Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૨૩ માળ ઊંચા ઍર ઇન્ડિયા બિલ્ડિંગ પરનો લોગો કાઢવામાં ભારે પવનને કારણે ૬ દિવસ લાગી ગયા

૨૩ માળ ઊંચા ઍર ઇન્ડિયા બિલ્ડિંગ પરનો લોગો કાઢવામાં ભારે પવનને કારણે ૬ દિવસ લાગી ગયા

Published : 06 September, 2026 10:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍર ઇન્ડિયા બિલ્ડિંગ મહારાષ્ટ્ર રાજ્ય સરકારની માલિકીનું છે. હવે એના પર સરકારી નવો લોગો લાગશે

ઍર ઇન્ડિયાનો લોગો અને એ કાઢી લેવાયા પછીનું સ્ટ્રક્ચર.

ઍર ઇન્ડિયાનો લોગો અને એ કાઢી લેવાયા પછીનું સ્ટ્રક્ચર.


નરીમાન પૉઇન્ટના એક ખૂણે આવેલા ૨૩ માળ ઊંચા ઍર ઇન્ડિયા બિલ્ડિંગની ટેરેસ પર ગોઠવવામાં આવેલો ઍર ઇન્ડિયાનો લાલ અને પીળો ૩૮ ફુટ X ૨૪ ફુટનો લોગો કાઢવામાં પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટને ૬ દિવસ લાગ્યા હતા. હવે એ ઍર ઇન્ડિયા બિલ્ડિંગ મહારાષ્ટ્ર રાજ્ય સરકારની માલિકીનું છે. હવે એના પર સરકારી નવો લોગો લાગશે. 
આ વર્ષની શરૂઆતમાં રાજ્ય સરકારે ૫૬ વર્ષ જૂનું આ બિલ્ડિંગ ૧૬૦૧ કરોડ રૂપિયામાં ખરીદી લીધું હતું. ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે ઍર ઇન્ડિયા ઍસેટ્સ હોલ્ડિંગ લિમિટેડ સાથેના કરાર પર એ માટે હસ્તાક્ષર કર્યા હતા. એ બિલ્ડિંગમાં હવે સરકારી ઑફિસો કાર્યરત થશે. હવે એ બિલ્ડિંગ પર મહારાષ્ટ્ર સરકારનો લોગો લાગશે. મંત્રાલયમાં અનેક ડિપાર્ટમેન્ટની 
ઑફિસો છે, પણ હવે એ જગ્યા નાની પડી રહી છે અને ઘણી બધી ઑફિસો મંત્રાલયની આસપાસના વિસ્તારમાં ભાડે લીધેલી જગ્યામાં ચાલે છે. એ બંધ કરીને એ ઑફિસો આ ઍર ઇન્ડિયાના બિલ્ડિંગમાં શિફ્ટ કરવાનો સરકારનો પ્લાન છે.    

બિલ્ડિંગ પર લગાડેલું ઍર ઇન્ડિયાનું સાઇન-બોર્ડ અને નામ જૂન મહિનામાં જ કાઢી લેવાયાં હતાં, પણ ઍર ઇન્ડિયાનો લાલ-પીળો લોગો હટાવાયો નહોતો. દરિયાકિનારે ૨૩ માળની ઊંચાઈએ ટેરેસ પર લગાડેલો એ લોગો કાઢવા બહુ જ કાળજી રાખવી પડે એમ હતી કારણ કે ત્યાં બહુ જ ઝડપે પવન ફૂંકાતો હોય છે. પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના એક ઉચ્ચ અધિકારીએ આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘બહુ જ ઝડપથી પવન ફૂંકાતો હોવાને કારણે અમે ૬ દિવસ તો વિન્ડ-પૅર્ટનનો અભ્યાસ કર્યો અને એની પૂરતી માહિતી મેળવીને એ ક્યારે ઓછી ઝડપે ફૂંકાય એ ચેક કર્યા પછી જ લોગો રિમૂવ કરવાનું નક્કી કર્યું હતું. દરિયાકિનારે હાઇટ પર લગાડવામાં આવેલો આ લોગો ઍલ્યુમિનિયમ શીટમાંથી બનાવવામાં આવ્યો હતો અને એમાંથી હવા પસાર થઈ જાય એ માટે હોલ્સ કરવામાં આવ્યા હતા. લોગો રિમૂવ કરવા ૮ ટ્રેઇન્ડ લેબરની ટીમ કામે લગાડવામાં આવી હતી. આ કામગારો હાઇરાઇઝ બિલ્ડિંગમાં કામ કરવાનો અનુભવ ધરાવતા હતા. તેમના માટે પૂરતાં સેફ્ટી પ્રિકૉશન્સ લેવામાં આવ્યાં હતાં. સેફ્ટી-બેલ્ટ, હેલ્મેટ, હાર્નેસ બધું જ ફરજિયાત હતું. એ સાથે અમારે એ પણ જોવાનું હતું કે એ તોડતી વખતે એમાંનો કોઈ ટુકડો નીચે ન પડે અને કોઈ ઘાયલ ન થાય. આ લોગો તોડવા માટે એના ૪૦ જેટલા ટુકડા કર્યા હતા. રોજ ૮ કામગારોની ટીમ પાંચ કલાક કામ કરતી હતી. ૬ દિવસે આ ઑપરેશન પાર પાડી શકાયું હતું.’



રાજ્ય સરકારે હવે આ બિલ્ડિંગ પર એનો નવો લોગો લગાડવાની  છે જેની ડિઝાઇન તૈયાર કરવા સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટને જણાવવામાં આવ્યું છે. ૧૫ જેટલી ડિઝાઇન બનાવાઈ છે અને બીજી પણ બની રહી છે. 


બિલ્ડિંગમાં ઇન્ટર્નલ રિપેરિંગ માટે ૧૮૧ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2026 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK