આ વર્લ્ડ કપ સ્ટાર છેલ્લી ત્રણેય સીઝનમાં વાઇસ-કૅપ્ટન હતી
દિલ્હી કૅપિટલ્સના માલિક પાર્થ જિન્દલે કૅપ્ટન જેમિમા રૉડ્રિગ્સ લખેલી જર્સી ભેટ આપી હતી નવી કૅપ્ટનને
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026 માટે દિલ્હી કૅપિટલ્સે પોતાની નવી કૅપ્ટન તરીકે વર્લ્ડ કપની સ્ટાર બૅટર જેમિમા રૉડ્રિગ્સને નિયુક્ત કરી છે. દિલ્હી મેગ લૅનિંગની કૅપ્ટન્સીમાં પહેલી ત્રણેય સીઝનમાં ફાઇનલ સુધી પહોંચ્યા બાદ હાર્યું હતું. મેગ લૅનિંગને ચોથી સીઝનમાં સામેલ ન કરીને દિલ્હીએ નવા નેતૃત્વ તરફ આગળ વધવાનો નિર્ણય લીધો છે.
છેલ્લી ત્રણેય સીઝનમાં વાઇસ-કૅપ્ટન રહેલી જેમિમાને દિલ્હીએ પહેલવહેલા ઑક્શનમાં પહેલી પ્લેયર તરીકે ૨.૨૦ કરોડ રૂપિયામાં ખરીદી હતી. પચીસ વર્ષની આ બૅટરે WPL T20 લીગની ૨૭ મૅચમાં ૩ ફિફ્ટીના આધારે ૫૦૭ રન કર્યા છે. સાઉથ આફ્રિકન કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટ ટીમમાં હોવા છતાં દિલ્હી મૅનેજમેન્ટે ભારતીય પ્લેયર પર વિશ્વાસ મૂક્યો છે. દિલ્હીની માર્કેટિંગ ટીમે જેમિમાને શૂટિંગના બહાને બોલાવીને ટીમ માલિક પાર્થ જિન્દલના હાથે આ કૅપ્ટન્સી-સરપ્રાઇઝ આપ્યું હતું.


