હોટેલ અને રેસ્ટોરાંના અસોસિએશનની ચીમકી
ગઈ કાલે પ્રેસ કૉન્ફરન્સમાં હડતાળની ચીમકી આપતા AHARના પ્રેસિડન્ટ સુધાકર શેટ્ટી (વચ્ચે).
મહારાષ્ટ્રમાં હોટેલ અને રેસ્ટોરાં માટે લાઇસન્સ-ફી, એક્સાઇઝ ડ્યુટી અને લિકર પર વૅલ્યુ ઍડેડ ટૅક્સ (VAT-વૅટ)માં વધારો કરવામાં આવ્યો છે એના વિરોધમાં અસોસિએશન ઑફ ઇન્ડિયન હોટેલ ઍન્ડ રેસ્ટોરાં (AHAR)એ હડતાળ કરવાની ચીમકી આપી છે. સરકારે લિકર પરનો વૅટ પાંચ ટકાથી વધારીને ૧૦ ટકા કર્યો છે. ચાલુ ફાઇનૅન્શિયલ યરની લાઇસન્સ-ફીમાં ૧૫ ટકા વધારો કર્યો છે. નાની હોટેલોવાળાને દર મહિને ૮૬,૨૫૦ રૂપિયા લાઇસન્સ-ફી તરીકે આપવાના થાય છે. આ ઉપરાંત એક્સાઇઝ ડ્યુટીમાં ૬૦ ટકાનો વધારો નાની હોટેલો અને રેસ્ટોરાંના માલિકોને પોસાય એમ નથી. તેથી AHARએ રાજ્ય સરકાર અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને અપીલ કરી છે કે તેઓ ટૅક્સમાં થોડી રાહત આપે. બુધવારે AHARના પ્રમુખ સુધાકર શેટ્ટીએ પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં આંદોલનોની હવા ચાલી રહી છે. જો ટૅક્સમાં રાહત આપવાની અમારી અરજી સાંભળવામાં નહીં આવે તો અમે પણ હડતાળ પર ઊતરીશું.’

