ગુજરાતી વિસ્તારમાં ગુજરાતીને ટિકિટ ન મળે અને આઉટસાઇડર મરાઠી વ્યક્તિને લિફ્ટ મળે એ ખોટું છે. આની સામે શા માટે કોઈ ગુજરાતીનો અવાજ નથી નીકળતો?
બિન્દુ ત્રિવેદી
BMC ઇલેક્શન માટે ઉમેદવારોનાં નામોની જાહેરાતની સાથે જ ઠેકઠેકાણે નિરાશા અને હતાશાનો માહોલ
BJPએ માટુંગાનાં નેહલ શાહ અને બોરીવલીનાં બીના દોશીને રિપીટ ન કર્યાં એટલે તેઓ નારાજ છે
ADVERTISEMENT
BJPનાં ઘાટકોપરનાં બિન્દુ ત્રિવેદીનો વૉર્ડ OBC થઈ ગયો એટલે તેમને આશા હતી કે તેઓ જ્યાં રહે છે એ મહિલા વૉર્ડમાંથી ઉમેદવારી મળશે, પણ ગુજરાતીઓની બહુમતીવાળા આ વિસ્તારમાં પાર્ટીએ મરાઠી કૅન્ડિડેટ પર પસંદગી ઉતારી એટલે તેઓ બરાબરનાં અકળાયાં છે
આ બળાપો ઠાલવીને બિન્દુ ત્રિવેદીએ કહ્યું કે મને જ્યાંથી ઉમેદવારી જોઈતી હતી એ વૉર્ડ નંબર ૧૩૨માં ચાર ગુજરાતીઓ અપક્ષ ઊભા રહી જાય તો પાર્ટીના હાથમાંથી વૉર્ડ જતો રહે
વિદ્યાવિહાર-વેસ્ટ અને ઘાટકોપર-વેસ્ટના કેટલાક વિસ્તારોનો સમાવેશ કરતા BMCના વૉર્ડ-નંબર ૧૩૦નાં ભારતીય જનતા પાર્ટી (BJP)નાં ભૂતપૂર્વ નગરસેવિકા બિન્દુ ત્રિવેદીના વૉર્ડને આ વખતે અધર બૅકવર્ડ ક્લાસનો વૉર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. એથી તેમને આશા હતી કે તેઓ જ્યાં રહે છે એ ઘાટકોપર-ઈસ્ટના વૉર્ડ-નંબર ૧૩૨માંથી તેમને ઉમેદવારી મળશે, પણ પાર્ટીએ ગુજરાતી બહુમતી ધરાવતા આ વૉર્ડમાં આઉટસાઇડર અને મહારાષ્ટ્રિયન ઉમેદવાર રિતુ તાવડેને ઉમેદવારી આપતાં બિન્દુ ત્રિવેદીની નારાજગી ચરમસીમાએ છે.
ઘાટકોપર ગુજરાતી બહુમતીનો વિસ્તાર છે, અહીં મરાઠી ઉમેદવારોને ટિકિટ આપીને અને ગુજરાતીઓની ટિકિટ કાપીને પાર્ટી શું કહેવા માગે છે એવો સવાલ કરતાં બિન્દુ ત્રિવેદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું તો વૉર્ડ-નંબર ૧૩૦ની સીટિંગ નગરસેવિકા છું. હવે એ વૉર્ડ અધર બૅકવર્ડ ક્લાસને ફાળે ગયો છે. જોકે હું પોતે વૉર્ડ નંબર-૧૩૨માં રહું છું અને ૨૦ વર્ષથી અહીં કામ કર્યું છે. વળી આ ૧૩૨ નંબરનો વૉર્ડ ૮૦ ટકા ગુજરાતી બહુમતીવાળો છે ત્યાં મરાઠી રિતુ તાવડેને ઉમેદવારી આપી. એમ પણ આપણા ગુજરાતીઓ તો વોટ BJPને જ આપવાના છે. તેમને વોટ ગુજરાતીઓના જોઈએ છે અને ફન્ડ ગુજરાતી ઉદ્યોગપતિઓ પાસેથી જોઈએ છે, પણ ટિકિટ મરાઠીઓને આપવી છે. આ ખોટું છે. શું આપણા ગુજરાતી વિધાનસભ્ય પાર્ટીમાં આ બાબતે વાત ન કરી શકે? ખોટું થઈ રહ્યું છે એની સામે કેમ કોઈ વાત નથી કરતું? વાત મને ટિકિટ નથી મળી એની નથી, ગુજરાતી વિસ્તારમાં ગુજરાતીને ટિકિટ ન આપવી એ ખોટું છે. ઘાટકોપર-ઈસ્ટના વૉર્ડ-નંબર ૧૩૨માંથી જેમને ટિકિટ આપી છે તે રિતુ તાવડે ઘાટકોપર-ઈસ્ટ વિધાનસભા ક્ષેત્રની વ્યક્તિ પણ નથી, તેઓ ઘાટકોપર-વેસ્ટનાં છે અને કૉન્ગ્રેસમાંથી BJPમાં આવેલાં છે. સ્થાનિક કાર્યકર્તાઓને નજરઅંદાજ કરીને બહારથી આવેલા લોકોને લિફ્ટ આપવામાં આવે છે એની સામે કેમ કોઈ ગુજરાતીનો અવાજ નથી નીકળતો? હું પાર્ટીમાં આ બાબતે રજૂઆત તો કરીશ જ.’
હવે તમારું પગલું શું હશે? શું તમે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશો? એવા સવાલોના જવાબમાં બિન્દુ ત્રિવેદીએ કહ્યું હતું કે ‘આપણા બ્લડમાં BJP છે એટલે અપક્ષ તરીકે લડવાનું વિચાર્યું તો નથી. મને સામેથી ઑફર્સ આવી રહી છે. જો આ વૉર્ડમાંથી ચાર ગુજરાતી અપક્ષ તરીકે ઊભા રહી જાય તો BJPના હાથમાંથી વૉર્ડ જતો રહે.’
વિચારધારા મોદીસાહેબ સાથે જોડાયેલી છે એટલે પાર્ટી તો નહીં છોડીએ પણ મતદારો નારાજ છે : માટુંગાનાં નેહલ શાહ
માટુંગાનો વૉર્ડ-નંબર ૧૭૭ મહિલાઓ માટે આરિક્ષત છે એ છતાં BJPનાં નગરસેવિકા નેહલ શાહનું પત્તું પણ કપાઈ ગયું છે, એથી તે નારાજ તો છે પણ એમ છતાં તેમણે કહ્યું હતું કે ‘છેલ્લાં ૮ વર્ષથી હું અહીં કાર્યરત છું. મને હતું કે ઉમેદવારી મળશે પણ પાર્ટીએ કોઈ મોટા નેતાની ભલામણને આધારે અન્ય કોઈ મહિલાને ઉમેદવારી આપી હોવાનું સંભળાઈ રહ્યું છે. મારા મતદાર મારી સાથે છે. તેમનું કહેવું છે કે મારે ચૂંટણી લડવી જોઈએ. પણ હું મોદીસાહેબની વિચારધારા સાથે જોડેલી છું એથી જ પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલી છું. પાર્ટી સાથે જ રહીશ.’
હું ૧૦૦ ટકા ડિઝર્વ કરતી હતી, પણ પાર્ટીએ લીધેલો નિર્ણય સ્વીકારવો રહ્યો : બોરીવલીનાં બીના દોશી
બોરીવલી-વેસ્ટના વૉર્ડ-નંબર ૧૭નાં ભૂતપૂર્વ નગરસેવિકા બીના દોશીનો આ વૉર્ડ મહિલાઓ માટે આરિક્ષત હોવા છતાં તેમને અહીં ફરીથી ટિકિટ નથી આપવામાં આવી. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે ‘મેં અહીં કામ કર્યું છે. મેં મારા તરફથી બહુ જ મહેનત કરી છે એથી ઉમેદવારી માટે પણ દાવો કર્યો હતો. હું ૧૦૦ ટકા ડિઝર્વ કરતી હતી એમ છતાં પાર્ટીએ અન્યને ટિકિટ આપી. પાર્ટીએ શું જોઈને નિર્ણય લીધો એની તો જાણ નથી, પણ પાર્ટીનો નિર્ણય સ્વીકારવો રહ્યો. BJPમાં હતી અને BJPમાં જ રહીશ.’
BJPએ ૭૩ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી
વૉર્ડ ૨ - તેજસ્વી ઘોસાળકર, વૉર્ડ ૭ - ગણેશ ખણકર, વૉર્ડ ૧૦ - જિતેન્દ્ર પટેલ, વૉર્ડ ૧૩ - રાણી ત્રિવેદી, વૉર્ડ ૧૪ - સીમા શિંદે, વૉર્ડ ૧૫ - જિજ્ઞા શાહ, વૉર્ડ ૧૬ - શ્વેતા કોરગાવકર, વૉર્ડ ૧૭ - શિલ્પા સાંગોરે, વૉર્ડ ૧૯ – દક્ષતા કવઠણકર, વૉર્ડ ૨૦ – બાળા તાવડે, વૉર્ડ ૨૩ – શિવકુમાર ઝા, વૉર્ડ ૨૪ – સ્વાતિ જયસ્વાલ, વૉર્ડ ૨૫ – નિશા પરુળેકર, વૉર્ડ ૩૧ – મનીષા યાદવ, વૉર્ડ ૩૬ – સિદ્ધાર્થ શર્મા, વૉર્ડ ૩૭ – પ્રતિભા શિંદે, વૉર્ડ ૪૩ – વિનોદ મિશ્રા, વૉર્ડ ૪૪ – સંગીતા જ્ઞાનમૂર્તિ શર્મા, વૉર્ડ ૪૬ – યોગિતા કોળી, વૉર્ડ ૪૭ – તેજિન્દર સિંહ તિવાના, વૉર્ડ ૫૨ – પ્રીતિ સાટમ, વૉર્ડ ૫૭ – શ્રીકલા પિલ્લે, વૉર્ડ ૫૮ – સંદીપ પટેલ, વૉર્ડ ૫૯ – યોગિતા દાભાડકર, વૉર્ડ ૬૦ – સાયલી કુલકર્ણી, વૉર્ડ ૬૩ – રૂપેશ સાવરકર, વૉર્ડ ૬૮ – રોહન રાઠોડ, વૉર્ડ ૬૯ – સુધા સિંહ, વૉર્ડ ૭૦ – અનીશ મકવાની, વૉર્ડ ૭૨ – મમતા યાદવ, વૉર્ડ ૭૪ – ઉજ્જવલા મોડક, વૉર્ડ ૭૬ – પ્રકાશ મુસળે, વૉર્ડ ૮૪ – અંજલિ સામંત, વૉર્ડ ૮૫ – મિલિન્દ શિંદે, વૉર્ડ ૮૭ – મહેશ પારકર, વૉર્ડ ૯૭ – હેતલ ગાલા, વૉર્ડ ૯૯ – જિતેન્દ્ર રાઉત, વૉર્ડ ૧૦૦ – સ્વપ્ના મ્હાત્રે, વૉર્ડ ૧૦૩ – હેતલ નાર્વેકર, વૉર્ડ ૧૦૪ – પ્રકાશ ગંગાધરે, વૉર્ડ ૧૦૫ – અનીતા વૈતી, વૉર્ડ ૧૦૬ – પ્રભાકર શિંદે, વૉર્ડ ૧૦૭ – નીલ સોમૈયા, વૉર્ડ ૧૦૮ – દીપિકા ઘાગ, વૉર્ડ ૧૧૧ – સારિકા પવાર, વૉર્ડ ૧૧૬ – જાગૃતિ પાટીલ, વૉર્ડ ૧૨૨ – ચંદન શર્મા, વૉર્ડ ૧૨૬ – અર્ચના ભાલેરાવ, વૉર્ડ ૧૨૭ – અલકા ભગત, વૉર્ડ ૧૨૯ – અશ્વિની મતે, વૉર્ડ ૧૩૦ - ધર્મેશ ગિરિ, વૉર્ડ ૧૩૧ - રાખી જાધવ, વૉર્ડ ૧૩૨ - રિતુ તાવડે, વૉર્ડ ૧૩૫ – નવનાથ બન, વૉર્ડ ૧૪૪ – બબલુ પાંચાળ, વૉર્ડ ૧૫૨ – આશા મરાઠે, વૉર્ડ ૧૫૪ – મહાદેવ શિગવણ, વૉર્ડ ૧૭૨ – રાજશ્રી શિરોડકર, વૉર્ડ ૧૭૪ – સાક્ષી કનોજિયા, વૉર્ડ ૧૮૫ – રવિ રાજા, વૉર્ડ ૧૯૦ – શીતલ ગંભીર દેસાઈ, વૉર્ડ ૧૯૫ – રાજેશ કાંગણે (વરલી મતવિસ્તાર), વૉર્ડ ૧૯૬ – સોનાલી સાવંત, વૉર્ડ ૨૦૦ – સંદીપ પાનસાંડે, વૉર્ડ ૨૦૫ – વર્ષા ગણેશ શિંદે, વૉર્ડ ૨૦૭ – રોહિદાસ લોખંડે, વૉર્ડ ૨૧૪ – અજય પાટીલ, વૉર્ડ ૨૧૫ – સંતોષ ઢોલે, વૉર્ડ ૨૧૮ – સ્નેહલ તેન્ડુલકર, વૉર્ડ ૨૧૯ – સની સાનપ, વૉર્ડ ૨૨૧ – આકાશ પુરોહિત, વૉર્ડ ૨૨૬ – મકરંદ નાર્વેકર, વૉર્ડ ૨૨૭ – હર્ષિતા નાર્વેકર


