ગુલશન કુમાર અભિનીત ટી-સિરીઝના વિડિયોને રેકોર્ડબ્રેક ૫,૦૦,૬૭,૧૩,૯૫૬ વ્યુઝ મળ્યા
આ વિડિયોમાં હનુમાન ચાલીસાનું પઠન હરિહરન કરે છે અને મ્યુઝિક કમ્પોઝિશન લલિત સેનનું છે
ટી-સિરીઝના સ્થાપક દિવંગત ગુલશન કુમાર અભિનીત હનુમાન ચાલીસાના વિડિયોએ યુટ્યુબ પર ૧૪ વર્ષમાં પાંચ અબજથી વધારે વ્યુઝ મેળવ્યા છે. ભારતમાંથી યુટ્યુબ પર મૂકવામાં આવેલા આ વિડિયોએ અત્યાર સુધીના સૌથી વધુ જોવાયેલા વિડિયોમાં સ્થાન મેળવ્યું છે. આ વિડિયો ૨૦૧૧ની ૧૦ મેએ યુટ્યુબ પર રિલીઝ થયો હતો. આ વિડિયોમાં હનુમાન ચાલીસાનું પઠન હરિહરન કરે છે અને મ્યુઝિક કમ્પોઝિશન લલિત સેનનું છે. આ વિડિયોએ ૫,૦૦,૬૭,૧૩,૯૫૬ વ્યૂઝ મેળવ્યા છે અને આ આંકડો સતત વધી રહ્યો છે.
આ મુદ્દે ટી-સિરીઝના મૅનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમારે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘હનુમાન ચાલીસા લાખો લોકોના હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે, જેમાં મારો પણ સમાવેશ છે. મારા પિતા ગુલશન કુમારજીએ આધ્યાત્મિક સંગીતને દરેક ઘર સુધી પહોંચાડવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું અને આ સીમાચિહનરૂપ તેમના વિઝનનું પ્રતિબિંબ છે. પાંચ અબજ વ્યુઝને પાર કરવા અને યુટ્યુબના સર્વકાલીન ટોચના ૧૦ સૌથી વધુ જોવાયેલા વિડિયોમાં સ્થાન મેળવવું એ ફક્ત ડિજિટલ સિદ્ધિ નથી, એ આ દેશમાં લોકોની અતૂટ ભક્તિને પ્રતિબિંબિત કરે છે.’
ADVERTISEMENT
ટોચના સ્થાને અન્ય ભારતીય વિડિયો
ભારતમાં રિલીઝ થયેલા બીજા કોઈ વિડિયો હનુમાન ચાલીસાની નજીક નથી. એના પછીનો વિડિયો પંજાબી ગીત ‘લેહંગા’ છે જેને ૧.૮ અબજ વ્યુઝ મળ્યા છે. હરિયાણવી ગીત ‘52 ગજ કા દામન’ને ૧.૭ અબજ વ્યુઝ મળ્યા છે, જ્યારે ‘રાઉડી બેબી’ને પણ ૧.૭ અબજ વ્યુઝ મળ્યા છે. ‘ઝરૂરી થા’, ‘વાસ્તે’, ‘લૉન્ગ લાચી, લૂંટ ગએ’, ‘દિલબર’ અને ‘બમ બમ બોલે’ પણ ભારતમાં ટોચના સ્થાન પર છે.
શ્રી હનુમાન ચાલીસાના વૈશ્વિક રૅન્કિંગમાં બેબી શાર્ક ડાન્સના ૧૬.૩૮ અબજ વ્યુઝ, ડેસ્પેસિટોના ૮.૮૫ અબજ, વ્હીલ્સ ઑન ધ બસના ૮.૧૬ અબજ, બાથ સૉન્ગના ૭.૨૮ અબજ અને જૉની જૉની યસ પાપાના ૭.૧૨ અબજ જેવા વિડિયોનું પ્રભુત્વ છે.


