મરાઠી ભાષામાં કારભાર કરાવવાની MNSની ધાકધમકીથી કંટાળીને બૅન્કના અસોસિએશને મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો
લોનાવલામાં એક બૅન્કના કર્મચારીને લાફો મારી રહેલા MNSના કાર્યકરો.
ગુઢીપાડવાની સભામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ચીફ રાજ ઠાકરેએ રાજ્યમાં થનારો તમામ કારભાર મરાઠી ભાષામાં જ થવો જોઈએ એવો પુનરુચ્ચાર કર્યા બાદ MNSના કાર્યકરો છેલ્લા ત્રણ દિવસથી મુંબઈ, પુણે, લોનાવલા જેવાં સ્થળોએ
આવેલી બૅન્કોમાં જઈને જે અધિકારીઓ મરાઠીમાં વાત નથી કરતા તેમને ધમકાવી રહ્યા છે તેમ જ એક જગ્યાએ તો MNSના પદાધિકારીઓએ લોનાવલામાં એક બૅન્કના કર્મચારીને લાફો મારી દીધો હતો.
ADVERTISEMENT
આ ઘટના બાદ પોલીસે રાજ ઠાકરેની પાર્ટીના કાર્યકરની સામે કેસ દાખલ કર્યો છે તેમ જ એની નોંધ લઈને રાજ્યના મુખ્ય પ્રધાને પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાનો આગ્રહ રાખવામાં કંઈ ખોટું નથી, પણ એના માટે જો કોઈ કાયદો હાથમાં લેશે તો તેની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
જોકે બૅન્કના કર્મચારીઓ સાથે બની રહેલી ઘટનાની ગંભીર નોંધ લઈને બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ઑફિસર્સ અસોસિએશને રાજ્યના મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે કહ્યું છે કે ‘બૅન્કનો સ્ટાફ જુદાં-જુદાં રાજ્યોમાંથી આવતો હોય છે અને આ નોકરીમાં તેમની ટ્રાન્સફર થતી રહેતી હોય છે. એને લીધે તમામ અધિકારીઓને સ્થાનિક ભાષા આવડતી હોવી જોઈએ એવો આગ્રહ રાખવો પ્રૅક્ટિકલ નથી. અમુક અસામાજિક તત્ત્વો બૅન્કના સ્ટાફને ધમકાવી અને મારી રહ્યાં છે. અમે આવી ક્રિમિનલ ઍક્ટિવિટીની નિંદા કરીએ છીએ. આ બાબતે જો ત્વરિત ઍક્શન લેવામાં નહીં આવે તો અમારે પણ તીવ્ર વિરોધ શરૂ કરવો પડશે જેમાં કાયદાકીય પગલાંની સાથે હડતાળનો વિકલ્પ પણ છે.’

