મુલુંડમાં બે લૂંટારા ગુજરાતી મહિલાને વાતોમાં ભોળવીને ૨,૨૦,૦૦૦ રૂપિયાના દાગીના તફડાવી ગયા
પ્રતીકાત્મક તસવીર
મુલુંડ-વેસ્ટની MCC કૉલેજ નજીકની એક સોસાયટીમાં રહેતાં ૭૨ વર્ષનાં ગુજરાતી સિનિયર સિટિઝન સાથે છેતરપિંડીની ઘટના સામે આવી હતી. થાણેના રામચંદ્ર રોડ પર તેમને મળેલા બે જણે મદદ કરવાના નામે તેમના ૨,૨૦,૦૦૦ રૂપિયાના દાગીના તફડાવી લીધા હતા. આ મામલે વાગળે એસ્ટેટ પોલીસે બે જણ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતીના આધારે આરોપી બોલબચન ગૅન્ગના સભ્યો હોવાની માહિતી સામે આવી હતી. આરોપીની ઓળખ કરવા નજીકના વિસ્તારમાં લાગેલા ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV)નાં ફુટેજ તપાસવામાં આવી રહ્યાં છે. નોંધનીય છે કે થાણે, મુંબઈ અને નવી મુંબઈ વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં આ પ્રકારના બાવીસથી વધારે કેસ નોંધાયા છે.
ADVERTISEMENT
કેવી રીતે થઈ દાગીનાની ચોરી?
વાગળે એસ્ટેટ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શિવાજી ગવારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુલુંડમાં રહેતાં મહિલા તેમના પુત્રની મોબાઇલની દુકાને દિવાળી નિમિત્તે પૂજા કરવા માટે સોમવારે સવારે સાડાદસ વાગ્યાની આસપાસ ઘરેથી નીકળ્યાં હતાં. વાગલે એસ્ટેટ નજીકના રામચંદ્ર રોડ પર પહોંચતાં બે યુવાનોએ તેમની નજીક આવીને મારા શેઠને ૧૦ વર્ષે છોકરો થયો છે એટલે તેઓ ગરીબ મહિલાને ગિફ્ટ આપી રહ્યાં છે એમ કહીને મહિલાને રસ્તાની એક સાઇડમાં લઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે તમે પહેરેલા દાગીનાથી તમે ગરીબ નથી લાગી રહ્યાં, આ દાગીના કાઢી થેલીમાં રાખી દો. એટલે મહિલાએ તેમની વાતમાં આવીને પોતાની ચેઇન અને કાનનાં બૂટિયાં કાઢીને થેલીમાં રાખી દીધાં હતાં. ત્યાર બાદ બન્નેએ તેમને ૨૦૦ રૂપિયા અને એક બિસ્કિટનું પૅકેટ આપ્યું હતું અને વાતોમાં ભોળવી દીધાં હતાં. એટલી વારમાં બન્નેએ દાગીના રાખેલી થેલી પોતાની પાસે લઈને હાથચાલાકીથી દાગીના કાઢી લીધા હતા અને થેલી પાછી મહિલાના હાથમાં આપી દીધી હતી. બન્ને ત્યાંથી નીકળી ગયા બાદ જ્યારે મહિલાએ પુત્રની દુકાને પહોંચીને પોતાના દાગીના તપાસ્યા ત્યારે એ દાગીના ચોરાયા હોવાની જાણ થઈ હતી. અંતે ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. આ મામલે આરોપીને શોધવા માટેના જરૂરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.’


