રેલવેએ આધાર-પ્રમાણિત ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC) યુઝર્સ માટે મોટી રાહતની જાહેરાત કરી છે.
પ્રતીકાત્મક તસવીર
રેલવેએ આધાર-પ્રમાણિત ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC) યુઝર્સ માટે મોટી રાહતની જાહેરાત કરી છે. ઍડ્વાન્સ રિઝર્વેશન પિરિયડ (ARP)ના કાર્યકારી દિવસોમાં સામાન્ય અનામત ટિકિટ બુક કરાવનારાઓ પાસે હવે વધુ કલાકો હશે. આ ફેરફાર ગઈ કાલથી અમલમાં આવ્યો હતો. ૨૯ ડિસેમ્બરે ફક્ત આધાર-પ્રમાણિત IRCTC યુઝર્સે આરક્ષિત ટિકિટ બુકિંગના પહેલા દિવસે સવારે ૮થી બપોરે ૧૨ વાગ્યા સુધી ઑનલાઇન ટિકિટ બુક કરાવી હતી. આધાર-ચકાસણી વિનાના યુઝર્સ માટે બુકિંગનો સમય બપોરે ૧૨ વાગ્યા પછી છે.
૨૦૨૬ની પાંચ જાન્યુઆરીથી બુકિંગ-વિન્ડો વધુ લંબાવવામાં આવશે. આ દિવસે ફક્ત આધાર-પ્રમાણિત યુઝર્સ સવારે ૮થી સાંજે ૪ વાગ્યા સુધી ઑનલાઇન ટિકિટ બુક કરાવી શકશે. અન્ય યુઝર્સ સાંજે ૪ વાગ્યા પછી બુક કરાવી શકશે.
ADVERTISEMENT
૨૦૨૬ની ૧૨ જાન્યુઆરીથી તબક્કાવાર પ્રક્રિયાના અંતિમ તબક્કામાં સવારે ૮થી મધરાતે ૧૨ વાગ્યા સુધીનો સમગ્ર સમયગાળો આધાર-પ્રમાણિત યુઝર્સ માટે આરક્ષિત રહેશે. જોકે કમ્પ્યુટરાઇઝ્ડ PRS કાઉન્ટર પર ટિકિટ-બુકિંગ પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
તપોવન એક્સપ્રેસમાંથી નકલી ટિકિટ-ઇન્સ્પેક્ટર પકડાયો
થાણેમાં એક બનાવટી ટિકિટ-ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. ૨૬ ડિસેમ્બરે બનેલી આ ઘટનામાં રેલવે-પોલીસે ૨૭ વર્ષના આરોપીને કસારા સ્ટેશન પરથી ઝડપી પાડ્યો હતો.
આરોપી તપોવન એક્સપ્રેસમાં ટિકિટ-ઇન્સ્પેક્ટરનો ડ્રેસ પહેરીને ટિકિટ ચેક કરી રહ્યો હતો ત્યારે એક મુસાફરે ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર (CTI)ને જાણ કરી હતી. આ ટ્રેનમાં બીજા કોઈ ટિકિટ-ઇન્સ્પેક્ટરને ડ્યુટી સોંપવામાં આવેલી ન હોવાનું જણાતાં CTIએ તાત્કાલિક તેમના સાથીઓને જાણ કરીને કસારા સ્ટેશન પર આરોપીને પકડી પાડ્યો હતો.


