Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વશ લેવલ 2 : અરેરાટી અને આઘાત અનુભવવાનું ફાવતું હોય તો આ ફિલ્મ જોવી જોઇએ

વશ લેવલ 2 : અરેરાટી અને આઘાત અનુભવવાનું ફાવતું હોય તો આ ફિલ્મ જોવી જોઇએ

Published : 27 August, 2025 10:50 PM | Modified : 28 August, 2025 06:52 AM | IST | Mumbai
Hetvi Karia | hetvi.karia@mid-day.com

Vash Level 2 Movie Review: જેને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે હમણાં જ નેશનલ ફિલ્મ એવોર્ડ જાહેર થયો છે "વશ" ફિલ્મ પછી, દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિકે "વશ લેવલ 2" રિલીઝ કરી છે. આ ફિલ્મ એક પછી એક આઘાત આપનારી ફિલ્મ છે.

`વશ લેવલ 2`

Film Review

`વશ લેવલ 2`


ફિલ્મ: વશ લેવલ 2
ડાયરેક્ટર: કૃષ્ણદેવ યાજ્ઞિક
અભિનેતા: જાનકી બોડીવાલા,હિતેન કુમાર,હિતુ કનોડિયા, મોનલ ગજ્જર, ચેતન દૈયા, પ્રેમ ગઢવી,
લેખન: કૃષ્ણદેવ યાજ્ઞિક
પ્રોડ્યુસર્સ: કલ્પેશ સોની, કૃણાલ સોની
રેટિંગ: 3.5/5

જેને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે હમણાં જ નેશનલ ફિલ્મ એવોર્ડ જાહેર થયો છે "વશ" ફિલ્મ પછી, દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિકે "વશ લેવલ 2" રિલીઝ કરી છે.  કેડી તરીકે જાણીતા કૃષ્ણદેવ યાજ્ઞિક દર્શકોને ઝટકો આપવા અને વિચારતા કરી મુકવા માટે જાણીતા છે. આ ફિલ્મ એક પછી એક આઘાત આપનારી ફિલ્મ છે. "વશ" ફિલ્મની સિક્વલ તરીકે "વશ લેવલ 2"માં પહેલી ફિલ્મના પાત્રો વાર્તાને આગળ વધારવાનું કારણ બને છે. જો કે વશીકરણ આ વખતે કોઇ એક વ્યક્તિ પર નહીં પણ સ્કૂલ ગર્લ્સ પર કરવામાં આવ્યું છે. એક બે નહીં પણ સો કરતા વધુ છોકરીઓના નિર્દોષ હાસ્ય હિંસક હુમલા, ડર, આંસુ અને લોહીની નદીઓમાં ફેરવાઇ જાય છે. ફિલ્મનું એક બેઝિક ગ્રામર છે - શો ડોન્ટ ટેલ - એટલે કે બધું કહી બતાડવાનું ન હોય દેખાડવાનું હોય અને માટે જ તો તે ચલચિત્ર કહેવાય - આ મામલે કેડીને પુરા માર્ક આપવા પડે. આ ફિલ્મમાં  એવા લાંબા દ્રશ્યો છે જ્યાં સંવાદો નથી પણ દર્શકનું ધ્યાન નથી ખસતું. આ સંવાદ વગરના દ્રશ્યોમાં ઘટનાઓ છે, મોત છે અને એવું બીજીએમ છે જેને ય વશમાં કર્યું હોય એ રીતે ચાલતું રહે છે.  અમૂક બાબતો ગળે ન ઉતરે એવું થાય પણ છતાં ય વાર્તાને સાવ માની ન શકાય એવું ક્યાંય નથી લાગતું. 




ફિલ્મનું કેમેરાવર્ક તેની સૌથી મોટી તાકાત છે. ઘણી શાર્પ ફ્રેમ્સ અને એરિયલ શોટ્સ દર્શકોને ચોંકાવે છે, પોતાની બેઠકની ધારે અધ્ધર બેસાડી રાખે એવાં છે, જોકે અમૂક ક્લોઝ-અપ્સ અને ડ્રોન શોટ્સ ટાળ્યા હોત તો ય દર્શકોને એટલો જ આઘાત લાગત જેટલો અત્યારે લાગ્યો છે. જો તે દ્રશ્યો ઓછામાં ઓછા રાખવામાં આવ્યા હોત, તો તે સસ્પેન્સને વધુ પ્રભાવશાળી રાખત. તેમ છતાં, વાર્તાનો પ્રવાહ એટલો મજબૂત છે કે દર્શક એક ક્ષણ માટે પણ ઉઠીને બહાર જવાની હિંમત ન કરે એ ચોક્કસ. દર્શકોનું વશીકરણ કરવાનું મહારથ કેડી પાસે છે એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.


પરંપરાગત હોરર ફિલ્મોથી વિપરીત જે જમ્પ-સ્કૅર્સ પર આધાર રાખે છે, "વશ લેવલ 2" મનોવૈજ્ઞાનિક હોરર તરીકે દર્શકોને પોતાની પકડમાં લે છે. ધીરે ધીરે ગ્રાફ ઉપર જાય એ રીતે ફિલ્મમાં આઘાત, અરેરાટી અને જુગુપ્સા બધાનો ગ્રાફ ઉપર જતો જાય છે અને દર્શકો ભયનો હાથ પકડીને ફિલ્મ જોતા હશે તેવું તેમને લાગશે. 

ફિલ્મનો પહેલો ભાગ ઝડપી ગતિએ આગળ વધે છે અને દર્શકોને ઉત્સાહિત રાખે છે, પરંતુ ઇન્ટરવલ પછી ગતિ થોડી ધીમી પડી જાય છે. જો કે, વાર્તા નવા સ્તરો ખોલતી રહે છે તેથી દર્શકોનો ફિલ્મમાં રસ ઓછો થતો નથી. એક જગ્યાએ ફિલ્મ ટેકનિકલી થોડી નબળી પડે છે - લાઇટિંગ. ઘણા દ્રશ્યોમાં, લાઇટ્સ ખૂબ બ્રાઇટ લાગતી હતી, જ્યારે સાયકોલોજિકલ થ્રિલર માટે થોડું વધુ ડાર્ક અને શૅડો-હૅવી વાતાવરણ ફિલ્મને વધુ અસરકારક બનાવે.


સ્કૂલગર્લ્સનો અભિનય ફિલ્મનો માહોલ બાંધનારો આધાર છે. તેમની નિર્દોષતા અને ભયની અભિવ્યક્તિ એટલી પ્રામાણિક છે કે તેઓ વાર્તાનું હાર્દ બને છે. બીજી બાજુ, જાનકી બોડીવાલાનો અભિનય એક પણ સંવાદ વિના દર્શકોને બાંધી રાખે છે.પહેલી ફિલ્મમાં તે વાર્તાનું કેન્દ્ર હતી, ભાગ 2માં તેનો હિસ્સો મર્યાદિત છે પણ ખાલી આંખો સાથેનું સ્મિત ધરાવતો ચહેરો વ્યથા, ચિંતા અને ડર બધું જ પેદા કરે એવો છે. 

હિતેન કુમારે આ ફિલ્મ માટે સાડા નવ કિલો વજન ઉતારેલું. આ ફિલ્મમાં સાંકળે બંધાયેલા પ્રતાપ સાથેના પાત્ર સાથેનો તેમનો સંબંધ, તેમનો અભિગમ ચોટદાર છે. હિતુ કનોડિયાની આંખો અને અવાજ તેમના અભિનયના એંશી ટકા સાચવી લે છે અને બાકીના વીસ ટકા તેમનું સ્વૅગ તેમનો અભિનય બને છે એમ કહી શકાય. મોનલ ગજ્જરે શાળાના આચાર્યા તરીકે પોતાના પાત્રને સરસ ન્યાય આપ્યો છે તો ચેતન દૈયા તો અભિનયના માસ્ટર છે જ - તેમણે પોલીસ અધિકારી તરીકે પોતાના અભિનયમાં ધીરજ, અકળામણ, ક્રોધ અને વિવિશતા બધું જ સરસ રીતે ઢાળ્યું છે.  બાય ધી વે નીલમ પંચાલની હાજરી મિસ થઇ પણ મોત થયું હોય એ પાત્ર તો ફોટામાં જ જોઇ શકાશે.

ફિલ્મના સંગીતની વાત કરીએ તો સંગીત ફિલ્મની વાર્તા અને થીમને બંધ બેસતું હોવા છતાં પણ ક્યારેક એટલું બધું લાઉડ લાગે છે કે એમ થાય કે બીજીએમને પણ વળગાડ છે. 

"વશ લેવલ 2" જોઇને તમને એ સવાલનો જવાબ મળશે કે વશની પહેલી ફિલ્મમાં શેતાન સમા પ્રતાપે જે વશીકરણ કર્યું હતું તે શા માટે કર્યું હતું?  પુરુષપ્રધાન માનસિકતાની પરાકાષ્ઠા એ શેતાનના દિમાગની ઉપજ હોઇ શકે.  જો કે અંતમાં જે લેવડ-દેવડને કારણે જાનકીનું પાત્ર વશીકરણમાંથી બહાર આવે છે એ જોઇને કદાચ કોઇને લાગે કે સાવ આટલું સરળ ન હોઇ શકે પણ શેતાન સામે કોઇનું શાણપણ ચાલતું નથી એ અગમ-નિગમ અને તંત્રની દુનિયા જાણનારા સારી પેઠે સમજે છે. જો કે ફિલ્મને અંતે હિતુ કનોડિયાનું પાત્ર એક નિરાંતનો ઉંડો નિસાસો નાખે છે, દર્શકો સાથે પણ એવું તો થશે જ.

જેમ કેટલીક વાર્તાઓ આગળ ધકેલાઈ જવાથી તેમનો પ્રભાવ ગુમાવે છે, તેમ "વશ લેવલ 2" એવા લેવલ પર છે કે હવે જો વશ લેવલ 3 બનશે તો કદાચ તેનો પ્રભાવ આટલો નહીં હોય. 

બાય ધી વે આ ફિલ્મની વાર્તાનો એક પાતળો દોર એટલે "પાઇડ પાઇપર"ની વાર્તા જેને આપણે ગુજરાતીમાં "વાંસળીવાળો" તરીકે સાંભળી હશે જ્યારે વાંસળી વગાડીને ગામમાં આતંક ફેલાવતા ઉંદરડાઓને નદીમાં ડુબાડી દેનારા વાંસળીવાળાને પૈસા નથી ચૂકવાતા ત્યારે તે વાંસળી વગાડી ગામનાં છોકરાંઓને પોતાની પાછળ દોડતાં કરી દે છે અને પછી ગામના લોકો તેની માફી માગી પોતાના સંતાનોને બચાવવા માટે તેને પૈસા ચૂકવે છે. આ જ લાઇન પર બનેલી એક હૉલીવુડ ફિલ્મ પણ અત્યારે થિએટર્સમાં ચાલી રહી છે - "વેપન્સ" - જેની સ્ક્રિપ્ટ ફિલ્મની રિલીઝ પહેલાં લીક થઇ ગઇ હતી અને દર્શકોએ તેને વિશે વિવિધ સોશ્યલ મીડિયા પર ચર્ચા પણ કરી હતી. આ ફિલ્મમાં એક સ્કૂલનાં એક જ વર્ગનાં સત્તર છોકરાં એક સાથે ગાયબ થઇ જાય છે.  જો તમને "વશ લેવલ 2" ગમશે તો તમારે "વેપન્સ" ફિલ્મ પણ અચૂક જોવી જોઇએ.


"વશ લેવલ 2" એક એવી ફિલ્મ છે જે ઉત્તમ અભિનય, મજબૂત દિગ્દર્શન અને ચુસ્ત કેમેરાવર્ક સાથે દર્શકોને અંત સુધી જકડી રાખે છે. સાયકોલોજિકલ થ્રિલર તરીકે આ ફિલ્મ આદર્શ છે.  જો કે તમને જુગુપ્સા અને અરેરાટી ન અનુભવવી હોય તો આ ફિલ્મ ન જોવી.  ઝનુન અને હિંસાના દ્રશ્યો કોઇને પણ વિચલિત કરી શકે તેવાં છે અને એ થોડાંક - જરાક અમસ્તા પણ ઓછાં હોત તોય દર્શકોને જે અનુભવાય છે તે અનુભવાત જ.

પ્લસ પોઇન્ટ: પ્લૉટ, બૅકકગ્રાઉન્ડ મ્યૂઝિક, સ્ક્રીનપ્લે
માઇનસ પોઇન્ટ: મધ્યાંતર પછીનો ભાગ વધુ પેસી હોત તો મજા આવત,  કેટલીક જગ્યાએ ડાર્ક ટોન વધુ વપરાયો હતો તો સાયકોલોજિકલ થ્રિલર માટે વધારે અસરકારક હોત, હિંસક દ્રશ્યોના ક્લોઝઅપ્સ અને ડ્રોન શોટ્સ ઓછા કરી શકાત

Whatsapp-channel Whatsapp-channel

28 August, 2025 06:52 AM IST | Mumbai | Hetvi Karia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK