હવે કુણાલ કામરાએ બંધારણવાળું ટી-શર્ટ પહેરીને વિવાદ સરજ્યો
કુણાલ કામરા
સ્ટૅન્ડઅપ કૉમેડિયન કુણાલ કામરાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની મજાક ઉડાડતું ટી-શર્ટ પહેરેલો ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યા પછી નવો વિવાદ શરૂ થયો હતો, એને કારણે ભારતીય જનતા પાર્ટી (BJP)એ આકરી પ્રતિક્રિયા આપીને મંગળવારે પોલીસ-કાર્યવાહીની ચેતવણી આપી હતી. ત્યાર બાદ બુધવારે સંવિધાન દિવસ હોવાથી કુણાલે એવું જ રેડ ટી-શર્ટ પહેરીને ફોટો શૅર કર્યો હતો. એમાં ભારતીય બંધારણનું પુસ્તક બતાવ્યું છે પણ લોકોનું ધ્યાન એની કમેન્ટે ખેંચ્યું હતું; ‘દેશ આક્રોશથી નહીં, બંધારણથી ચાલે’.
અગાઉ કુણાલ કામરાએ બ્લૅક ટી-શર્ટ પહેરેલો ફોટો પોસ્ટ કર્યો હતો જેના પર ‘RSS’ અક્ષર છપાયેલા છે. એમાં એક શ્વાનનો ફોટો છે જે પગ ઊંચો કરીને પેશાબ કરતો બતાવાયો છે. જોકે શ્વાનના ફોટોને કારણે પહેલો અક્ષર R છે કે P એ સ્પષ્ટ થતું નથી. તેણે પોસ્ટની કૅપ્શનમાં લખ્યું છે ઃ કૉમેડી ક્લબમાં ક્લિક નથી કર્યું. કુણાલ કામરાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિરુદ્ધ ભૂતકાળમાં અયોગ્ય ટિપ્પણીઓ કરી હતી. માર્ચમાં કુણાલ કામરાએ શિવસેનાના અધ્યક્ષ એકનાથ શિંદે વિરુદ્ધ ટિપ્પણીઓ કરીને વિવાદ ઊભો કર્યો હતો અને ત્યારે તેની વિરુદ્ધ કેસ દાખલ થયો હતો.


