમાં ફેર પડે તો તરત જ અલાર્મ-સિસ્ટમ ઍક્ટિવ થઈ જાય છે. પ્રાઇવેટ હૉસ્પિટલો સાથે આમ પણ વહેવાર વધુ કડક હોવાથી અને દરદી અમારી પ્રથમ પ્રાયોરિટી હોવાથી અમે તો બધા જ કાયદાનું પાલન બરાબર કરીએ છીએ.’
સુરક્ષિત અને વિશ્વસનીય
આરોગ્ય-સંભાળ મેળવવી એ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. બ્લડ-સેન્ટરોએ ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક્સ ઍક્ટ, 1940 ઍન્ડ રૂલ્સ, 1945ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જ પડશે. અહીં ડ્રગ સેફ્ટી સાથે સંકળાયેલા FDA ઑફિસર કહે છે, ‘રક્ત એવી વસ્તુ છે જેનું કૃત્રિમ નિર્માણ શક્ય નથી. તેથી એમાં થતી કોઈ પણ પ્રકારની બેદરકારી સીધી દરદીના જીવન પર અસર કરે છે. અમારી છેલ્લી ઇમર્જન્સી વિઝિટમાં અમુક બાબતોમાં ગેરરીતિ જોવા મળી હતી એટલે જ કાયદાની ફરી યાદ અપાવવા માટે અમે દરેક બ્લડ-બૅન્ક અને સ્ટોરેજ-સેન્ટરને ગાઇડલાઇન્સ મોકલી છે. આમાં નવી કોઈ વાત નથી. કાયદામાં જે કહેવાયું છે એ જ વાતો છે, પણ થોડીક વધુ સરળ કરીને સમજાવવામાં આવી છે.’
આ આખી ચર્ચાનો સાર એટલો તો છે જ કે FDAની આ કડક કાર્યવાહીથી બ્લડ-બૅન્કોમાં જવાબદારી વધશે, ગેરરીતિ અટકશે અને સામાન્ય જનતાનો રક્તદાન તથા આરોગ્ય-વ્યવસ્થા પરનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.
ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક્સ રૂલ્સ, 1945 અંતર્ગત FDA દ્વારા જાહેર થયેલી ગાઇડલાઇન્સ પર નજર કરી લો
માન્ય લાઇસન્સ વગર કોઈ પણ સંસ્થા
બ્લડ-સ્ટોરેજ, પ્રોસેસિંગ કે વિતરણ કરી
શકશે નહીં.
દરેક કેન્દ્રમાં કાઉન્સેલિંગ રૂમ, ક્વૉલિટી કન્ટ્રોલ વિભાગ અને કમ્પોનન્ટ પ્રોસેસિંગ માટેનું નિર્ધારિત માળખું હોવું જરૂરી છે.
લાયકાત ધરાવતા મેડિકલ ઑફિસર, ટેક્નિકલ સુપરવાઇઝર, બ્લડ-બૅન્ક ટેક્નિશિયન, નર્સ અને કાઉન્સેલરની હાજરી ફરજિયાત છે.
૨૦૨૦ના સુધારેલા બ્લડ-ડોનરના માપદંડો મુજબ જ દાતાની પસંદગી કરવી.
દરેક બ્લડ-યુનિટનું HIV, હેપેટાઇટિસ B, હેપેટાઇટિસ C, સિફિલિસ અને મલેરિયા માટે અનિવાર્ય સ્ક્રીનિંગ કરવું.
લોહીના સંગ્રહ અને પરિવહન દરમ્યાન ચોક્કસ તાપમાન અને કોલ્ડ ચેઇન જાળવવાં.
નિયમોનું પાલન થાય છે કે નહીં એ ચકાસવા માટે દરેક બ્લડ-બૅન્કે નિયમિત સેલ્ફ-ઑડિટ કરીને એનો રેકૉર્ડ રાખવો પડશે.
રક્તદાન-શિબિરોના આયોજકોએ યોગ્ય સાધનો, ઇમર્જન્સી મેડિકલ ફૅસિલિટી, સુરક્ષિત ટ્રાન્સપોર્ટેશન અને કૅમ્પ પછીનો પોસ્ટ-કૅમ્પ રિપોર્ટ રજૂ કરવો પડશે.
લાઇસન્સ ધરાવતાં કેન્દ્રોએ પોતાના રક્તના સ્ટૉકની વિગતો દરરોજ eRaktKosh પોર્ટલ પર અપડેટ કરવી ફરજિયાત છે, જેથી રાજ્યમાં લોહીની અવેલેબિલિટીની બાબત ટ્રાન્સપરન્ટ રહે.
બ્લડ-બૅન્કોમાં જોવા મળેલી ગેરરીતિઓ
મુખ્ય ટેક્નિકલ સુપરવાઇઝર કે બ્લડ ટ્રાન્સફ્યુઝન ઑફિસરની ગેરહાજરીમાં લોહીનું પ્રોસેસિંગ કરવું.
મંજૂર થયેલા કાયમી સ્ટાફને બદલે નાઇટ શિફ્ટમાં કૉન્ટ્રૅક્ટ-બેઝ્ડ કે અનક્વૉલિફાઇડ સ્ટાફ પાસે કામ કરાવવું.
બ્લડ લીધા પછી એના પર HIV, હેપેટાઇટિસ B, હેપેટાઇટિસ C અને મલેરિયા જેવા ઘાતક ચેપ માટે જરૂરી કડક લૅબોરૅટરી ટૅસ્ટિંગ ન કરવું અથવા સાધનોની કિટ એક્સ્પાયર્ડ હોવી.
ટેસ્ટિંગ હેઠળનાં કે શંકાસ્પદ
બ્લડ-યુનિટ્સને ચકાસાયેલા સુરક્ષિત લોહીથી ક્વૉરન્ટીન એટલે કે અલગ ન રાખવાં, જેથી ભૂલથી દૂષિત લોહી દરદીને ચડી જવાનું જોખમ રહે છે.
કોલ્ડ ચેઇન અને યોગ્ય તાપમાન જાળવવામાં ન આવતાં લોહી અને એના ઘટકો (પ્લાઝમા, પ્લેટલેટ્સ) ખરાબ
થઈ જવા.
બ્લડ-બૅગ પર યોગ્ય લેબલિંગ કે કોડ ન હોવો, જેથી લોહી કયા દાનકર્તાનું છે એ ટ્રેસ કરવું અશક્ય બને.
દરદીઓ કે સરકારી પોર્ટલ પર લોહીના સાચા સ્ટૉકની માહિતી ન આપવી અને કૃત્રિમ અછત ઊભી કરવી.
વપરાયેલી સોય, બૅગ જેવા બાયોમેડિકલ વેસ્ટના નિકાલમાં આરોગ્યના નિયમો નેવે મૂકવા.
