વૉર્ડમાં પ્રશાસકીય અધિકારી અને પોલીસના સમાવેશ સાથેની ટીમ તૈયાર કરીને સરકારના આદેશનું પાલન ન કરનારાઓ સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.
પૉલિટિકલ બૅનર-પોસ્ટર
શહેરને ગંદું અને ગોબરું કરનારાં બૅનરો અને પોસ્ટરો વિશે બૉમ્બે હાઈ કોર્ટે ફટકાર લગાવ્યા બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. મુંબઈ સહિત રાજ્યભરમાં ગેરકાયદે લગાવવામાં આવતાં બૅનરો કે પોસ્ટરો પર કાબૂ લાવવા માટે રાજ્ય સરકારે પ્રિન્ટિંગ પ્રેસમાં હવેથી બૅનર કે પોસ્ટર છાપતાં પહેલાં સ્થાનિક સુધરાઈની પરવાનગી લેવાનો આદેશ આપ્યો છે. સુધરાઈ પરવાનગી નહીં આપે તો પ્રિન્ટર્સ શહેરને ગંદું કરતાં બૅનર કે પોસ્ટર પ્રિન્ટ નહીં કરી શકે. આમ છતાં કોઈ પ્રિન્ટ કરશે તો તેની સામે પગલાં લેવામાં આવશે. રાજ્ય સરકારે શુક્રવારે બૉમ્બે હાઈ કોર્ટમાં આવું સોગંદનામું રજૂ કર્યું હતું. સરકારે સોગંદનામામાં નોંધ્યું છે કે સરકારે રાજ્યની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા, નગર પંચાયતોને ૨૬ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી દરમ્યાન ગેરકાયદે બૅનરો અને પોસ્ટરો હટાવવાનો આદેશ આપ્યો છે. દરેક વૉર્ડમાં પ્રશાસકીય અધિકારી અને પોલીસના સમાવેશ સાથેની ટીમ તૈયાર કરીને સરકારના આદેશનું પાલન ન કરનારાઓ સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.