રવિવારે બપોરે એક વાગ્યાની આસપાસ બુરખો પહેરી ત્રણ મહિલાઓ દુકાનમાં દાગીના ખરીદી કરવા આવી હતી
કપૂરચંદ સોમચંદજી જ્વેલર્સમાં ખરીદી કરવા આવેલી મહિલાઓ.
કુર્લા-વેસ્ટના ન્યુ મિલ રોડ પર સહકાર ભવનમાં આવેલી કપૂરચંદ સોમચંદજી જ્વેલર્સમાં રવિવારે બપોરે બુરખામાં આવેલી ત્રણ મહિલાઓ હાથચાલાકી કરીને આશરે સાડાચાર લાખ રૂપિયાના દાગીના સેરવી ગઈ હોવાની ફરિયાદ કુર્લા પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે નોંધવામાં આવી હતી. દાગીના ખરીદી કરવાના બહાને આવેલી ત્રણે મહિલાઓએ વિવિધ કારણો આપીને સેલ્સમૅનનું ધ્યાન ભટકાવ્યું હતું. એ દરમ્યાન આશરે સાડાછ તોલાના હારનું બૉક્સ સેરવી લીધું હોવાનો આરોપ દુકાનના માલિક જગદીશ જૈને કર્યો હતો. એટલું જ નહીં, તેઓ પર શંકા ન આવે એ માટે તેમણે એક હારનું બૉક્સ સાઇડમાં રખાવી ૨૦૦૦ રૂપિયા ઍડ્વાન્સ પણ આપી ત્યાંથી નીકળી ગઈ હતી. આવી ઘટનાઓ મુંબઈમાં વધતી જોઈ જ્વેલર્સ માટે ચિંતા ઊભી થઈ છે.
લાખો રૂપિયાની ખરીદી માટે મહિલાઓ આવી છે એમ જાણી અમારા સ્ટાફે તેમને VIP ટ્રીટમેન્ટ આપી હતી એમ જણાવતાં કપૂરચંદ સોમચંદજી જ્વેલર્સના માલિક જગદીશ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે બપોરે એક વાગ્યાની આસપાસ બુરખો પહેરી ત્રણ મહિલાઓ દુકાનમાં દાગીના ખરીદી કરવા આવી હતી જેમાંથી એકના હાથમાં નાનું બાળક પણ હતું. પહેલાં તેઓએ ચેઇન જોઈ અને એમાંથી એક ચેઇન સાઇડમાં કઢાવી હાર દેખાડવા કહ્યું હતું એટલે અમારા સેલ્સમૅને તેમને હારની ડિઝાઇનો દેખાડી હતી. એ સમયે જ જેના હાથમાં બાળક હતું તેણે કહ્યું હતું કે બાળકને ખૂબ જ ગરમી થાય છે અને તેને પાણી પીવું છે, તમે પાણી આપો એમ કહેતાં સેલ્સમૅને ઍર-કન્ડિશનર (AC) ફાસ્ટ કરી બાળકને પાણી આપ્યું હતું. ત્યાર બાદ આવેલી મહિલાઓએ એક હાર સાઇડમાં કઢાવીને ૨૦૦૦ રૂપિયા ઍડ્વાન્સ આપ્યા હતા અને થોડી વારમાં બીજા પૈસા લઈને આવીએ છીએ એમ કહીને ત્રણે નીકળી ગઈ હતી. તેઓ ગયા પછી સેલ્સમૅન જ્યારે તમામ માલ પાછો મૂકી રહ્યો હતો ત્યારે એક હારનું બૉક્સ ઓછું મળી આવ્યું હતું. વધુ તપાસ કરતાં ખાતરી થઈ હતી કે દાગીના ખરીદી કરવા આવેલી મહિલાઓ અમને ચૂનો લગાડી નાસી ગઈ હતી. અંતે અમે ઘટનાની ફરિયાદ કુર્લા પોલીસ-સ્ટેશનમાં કરી હતી.’
ADVERTISEMENT
જ્યારે દુકાનનો સ્ટાફ પાણી અને AC ફાસ્ટ કરવા ગયો એટલી વારમાં મહિલાઓએ દાગીનાનું બૉક્સ સેરવી લીધું હોવાનું પ્રકાશમાં આવ્યું છે એમ જણાવતાં કુર્લા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા ૧૫ દિવસમાં આવી ૭થી ૮ ઘટનાઓ મુંબઈ તેમ જ થાણે વિસ્તારમાં ઘટી છે જેમાં સરખી કાર્યપદ્ધતિ અપનાવવામાં આવી છે. આ બાબતે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’

