હળદરની ખેતી કરવા માટે એક ખેડૂત ટ્રૅક્ટરમાં ૧૦ મજૂરોને લઈને પોતાના ખેતર તરફ જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.
ટ્રૅક્ટર કૂવામાં ખાબક્યા બાદ પાણીમાં ડૂબેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ટ્રૅક્ટર ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રના હિંગોલી-નાંદેડ જિલ્લાની બૉર્ડર પર આવેલા ગામમાં ગઈ કાલે ૧૦ લોકોને લઈ જતું એક ટ્રૅક્ટર કૂવામાં ખાબક્યું હતું. એમાં ૮ મહિલાનાં પાણીમાં ડૂબી જવાને લીધે મૃત્યુ થયાં હતાં, જ્યારે બે લોકો બચી ગયા હતા. ટ્રૅક્ટર ચલાવી રહેલા યુવકે કાબૂ ગુમાવતાં ટ્રૅક્ટર ખુલ્લા કૂવામાં પડ્યું હતું.
ટ્રૅક્ટર કૂવામાં પડ્યું હોવાની માહિતી મળતાં ગ્રામીણ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ગામવાસીઓની મદદથી બચાવકામ શરૂ કર્યું હતું. જોકે એટલી વારમાં ટ્રૅક્ટરમાં બેસેલી ૮ મહિલાઓનાં પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયાં હતાં, જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના સવારના ૧૧ વાગ્યે આસેગાવમાં બની હતી. હળદરની ખેતી કરવા માટે એક ખેડૂત ટ્રૅક્ટરમાં ૧૦ મજૂરોને લઈને પોતાના ખેતર તરફ જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું અને જીવ ગુમાવનારી મહિલાઓના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયાની મદદ જાહેર કરી હતી.

