૧૫ મોબાઇલ ચોરાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ તમામ વિદ્યાર્થીઓએ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી
પ્રતીકાત્મક તસવીર
ભાંડુપ-વેસ્ટના દત્ત મંદિર રોડ પર આવેલી કુમારી કસ્તૂરી વિદ્યાલય (KKV) જુનિયર કૉલેજની બહારથી બોર્ડની પરીક્ષા આપવા આવેલા ૧૫ વિદ્યાર્થીઓના મોબાઇલ મંગળવારે ચોરાઈ ગયા હતા. કાંજુરમાર્ગ પોલીસે વિદ્યાર્થી ઝૈદ ખાનની ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. બોર્ડની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષાકેન્દ્રની અંદર મોબાઇલ લઈ જવાની મંજૂરી ન હોવાથી તમામ વિદ્યાર્થીઓએ પોતાના મોબાઇલ ઝૈદના સ્કૂટરમાં રાખ્યા હતા. પરીક્ષા પૂરી થયા બાદ જ્યારે વિદ્યાર્થીઓએ સ્કૂટરમાં રાખેલા મોબાઇલ તપાસ્યા ત્યારે એ ચોરાઈ ગયા હોવાની ખાતરી થઈ હતી. હાલમાં પોલીસે CCTV કૅમેરાનાં ફુટેજ અને ટેક્નિલક માહિતીના આધારે તપાસ હાથ ધરી છે. કાંજુરમાર્ગ પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઝૈદ ખાન અને તેના ૧૪ મિત્રો બારમાની બોર્ડની એક્ઝામ આપવા મંગળવારે સવારે ૧૧ વાગ્યે KKV જુનિયર કૉલેજ પહોંચ્યા હતા. પરીક્ષાકેન્દ્રમાં મોબાઇલ લઈ જવાની મનાઈ હોવાથી તમામ વિદ્યાર્થીઓએ પોતાના મોબાઇલ ઝૈદના સ્કૂટરની ડિકીમાં રાખ્યા હતા અને સ્કૂટર કૉલેજની બહાર ફુટપાથ પર પાર્ક કર્યું હતું. બપોરે બે વાગ્યે પરીક્ષા પૂરી થયા બાદ જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂટર પાસે આવ્યા ત્યારે ૧૫ મોબાઇલ ચોરાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ તમામ વિદ્યાર્થીઓએ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.’
