એટલું જ નહીં, વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની ટિકિટ-વહેંચણીનો અધિકાર પણ તેમને આપવામાં આવ્યો છે
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓની કોર કમિટીની રવિવારે થયેલી બેઠકમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની સંપૂર્ણ જવાબદારી રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સોંપવામાં આવી હતી એટલું જ નહીં, વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની ટિકિટ-વહેંચણીનો અધિકાર પણ તેમને આપવામાં આવ્યો છે. નરીમાન પૉઇન્ટમાં આવેલી BJPની ઑફિસમાં પક્ષની કોર કમિટીની બેઠકમાં પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે, દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, જનરલ સેક્રેટરી વિનોદ તાવડે, પંકજા મુંડે હાજર રહ્યાં હતાં. પક્ષના મુંબઈ BJPના અધ્યક્ષ અને બાંદરા-વેસ્ટના વિધાનસભ્ય ઍડ. આશિષ શેલારે આ વિશે ગઈ કાલે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિમાં સામેલ પક્ષો સાથે બેઠકોની સમજૂતી અને BJPના ઉમેદવારો પસંદ કરવા સહિતની તમામ જવાબદારી દેવેન્દ્ર ફડણવીસને સોંપવામાં આવી છે. આ બેઠકમાં પંદર દિવસનો એક કાર્યક્રમ પણ બનાવવામાં આવ્યો છે, જેમાં BJPના વિધાનસભ્યો હોય એ વિધાનસભા ક્ષેત્રમાં કાર્યકરો સાથે સ્નેહભોજન કરવાની સાથે ચૂંટણીસંબંધી સૂચનાઓ આપવામાં આવશે.’