કેરલમમાં સૌથી ગરીબ ઉમેદવારે ૮૪ રૂપિયાની સંપત્તિ જાહેર કરી, ૪૦ રૂપિયા હાથમાં અને ૪૪ રૂપિયા બૅન્કના ખાતામાં
આશના થમ્પી
માત્ર ૮૪ રૂપિયાની સંપત્તિ ધરાવતી એક મહિલા ઉમેદવાર કેરલમમાં ચૂંટણીના મેદાનમાં ઊતરી છે. સોશ્યલિસ્ટ યુનિટી સેન્ટર ઑફ ઇન્ડિયા (કમ્યુનિસ્ટ)ની ૨૬ વર્ષની ઉમેદવાર આશના થમ્પી ૨૦૨૬ની કેરલમ ચૂંટણીમાં સૌથી ઓછી ગરીબ દાવેદાર તરીકે ઊભરી આવી છે. તેણે તેના ચૂંટણી ઍફિડેવિટમાં ફક્ત ૮૪ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. રજૂ કરેલી વિગતો અનુસાર આશના થમ્પી પાસે ૪૦ રૂપિયા રોકડા અને ૪૪ રૂપિયા બૅન્ક-ખાતામાં છે. તેની પાસે મિલકત, જમીન, ઘર, ઘરેણાં કે વાહનોની કોઈ માલિકી નથી. તેણે કેરલમના ઇટ્ટુમનુર વિધાનસભા મતવિસ્તારમાં ઉમેદવારી નોંધાવી છે. જોકે આટલી ઓછી સંપત્તિ હોવા છતાં તે ભણેલી છે. તેની પાસે લિટરેચરમાં ડિગ્રી છે અને પત્રકારત્વમાં પોસ્ટ-ગ્રૅજ્યુએટ ડિપ્લોમા ધરાવે છે. તે ઑલ ઇન્ડિયા ડેમોક્રૅટિક સ્ટુડન્ટ્સ ઑર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલી છે અને આશા વર્કર માટે કામ કરે છે. એક વિરોધ-પ્રદર્શન વખતે તેણે પોતાનું માથું મૂંડાવી દીધું હતું. તેના મિત્રો અને સહયોગીઓ તેને ચૂંટણીપ્રચાર માટે ૧૦થી લઈને ૫૦ રૂપિયા સુધીની રકમ દાનમાં આપી રહ્યા છે જેનો ઉપયોગ તે પૅમ્ફ્લેટ છાપવામાં કરે છે. ૬ એપ્રિલે આ મતદાર સંઘમાં ચૂંટણી યોજાઈ છે.
