ઓલા અને ઉબર જેવી કૅબ સર્વિસ કંપનીઓ માટે નવી પૉલિસી આવી ગઈ
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકારે મંગળવારે ઓલા અને ઉબર જેવી ઍગ્રીગેટર કૅબ સર્વિસ માટે નવી નીતિની જાહેરાત કરી છે જેનો સમગ્ર રાજ્યમાં અસરકારક રીતે અમલ કરવામાં આવશે. મહારાષ્ટ્ર કૅબ ગાઇડલાઇન્સનો ઉદ્દેશ મુસાફરો અને ડ્રાઇવરો વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનો, કૅબ-બુકિંગમાં શિસ્ત લાવવાનો અને સેવાની વિશ્વસનીયતાને પ્રોત્સાહન આપવાનો છે.
રાઇડ રદ કરવાનો દંડ
નવી ગાઇડલાઇન મુજબ જો ડ્રાઇવર રાઇડ રદ કરે છે તો ૧૦૦ રૂપિયા અથવા ૧૦ ટકા (જે ઓછું હોય એ) દંડ વસૂલ કરવામાં આવશે. આ રકમ મુસાફરના ડિજિટલ વૉલેટ અથવા બૅન્ક-ખાતામાં જમા કરવામાં આવશે જેથી તેને અસુવિધા માટે વળતર મળી શકે. જો મુસાફર કારણ વગર રાઇડ રદ કરે છે તો તેને ૫૦ રૂપિયા અથવા કુલ ભાડાના પાંચ ટકા (જે ઓછું હોય એ)નો દંડ ભરવો પડશે. આ દંડ સીધો સંબંધિત ડ્રાઇવરના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આનાથી ડ્રાઇવરોને સમયના બગાડને કારણે થતા નુકસાનની ભરપાઈ કરવામાં મદદ મળશે. ડિજિટલ વ્યવહારો દ્વારા ચુકવણી કરવામાં આવશે અને RTO એના પર નજર રાખશે, જેનાથી છેતરપિંડીની શક્યતા દૂર થશે.
ADVERTISEMENT
કૅબિનેટની મંજૂરી બાદ આદેશ જાહેર
આ નીતિને રાજ્યના પ્રધાનમંડળે મંજૂરી આપી દીધી છે અને એ મહારાષ્ટ્રમાં કાર્યરત તમામ ઍગ્રીગેટર કૅબ કંપનીઓ પર લાગુ થશે. એમાં ઓલા, ઉબર, રૅપિડો, મેરુ જેવી સેવાઓનો સમાવેશ થાય છે. કૅબ સર્વિસ સેક્ટરમાં પહેલી વાર રાજ્ય સરકારે મુસાફરો અને ડ્રાઇવરો બન્ને માટે કડક દંડની જોગવાઈ લાગુ કરી છે. સરકારને આશા છે કે આનાથી કૅબ ક્ષેત્રમાં વ્યાવસાયિક વર્તનને પ્રોત્સાહન મળશે, જેનાથી સામાન્ય લોકોને વધુ સારી સેવાનો અનુભવ મળશે. મહારાષ્ટ્ર સરકારની આ નવી પહેલને કૅબ સર્વિસને વધુ જવાબદાર અને પારદર્શક બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. હવે મુસાફરો અને ડ્રાઇવરો બન્નેએ રાઇડ બુક કરાવતાં પહેલાં નિર્ણય લેવા પડશે, કારણ કે દરેક રદ કરાયેલી રાઇડ હવે મફત નહીં રહે.

