બીજી ડિસેમ્બરે ૨૬૩ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટેના મતદાન પછી બાકી રહેલી ૨૩ મ્યુનિસિપલ બૉડીઝ માટે ગઈ કાલે મતદાન સંપન્ન
નાંદેડના ધર્માબાદમાં મતદાન વખતે વોટરોને કેદ રાખ્યા હોવાનો આરોપ
નવેમ્બરમાં મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા ૨૪૬ નગરપરિષદો અને ૪૨ નગરપંચાયતોની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી હતી. એમાંથી ૨૬૩ મ્યુનિસિપલ બૉડીઝ માટે બીજી ડિસેમ્બરે મતદાન યોજાયું હતું, પણ એનાં પરિણામોની જાહેરાત કરવામાં આવી નહોતી. ગઈ કાલે બાકી ૧૫ નગરપરિષદ અને ૮ નગરપંચાયતો એમ કુલ ૨૩ મ્યુનિસિપલ બૉડીઝના ઇલેક્શન માટે મતદાન થયું હતું. એમાં બપોર સુધી ૪૭.૦૪ ટકા મતદાન નોંધાયું હતું. આ ઉપરાંત અન્ય મ્યુનિસિપલ સંસ્થાઓમાં ખાલી પડેલી વિવિધ ૧૪૩ બેઠકો માટે પણ ગઈ કાલે મતદાન યોજાયું હતું.
આજે તમામ ૨૮૮ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનાં પરિણામો જાહેર કરવામાં આવશે. સવારે ૧૦ વાગ્યાથી મતગણતરી શરૂ થશે.
ADVERTISEMENT
નાશિકમાં ભાઈના નામે વોટ કરતો યુવક પકડાયો
નાશિક જિલ્લાના સિન્નર નગરપરિષદના વૉર્ડ નંબર-બેમાં પચીસ વર્ષના એક યુવાને નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને પોતાના ભાઈના નામે વોટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેને પકડીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
નાંદેડના ધર્માબાદમાં મતદાન વખતે વોટરોને કેદ રાખ્યા હોવાનો આરોપ
મહારાષ્ટ્રની ૨૩ નગરપરિષદો અને નગરપંચાયતો માટે ગઈ કાલે મતદાન ચાલી રહ્યું હતું એ દરમ્યાન રોકડા પૈસા વિતરણ કરવાના આરોપો સાથે નાંદેડ જિલ્લાના ધર્માબાદ શહેરમાં તનાવ ઊભો થયો હતો. પોલીસે આવીને એક હૉલમાં કેદ કરવામાં આવેલા કેટલાક મતદારોને છોડાવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો હતો જેમાં એક હૉલમાંથી કેટલાક લોકો દોડીને બહાર આવતા દેખાય છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને ભીડને વિખેરી કાઢી હતી. જોકે પોલીસ-અધિકારીઓએ કૅશ-ડિસ્ટ્રિબ્યુશનના આરોપો વચ્ચે કોઈ કમેન્ટ કરવાનો ઇનકાર કરીને જણાવ્યું હતું કે આ વિશે કોઈ ફૉર્મલ ફરિયાદ મળી નથી. સ્થાનિક અહેવાલ પ્રમાણે આ મતદારોને રોકડા પૈસા આપવામાં આવશે એમ કહીને હૉલમાં ભેગા કરવામાં આવ્યા હતા અને પછી ત્યાં બાનમાં રાખવામાં આવ્યા હતા.


