Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિધિની હૃદયદ્રાવક વક્રતા! કચ્છી જૈન અગ્રણી જયંતી નાગડાની આંચકાજનક વિદાય

વિધિની હૃદયદ્રાવક વક્રતા! કચ્છી જૈન અગ્રણી જયંતી નાગડાની આંચકાજનક વિદાય

Published : 09 February, 2026 07:05 AM | Modified : 09 February, 2026 07:06 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

અચલગચ્છના શાસનરત્ન કહેવાતા અંબરનાથના કચ્છી જૈન અગ્રણી જયંતી નાગડાની આંચકાજનક વિદાય

જયંતી નાગડા

જયંતી નાગડા


હાર્ટ-અટૅક આવ્યા પછી બહેતર સારવાર માટે અંબરનાથથી કિંગ્સ સર્કલની સારી હૉસ્પિટલમાં જવા નીકળ્યા, પણ ભાંડુપમાં ઍમ્બ્યુલન્સનો અકસ્માત થયો એને પગલે જીવ જતો રહ્યો

અંબરનાથથી કિંગ્સ સર્કલની હૉસ્પિટલમાં હાર્ટની સારવાર માટે જઈ રહેલા શ્રી કચ્છી વીસા ઓસવાળ જૈન સંઘ-અંબરનાથના ૭૨ વર્ષના પ્રમુખ જયંતી નાગડાની ઍમ્બ્યુલન્સને રસ્તામાં અકસ્માત નડતાં ચૂનાભઠ્ઠીની કે. જે. સોમૈયા હૉસ્પિટલમાં પહોંચે એ પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું. તેમના અચાનક અવસાનથી અંબરનાથ અને મુંબઈના અચલગચ્છ જૈન સમાજમાં તેમ જ નાગડા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. તેમના અંતિમ સંસ્કાર ગઈ કાલે સાંજના ૭.૩૦ વાગ્યે તેમના સ્વજનો, શુભેચ્છકો, વેપારી અગ્રણીઓ અને મહાનુભાવોની હાજરીમાં અંબરનાથની સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા. જયંતીભાઈ કરિયાણાના હોલસેલ વેપારી અને બિલ્ડર હતા.




જયંતી નાગડાને સંઘપતિની પાઘ પહેરાવીને વિદાય આપવામાં આવી હતી. તેમની અંતિમયાત્રામાં અનેક લોકો સામેલ થયા હતા.

આ બનાવની માહિતી આપતાં જયંતીભાઈના મોટા પુત્ર મહેન્દ્ર નાગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ પપ્પાએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરીને અમારા પરિવારના બધા જ સભ્યોને તેમની પાસે બોલાવી લીધા હતા. અમે તરત જ અંબરનાથની હૉસ્પિટલમાં તેમને સારવાર માટે લઈ ગયા હતા; પરંતુ ત્યાં તેમના કાર્ડિયોગ્રામ, ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશરના બધા જ રિપોર્ટ ખરાબ આવતાં ડૉક્ટરોએ તેમને કાર્ડિઍક સારવાર માટે મુંબઈની સારી હૉસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી હતી. અમે પરિવારજનોએ તરત જ નિર્ણય લઈને કાર્ડિઍક સુવિધાઓથી સજ્જ ઍમ્બ્યુલન્સમાં પપ્પાને કિંગ્સ સર્કલની કીકાભાઈ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જઈ રહ્યા હતા. અંદાજે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ ઍમ્બ્યુલન્સ ભાંડુપના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી જઈ રહી હતી ત્યારે એક બાઇકરને બચાવવા જતાં ઍમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો હતો. ઍમ્બ્યુલન્સ એક જગ્યાએ અથડાઈ હતી જેને કારણે પપ્પાની તબિયત વધુ લથડી હતી. અમે બીજી ઍમ્બ્યુલન્સ બોલાવવા માટે અનેક પ્રયાસ કર્યા, પણ અમને બીજી ઍમ્બ્યુલન્સ અર્જન્ટમાં મળી નહોતી.’


તેમની ઍમ્બ્યુલન્સની પાછળ જ અમારી કાર પણ હતી એમ જણાવતાં મહેન્દ્ર નાગડાએ કહ્યું હતું કે ‘ઍમ્બ્યુલન્સ ન મળતાં અમે સમય બગાડ્યા વગર પપ્પાને અમારી કારમાં કિંગ્સ સર્કલ લઈ જવા નીકળ્યા હતા, પરંતુ કારમાં પપ્પાની તબિયત ચૂનાભઠ્ઠી પાસે વધુ બગડી હતી. તેમણે અમારી સાથે આવેલી મારી મમ્મી અમૃતાબહેનને હાથ બતાવીને હવે નહીં બચે એવો ઇશારો પણ આપી દીધો હતો. અમે તાત્કાલિક તેમને ચૂનાભઠ્ઠીની કે. જે સોમૈયા હૉસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા. ત્યાં પ્રવેશતાં જ ડૉક્ટરો સારવાર આપે એ પહેલાં પપ્પાએ જીવ છોડી દીધો હતો. આમ છતાં પપ્પાનો જીવ બચાવવા માટે હૉસ્પિટલના ડૉક્ટરોએ તેમની રીતે પૂરા પ્રયત્નો કર્યા હતા, પણ તેઓ પપ્પાને બચાવી શક્યા નહોતા. તેમણે પપ્પાને અંદાજે બપોરે ૧૨.૩૦ વાગ્યે મૃત જાહેર કર્યા હતા.’

મૂળ ગામ કચ્છ નરેડીના જયંતી નાગડાના અવસાનથી જિનશાસને એક શાસનરત્ન ખોયો છે એમ જણાવીને જયંતી નાગડાને શ્રદ્ધાંજલિ આપતાં શ્રી કચ્છી વીસા ઓસવાળ જૈન સંઘ-અંબરનાથના સેક્રેટરી મયૂર વિસરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જયંતીભાઈ છેલ્લાં ૩૦ વર્ષથી તન, મન અને ધનથી જિનશાસનની સેવા કરતા હતા. અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબે બે વર્ષ અગાઉ જયંતીભાઈને જીરાવલ્લા મહાતીર્થ મુકામે શાસનરત્નનો ખિતાબ આપ્યો હતો. જયંતીભાઈ સંપૂર્ણ રીતે ધર્મમય જીવન જીવતા હતા. તેમના નેતૃત્વમાં સામૂહિક અઠ્ઠમ તપ, છરીપા‌લિત સંઘો, વિવિધ પૂજન-અનુષ્ઠાનો, ૯૯ યાત્રાઓ થઈ છે. અખિલ ભારત અચલગચ્છ વિધિપક્ષ શ્વેતાંબર જૈન સંઘના તેઓ ટ્રસ્ટી હતા. શ્રી અંબરનાથ સંઘમાં તેઓ ત્રણ દાયકાથી પ્રમુખપદે કાર્યરત હતા. શ્રી ગિરનાર ટ્રસ્ટ, શ્રી દંતાણી મહાતીર્થ, શ્રી દેઢિયા તીર્થમાં પણ તેઓ ટ્રસ્ટીપદે કાર્યરત હતા. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં જ અંબરનાથ આવીને જયંતીભાઈનું બહુમાન કર્યું હતું. અચલગચ્છના ઇતિહાસમાં પહેલી વખત ૧૦૦૦થી વધારે ભાગ્યશાળીઓએ જયંતીભાઈના નેતૃત્વમાં શ્રી અંતરીક્ષ મહાતીર્થ મુકામે સામૂહિક અઠ્ઠમ તપની આરાધના કરી હતી. જયંતીભાઈને સંઘપતિની પાઘ પહેરાવીને વિદાય આપવામાં આવી હતી.`

Whatsapp-channel Whatsapp-channel

09 February, 2026 07:06 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK