પુરુષો ન કરી શક્યા એ કામ સોસાયટીની મહિલાઓના કિટી-ગ્રુપે કરી બતાવ્યું, વહીવટ રજિસ્ટ્રારના હાથમાંથી પાછો લઈને રીડેવલપમેન્ટ પૉસિબલ બનાવ્યું
મુલુંડની કોણાર્ક ઇન્દ્રપ્રસ્થ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી અને સોસાયટીમાં મહિલાઓએ કરેલી પૂલપાર્ટી.
મુલુંડની કોણાર્ક ઇન્દ્રપ્રસ્થ કો-આૅપરેટિવ હાઉસિંગ સોસાયટીની પાંચ વિંગના તમામ ૧૬૫ ફ્લૅટના લોકોને રીડેવલપમેન્ટ માટે મનાવવા પાછળની અનોખી સ્ટોરી
મુલુંડ-વેસ્ટના સર્વોદયનગરમાં આવેલી કોણાર્ક ઇન્દ્રપ્રસ્થ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી આખા મુલુંડમાં ચર્ચાનો વિષય બની છે. મુખ્યત્વે ગુજરાતી પરિવારોની બહુમતી ધરાવતા આ વિશાળ કૉમ્પ્લેક્સમાં પાંચ અલગ-અલગ વિંગ આવેલી છે જેમાં ૧૬૫ ફ્લૅટમાં સેંકડો નાગરિકો વર્ષોથી રહે છે. આ સોસાયટીના ઇતિહાસમાં સોનેરી પ્રકરણ ત્યારે ઉમેરાયું જ્યારે વર્ષોથી અટકેલા અને ગૂંચવાયેલા રીડેવલપમેન્ટના પ્રોજેક્ટને અહીંની મહિલાઓએ પોતાની સૂઝબૂઝ અને અદ્ભુત ઇચ્છાશક્તિના જોરે પાર પાડી બતાવ્યો હતો. જે કામ પુરુષો નહોતા કરી શક્યા એ અહીંની ગૃહિણીઓએ એક સામાન્ય કિટી પાર્ટીની ચર્ચામાંથી શરૂ કરીને સફળતાપૂર્વક પૂરું કરી બતાવ્યું છે.
ADVERTISEMENT
કોણાર્ક ઇન્દ્રપ્રસ્થ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીનાં કમિટી મેમ્બર હર્ષા મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાંચ વર્ષ પહેલાં આ સોસાયટીનો વહીવટ રજિસ્ટ્રાર હસ્તક હતો. સરકારી પ્રક્રિયાઓ અને આંતરિક મતભેદોને કારણે સોસાયટીનો વિકાસ રૂંધાઈ ગયો હતો અને અમારા જેવા રહેવાસીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા હતા. આ સમય દરમ્યાન સોસાયટીમાં રહેતી અમારી મહિલાઓની નિયમિત મળતી એક કિટી પાર્ટી સોસાયટી માટે ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ હતી. કિટી પાર્ટીમાં સામાન્ય રીતે ઘરગથ્થુ વાતો કે મનોરંજન થતું હોય છે, પરંતુ અહીં અમારી સોસાયટીની મહિલાઓએ સોસાયટીની બગડતી સ્થિતિ અને રજિસ્ટ્રારના શાસન અંગે ગંભીર ચર્ચા શરૂ કરી હતી. વાતો-વાતોમાં મહિલાઓમાં એવો ઉત્સાહ જાગ્યો કે તેમણે સોસાયટીનું ચિત્ર બદલવાનો મક્કમ નિર્ધાર કરી લીધો હતો.’
મહિલા શક્તિના સંગઠનથી રીડેવલપમેન્ટનો માર્ગ મોકળો થયો
કોણાર્ક ઇન્દ્રપ્રસ્થ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં મહિલાઓના અદ્ભુત સંગઠન અને આક્રમક જુસ્સાને કારણે રીડેવલપમેન્ટની પ્રક્રિયા સફળતાપૂર્વક આગળ વધી છે. સોસાયટીનાં કમિટી મેમ્બર બિંદુ ગોસરાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોસાયટીની મહિલાઓએ એક થઈને અન્ય મહિલાઓને રીડેવલપમેન્ટ વિશે સમજ આપી હતી અને તેમને પોતાના પતિ સાથે આ વિષય પર સકારાત્મક ચર્ચા કરવા પ્રેરિત કરી હતી. આ વ્યૂહરચના ખૂબ જ અસરકારક સાબિત થઈ હતી. આ આયોજનબદ્ધ પ્રયાસોને લીધે સોસાયટીનો વહીવટ રજિસ્ટ્રારના હાથમાંથી પાછો કમિટીના સભ્યોના હાથમાં આવ્યો જે અમારી પ્રથમ મોટી સફળતા હતી. ત્યાર બાદ દરેક વિંગમાં એક મહિલા પ્રતિનિધિની નિમણૂક કરીને કાનૂની અને વહીવટી પ્રક્રિયાઓ અત્યંત પારદર્શક રીતે શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં કેટલાક રહેવાસીઓમાં અવિશ્વાસનો માહોલ હતો, પરંતુ મહિલાઓએ નવી તરકીબો અને વ્યક્તિગત મુલાકાતો દ્વારા તમામ ૧૬૫ ફ્લૅટધારકોને રીડેવલપમેન્ટના ફાયદા સમજાવીને એકમત કર્યા, જેને પરિણામે આજે આખો કૉમ્પ્લેક્સ રીડેવલપમેન્ટ માટે તૈયાર થયો છે.’
આકાર લેશે ૪૦ માળના બે ગગનચુંબી ટાવર
કોણાર્ક ઇન્દ્રપ્રસ્થ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ચૅરમૅન અમૃત કારિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સોસાયટીમાં રહેતી મહિલાઓએ લીધેલી આગેવાની ખરેખર કાબિલે તારીફ છે. કોઈ એક મહિલા નહીં પણ આખી સોસાયટીમાં રહેતી મહિલાઓએ જબરદસ્ત પ્રયાસ કર્યા હતા. એટલું જ નહીં, અમારી સોસાયટીના અન્ય મેમ્બરો જેમાં બાળકોએ પણ ડેવલપમેન્ટ માટે ખરેખર ખૂબ જ પ્રયાસ કર્યા છે જેને કારણે આ ભગીરથ કાર્ય સફળ દિશામાં આગળ વધ્યું છે. હવે ફાઇનલી આખી સોસાયટી આગામી જુલાઈ મહિનાની શરૂઆતમાં ખાલી થવા જઈ રહી છે અને એના સ્થાને ૪૦ માળના બે અત્યાધુનિક આકાશી ટાવરો આકાર લેશે.’
સોસાયટીમાં યોજાઈ શાનદાર ‘બાલી થીમ’ પૂલ-પાર્ટી
આ ઐતિહાસિક સફળતાની ખુશી મનાવવા માટે રવિવારે સોસાયટીની મહિલાઓ દ્વારા સોસાયટીના પરિસરમાં ‘બાલી થીમ’ પર એક શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ મહિલા રહેવાસીઓએ સોસાયટીના સ્વિમિંગ-પૂલમાં ડાન્સપાર્ટી સાથે જૂની યાદોને વાગોળીને નવી શરૂઆતને આવકારી હતી. આ ઘટનાએ ફરી એક વાર સાબિત કરી દીધું છે કે મહિલા ધારે તો કંઈ પણ કરી શકે છે અને નારીશક્તિ ધારે તો નકારાત્મક પરિસ્થિતિને પણ સકારાત્મકતામાં બદલી શકે છે.
