ટીનેજર્સ ડ્રગ-પેડલિંગમાં ન પડે એ માટે અને ડ્રગ્સની હેરફેર કરે તો ૧૬ વર્ષના હોય તો પણ તેમનો પર કાર્યવાહી કરવા કાયદામાં સુધારો કરવાનું વિચારાઈ રહ્યું છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કાયદાની છટકબારીનો લાભ લઈ શકાય એ માટે ડ્રગ્સની હેરફેર કરવા માટે ૧૮ વર્ષથી નાના ટીનેજર્સનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે. એથી ડ્રગના કેસમાં સંડોવાયેલા એ ટીનેજર્સ પર કાર્યવાહી કરી શકાય અને તેમને એમ કરતાં રોકી શકાય એ માટે કાયદામાં સુધારો કરી ઉંમર-મર્યાદા ઘટાડીને ૧૬ વર્ષ કરવાનું વિચારાઈ રહ્યું છે એમ ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.
વિધાનસભામાં ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘રાજ્ય સરકારે ડ્રગ ટ્રાફિકિંગ કેસના રીઢા આરોપીઓ સામે હવે મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (MCOCA) લગાડવાનો નિર્ણય લીધો છે. એ જ પ્રમાણે ટીનેજર્સ ડ્રગ-પેડલિંગમાં ન પડે એ માટે અને ડ્રગ્સની હેરફેર કરે તો ૧૬ વર્ષના હોય તો પણ તેમનો પર કાર્યવાહી કરવા કાયદામાં સુધારો કરવાનું વિચારાઈ રહ્યું છે.’
ADVERTISEMENT
વિદેશીઓ નાના ગુના કરીને અહીં જ રહી જાય છે
દેવેન્દ્ર ફડણવીસે ડ્રગ-પેડલિંગના ગોરખધંધામાં પડેલા વિદેશીઓ, ખાસ કરીને નાઇજીરિયનોની સંડોવણી બાબતે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘કાયદા અનુસાર વિદેશીઓને ડિપૉર્ટ કરી શકાય છે, પણ ડ્રગ-પેડલિંગના કેસમાં પકડાયેલા એ નાઇજીરિયન અહીં નાના-નાના ગુના કરી પકડાઈ જાય છે એથી એ પછી તેમના પર કેસ ચાલે, સુનાવણી થાય એવી પ્રોસીજરને કારણે ડિપૉર્ટેશન લંબાઈ જાય છે અને એ પછી તેઓ અહીં જ રહી જાય છે. એથી અમે કેન્દ્ર સરકારને કહ્યું છે કે નાના મામૂલી ગુનામાં તેમને માફી આપી દેવી જેથી તેમનું ડિપૉર્ટેશન થઈ શકે.’

