આખરે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે કરી સ્પષ્ટતા
અજિત પવાર
મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજનાના લાભાર્થીઓને દર મહિને ૧૫૦૦ રૂપિયાથી વધારીને ૨૧૦૦ રૂપિયા આપવાની જાહેરાત રાજ્યના બજેટમાં કરવામાં નથી આવી કે એના માટે કોઈ જોગવાઈ પણ કરવામાં ન આવી હોવાથી વિરોધ પક્ષો મહાયુતિ સરકાર પર રાજ્યની મહિલાઓ સાથે ગદ્દારી કરી હોવાનો આરોપ મૂકી રહ્યા છે ત્યારે રાજ્યના ફાઇનૅન્સ મિનિસ્ટર અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે આ મુદ્દા પર સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે રાજ્યની આર્થિક હાલત સારી થશે ત્યાર બાદ જ વધારાના પૈસા આપવામાં આવશે. અત્યારે રાજ્ય પર અત્યાર સુધીનું સૌથી વધારે દેવું છે અને વર્ષ ૨૦૨૫-’૨૬માં એ વધીને ૯.૩ લાખ કરોડ રૂપિયા થવાની ગણતરી છે.
જોકે નવાઈની વાત એ છે કે અજિત પવારની આ સ્પષ્ટતાના ગણતરીના કલાકોમાં જ રાજ્યના બીજા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે બહુ જ જલદી રાજ્યની આર્થિક સ્થિતિ સારી થઈ જશે અને અમે લાડકી બહેનોને ૨૧૦૦ રૂપિયા આપીશું.
ADVERTISEMENT
નવેમ્બર મહિનામાં સરકાર બન્યા બાદ રાજ્યનાં મહિલા અને બાળવિકાસ ખાતાનાં પ્રધાન અદિતિ તટકરેએ કહ્યું હતું કે બજેટમાં આ બાબતે જોગવાઈ કર્યા બાદ મહિલાઓના ખાતામાં ૨૧૦૦ રૂપિયા આપવામાં આવશે. જોકે હવે તેઓ કહી રહ્યાં છે કે મહાયુતિના મૅનિફેસ્ટોમાં જે જાહેરાત કરવામાં આવી હતી એને પૂરી કરવા માટે સરકાર પાસે પાંચ વર્ષ હોવાથી આગામી સમયમાં એ પૂરી કરવામાં આવશે.

