આર્ટ્સમાં ૯૫ ટકા સાથે કૉલેજમાં ટૉપર થયેલો બોરીવલીનો માનવ પરમાર બીબીએ કરવા માગે છે

માનવ પરમાર
મુંબઈ : બોરીવલીની કુલુપવાડીમાં રહેતા અને કાંદિવલીમાં આવેલી કેઈએસ કૉલેજમાં આર્ટ્સમાં ૯૫ ટકા સાથે પાસ થયેલા માનવ પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારાં પેપર સારાં ગયાં હતાં એટલે ૮૫થી ૯૦ ટકા આવવાની અપેક્ષા હતી, પરંતુ મને ૯૫ ટકા માર્ક્સ મળવાની સાથે કૉલેજમાં હું ટૉપર થયો એનો આનંદ છે. આમ તો હું સિવિલ સર્વિસિસમાં જવા માગતો હતો, પરંતુ પિતા ટેક્સટાઇલનો બિઝનેસ કરે છે એટલે બિઝનેસ જ કરવાનો વિચાર છે. સારા પર્સન્ટેજ મળ્યા છે એટલે હવે હું બીબીએ (બૅચલર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન) કરીશ અને બાદમાં મારો ખુદનો ઑનલાઇન બિઝનેસ શરૂ કરવાનો પ્લાન છે.’
કોચિંગ ક્લાસિસથી ટાઇમ બગડે છે એ વિશે માનવે કહ્યું હતું કે ‘કોઈ સબ્જેક્ટમાં મુશ્કેલી હોય તો કૉલેજના ટીચરની મદદ લઈ શકાય છે. કોચિંગ ક્લાસિસમાં જવાથી ખૂબ સમય બરબાદ થાય છે. કૉલેજની સાથે ક્લાસિસમાં આખો દિવસ જતો રહે છે એટલે ભણવાનો સમય જ નથી રહેતો. બોર્ડની પરીક્ષા હોય ત્યારે મોટા ભાગના સ્ટુડન્ટ્સ ગંભીર બની જાય છે અને આખો દિવસ ભણ-ભણ કરે છે. મારું માનવું છે કે આખું વર્ષ સબ્જેક્ટ પ્રમાણે શેડ્યુલ બનાવીને અભ્યાસ કરીએ તો સમયસર સિલેબસ પૂરો થઈ શકે છે અને વર્ષના અંતમાં રિવિઝન કરવાનો સમય મળે છે. મારી બહેનને પણ પહેલાં એસએસસીમાં ૯૦ પ્લસ માર્ક્સ આવ્યા હતા. આથી અમારા પરિવારમાં હું ટૉપર રહ્યો એની નવાઈ નથી, પણ અપેક્ષાથી વધુ પર્સન્ટ મળવાથી કોઈને પણ ખુશી થાય જ.’