અચાનક પાઇપલાઇન તૂટતાં સેંકડો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું
શીળફાટા રોડ પર નીળજે રેલવે ઓવરબ્રિજ પાસેથી પસાર થતી પાણીની પાઇપલાઇન ફૂટતાં ૬૦ ફુટ ઊંચો ફુવારો ઊડ્યો હતો.
નવી મુંબઈમાં બારવી ડૅમમાંથી પાણીપુરવઠો પૂરો પાડતી પાઇપલાઇન ફૂટતાં અમુક સમય માટે પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. શુક્રવારે સવારે શીળફાટા રોડ પર નીળજે રેલવે ઓવર બ્રિજ પાસેથી પસાર થતી પાણીની પાઇપલાઇન ફૂટી હતી જેને કારણે પાણી ફોર્સથી ૬૦ ફુટ જેટલું ઊંચે ઊડ્યું હતું. અચાનક પાઇપલાઇન તૂટતાં સેંકડો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું. મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC)ના અધિકારીઓના જણાવવા મુજબ પાઇપલાઇનના સમારકામ માટે એન્જિનિયરો અને કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બારવી ડૅમમાંથી જાંબુલ પ્યૉરિફિકેશન પ્લાન્ટમાં થઈને વહેતી પાણીની લાઇન તાત્કાલિક બંધ કરવામાં આવી હતી. બારવી ડૅમ કલ્યાણ-ડોમ્બિવલી, થાણે, મુંબ્રા, કળવા અને નવી મુંબઈને પાણી પૂરું પાડે છે. છેલ્લાં બે વર્ષમાં બારવી ડૅમમાંથી નવી મુંબઈ અને થાણે તરફ જતી પાઇપલાઇન ૮ વાર તૂટી છે.

