૨૦૨૭માં નાશિકમાં યોજાનારા સિંહસ્થ કુંભમેળાની તૈયારી માટે દેવેન્દ્ર ફડણવીસે બોલાવેલી બેઠકમાં ગેરહાજર રહેલા એકનાથ શિંદેએ ગઈ કાલે નાશિક જઈને પોતાની રીતે અલગથી કુંભમેળા સંદર્ભે બેઠક લીધી
દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ બાદ ૨૦૨૭માં નાશિકમાં સિંહસ્થ કુંભમેળો યોજાવાનો છે. એ સંદર્ભે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બે દિવસ પહેલાં મુંબઈમાં બેઠક બોલાવી હતી, જેમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના પક્ષના પ્રધાન દાદા ભુસે હાજર નહોતા રહ્યા એટલે એકનાથ શિંદે નારાજ હોવાની ચર્ચા શરૂ થઈ હતી. નાશિક અને રાયગડના પાલક પ્રધાન બાબતે દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે કોલ્ડ વૉર ચાલી રહી છે. એવામાં મુખ્ય પ્રધાન બાદ ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નાશિકમાં સિંહસ્થ કુંભમેળાની તૈયારીની સ્વતંત્ર બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ગિરીશ મહાજન સામેલ નહોતા થયા, પણ દાદા ભુસે હાજર રહ્યા હતા એથી મહાયુતિમાં કંઈ ઠીક ન હોવાનું જણાઈ આવે છે.
નાશિકના કુંભમેળા માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત કુંભમેળાની જવાબદારી સોંપવામાં આવી છે એ રાજ્યના પ્રધાન ગિરીશ મહાજને પણ પહેલાં બેઠક બોલાવી હતી. શિવસેનાના એક નેતાના મતે નાશિકના કુંભમેળામાં પ્રયાગરાજના મહાકુંભમાં ભાગદોડ થવાની ઘટના બની હતી એવો કોઈ બનાવ ન થાય એ માટેની તૈયારી બાબતે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે સ્વતંત્ર બેઠક બોલાવી હતી. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) એકનાથ શિંદેની હસ્તક છે અને તૈયારી MMRDA દ્વારા હાથ ધરવામાં આવવાની છે.

