જંગલમાં નિર્જન સ્થળે જઈ બન્ને પુત્રીઓની ધારદાર હથિયારથી ગળું ચીરીને હત્યા કરી
રાહુલ ચવાણ અને ટ્વિન્સ દીકરીઓ.
દિવાળીના સપરમા દિવસે લક્ષ્મીપૂજનના દિવસે સગા બાપે પોતાની ફૂલ જેવી બે માસૂમ દીકરીઓની ગળું ચીરીને હત્યા કરી હોવાની કમકમાટીભરી ઘટના બુલઢાણામાં બની હતી. આ બાબતની ઘરના લોકોને જાણ થઈ ત્યારે તેમણે તેને પોલીસને હવાલે કર્યો હતો.
પુણેની એક IT કંપનીમાં ૩૩ વર્ષનો રાહુલ ચવાણ જૉબ કરતો હતો. તેના તેની પત્ની સાથે હંમેશાં ઝઘડા થતા રહેતા હતા. ઘટનાના ૪ દિવસ પહેલાં રોજના ઝઘડાથી કંટાળીને તેની પત્ની તેમની અઢી વર્ષની ટ્વિન્સ દીકરીઓને રાહુલ પાસે જ મૂકીને પિયર જતી રહી હતી.
ADVERTISEMENT
૪ દિવસ સુધી રાહુલ દીકરીઓ સાથે રહ્યો હતો. એ પછી તે ૨૧ ઑક્ટોબરે વાશિમ જિલ્લાના માનોરા તાલુકાના રૂઈ ગામ જવા બાઇક પર નીકળ્યો હતો. હતાશ થઈ ગયેલો રાહુલ આત્મહત્યા કરવાના વિચાર કરી રહ્યો હતો. જોકે ત્યાર બાદ તેણે બુલઢાણા જિલ્લાના જ દેઉળગામ નજીક અંઢેરા ફાટા પાસે જંગલમાં નિર્જન સ્થળે જઈ બન્ને દીકરીઓની ધારદાર હથિયારથી ગળું ચીરીને હત્યા કરી હતી. એ પછી બન્ને બાળકીના મૃતદેહ રોડથી ૨૦ મીટર દૂર ઝાડીઓમાં ફગાવી દીધા હતા અને પોતાના મૂળ ગામે નીકળી ગયો હતો. તેણે ઘરમાં પોતે શું કરીને આવ્યો છે એ કોઈને કહ્યું નહોતું. આખરે ૨૪ ઑક્ટોબરે તેણે ઘરનાઓને એ વિશે જાણ કરી હતી. એથી ઘરમાં લોકો બહુ દુ:ખી થઈ ગયા હતા અને તેને આસેગાવ પોલીસ-સ્ટેશનમાં લઈ જઈને પોલીસને બધી વિગતો આપી હતી. આસેગાવ પોલીસે રાહુલની ધરપકડ કરી ડબલ મર્ડરનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી હતી.
પોલીસના ઉચ્ચ અધિકારીઓને આ ડબલ મર્ડર વિશે જાણ કરવામાં આવતાં તેઓ પણ આવી પહોંચ્યા હતા. એ પછી પોલીસટીમ અંઢેરા ફાટા પાસે પહોંચી હતી અને બન્ને બાળકીઓના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા હતા. જોકે એ બન્ને બહુ જ કોહવાઈ ગયા હોવાથી ઘટનાસ્થળે જ એમનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું.


