પહેલાં મિત્રતા કેળવીને સહમતીથી શારીરિક સંબંધ બાંધ્યો, પછી અશ્લીલ વિડિયો રેકૉર્ડ કરી વેપારીની પત્નીને મોકલીને પોતાની સાથે લગ્ન કરવા અને પૈસા આપવા બ્લૅકમેઇલ કરવા લાગી
પ્રતીકાત્મક તસવીર
પુણેમાં મહિલા દ્વારા પુરુષને અશ્લીલ વિડિયોથી બ્લૅકમેઇલ કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બાબતે કોથરુડ પોલીસે આરોપી મહિલા સામે મંગળવારે ફરિયાદ નોંધી હતી.
કોલ્હાપુરના ચંદગઢ વિસ્તારમાં રહેતા ૪૭ વર્ષના વેપારી સાથે મિત્રતા કરીને શારીરિક સંબંધ બાંધ્યા પછી ૩૨ વર્ષની એક મહિલાએ તેમને લગ્ન કરવા અને પૈસા આપવા માટે બ્લૅકમેઇલ કર્યા હોવાનો આરોપ ફરિયાદમાં મૂકવામાં આવ્યો છે.
અશ્લીલ વિડિયો રેકૉર્ડ કર્યો
પુણેમાં એક મંદિરમાં દર્શન કરવા આવેલા વેપારી સાથે આરોપી મહિલાએ શરૂઆતમાં મિત્રતા કેળવી હતી. એ પછી બન્નેએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. એ વખતે આરોપી મહિલાએ પોતાના મોબાઇલમાં અશ્લીલ વિડિયો રેકૉર્ડ કરી લીધો હતો. પાછળથી આ વિડિયો વાઇરલ કરવાની ધમકી આપીને મહિલાએ વારંવાર વેપારીને સંબંધ બાંધવા માટે મજબૂર કર્યો હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આરોપી મહિલા વેપારીને લગ્ન કરવા માટે પણ જબરદસ્તી કરવા લાગી હતી. ઉપરાંત તેની પાસેથી બે લાખ રૂપિયાની માગણી પણ કરવામાં આવી હતી એવું ફરિયાદીએ જણાવ્યું હતું. અંતે કંટાળી ગયેલા વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
મંદિરમાં મળી હતી મહિલા
કોથરુડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૨૪ના અંતમાં વેપારી તેના પરિવાર સાથે પુણેના એક મંદિરમાં દર્શન માટે આવ્યો હતો. ત્યારે દર્શન માટેની લાઇનમાં તેની મુલાકાત આરોપી મહિલા સાથે થઈ હતી. પાછળથી સોશ્યલ મીડિયા પર બન્ને મિત્રો થયાં હતાં અને તેમની વચ્ચે એકથી બે વાર પુણેમાં બન્નેની સહમતીથી સંબંધો બંધાયા હતા. એનો આરોપી મહિલાએ વિડિયો રેકૉર્ડ કર્યો હતો અને એના આધારે વેપારીને બ્લૅકમેઇલ કર્યો હતો. તેણે વેપારીની પત્નીને પણ એ વિડિયો મોકલી દીધો હતો. મહિલાએ વેપારી પાસેથી સોનાની વીંટી પડાવી હતી અને પૈસા પણ માગ્યા હતા. આ કેસમાં આરોપી મહિલાની શોધ ચાલી રહી છે.’


