રોજગાર માટે મુંબઈમાં આવતા લોકો માટે મુખ્ય પ્રધાને પરવડે એવા ભાડાનાં મકાનો બાબતે નિર્દેશો આપ્યા
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં ભાડાનાં મકાનોની વધતી જતી ડિમાન્ડને પહોંચી વળવા માટે એક અસરકારક તંત્ર વિકસાવવાનો નિર્દેશ આપ્યો છે. શુક્રવારે મળેલી ઉચ્ચ સ્તરની એક બેઠકમાં મુખ્ય પ્રધાને ભાડાના ઘર માટે એક સમર્પિત પોર્ટલ તૈયાર કરવાનો અને ભાડાનાં મકાનોને લગતા પડતર કેસોના નિકાલ માટે ૧૦૦ સ્પેશ્યલ કોર્ટ શરૂ કરવાનો આદેશ પણ આપ્યો હતો.
મુંબઈમાં રોજગાર માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો સ્થળાંતર કરીને આવે છે, જેને કારણે શહેરમાં ભાડાનાં મકાનોની માગણીમાં ધરખમ વધારો થયો છે. ડિમાન્ડ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવવા તેમ જ મકાનમાલિક અને ભાડૂત બન્ને પક્ષોને મુશ્કેલી ન પડે એવું માળખું ઊભું કરવાનો આદેશ મુખ્ય પ્રધાને આપ્યો હતો.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર રેન્ટ કન્ટ્રોલ ઍક્ટ, ૧૯૯૯ના અમલીકરણને વધુ કડક બનાવવા માટે મુખ્ય પ્રધાને ડેપ્યુટી પોલીસ-કમિશનર (DCP)ને જવાબદાર અધિકારી તરીકે નીમવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત ભાડા સંબંધિત વિવાદોના ઝડપી નિકાલ માટે મુંબઈમાં ૧૦૦ સ્પેશ્યલ કોર્ટ શરૂ કરવાની અને એમાં નિવૃત્ત ન્યાયાધીશોની નિમણૂક કરવાની સૂચના આપવામાં આવી છે.
ઈવનિંગ કોર્ટનો પ્રસ્તાવ
વર્ષોથી પડતર પડેલા કેસોના નિકાલ માટે મુખ્ય પ્રધાને કોર્ટની પરવાનગી મેળવીને ઈવનિંગ કોર્ટ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ માટે જો જરૂર જણાય તો પ્રાઇવેટ જગ્યા ભાડે લેવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે.
