સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં વોટર-લિસ્ટમાં સામે આવેલી ત્રુટિઓ બાબતે રજૂઆત કરી
વિરોધ પક્ષના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ ગઈ કાલે ચીફ ઇલેક્શન ઑફિસર એસ. ચોકલિંગમને મંત્રાલયમાં તેમની ઑફિસે મળ્યું હતું.
વિરોધ પક્ષના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ ગઈ કાલે ચીફ ઇલેક્શન ઑફિસર એસ. ચોકલિંગમને મળ્યું હતું. ચૂંટણી-પ્રક્રિયામાં વોટર-લિસ્ટમાં જણાઈ આવેલી ત્રુટિઓ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા આ પ્રતિનિધિમંડળે તેમને જણાવ્યું હતું.
મંત્રાલયમાં ચીફ ઇલેક્શન ઑફિસરની મુલાકાત લેનાર આ પ્રતિનિધિમંડળમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે, જયંત પાટીલ, સંદીપ દેશપાંડે સહિત કૉન્ગ્રેસ, કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસિસ્ટ) અને સમાજવાદી પાર્ટીના નેતાઓ હતા. સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી પહેલાં વોટર્સ-લિસ્ટમાં મળી આવેલી ત્રુટિઓ સુધારી લેવા સાથે અન્ય બાબતો દર્શાવતું નિવેદન આ પ્રતિનિધિમંડળે ચીફ ઇલેક્શન ઑફિસર એસ. ચોકલિંગમને આપ્યું હતું. એ સાથે જ તેમણે આ ચૂંટણીઓમાં વોટર વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેલ (VVPAT)નો ઉપયોગ કરવાની માગણી કરી હતી.
ADVERTISEMENT
મુંબઈ કૉન્ગ્રેસનાં પ્રેસિડન્ટ વર્ષા ગાયકવાડ અને શિવસેના (UBT)ના નેતા અંબાદાસ દાનવે અને સંસદસભ્ય અરવિંદ સાવંત સહિતનું અન્ય એક પ્રતિનિધિમંડળ સ્ટેટ ઇલેક્શન કમિશનર દિનેશ વાઘમારેને આ જ પ્રકારની માગણીઓ સાથે મળ્યું હતું.
MNSના દીપોત્સવનું ઉદ્ઘાટન કરશે ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા દાદરના શિવાજી પાર્કમાં આયોજિત કરવામાં આવતા દીપોત્સવનું ઉદ્ઘાટન આ વર્ષે શુક્રવારે, ૧૭ ઑક્ટોબરે ઉદ્ધવ ઠાકરે કરવાના છે એટલે ફરી એક વાર ઠાકરે બંધુઓ એક મંચ પર એકસાથે આવવાના છે. ગઈ કાલે ચીફ ઇલેક્શન ઑફિસરને મળવા ગયેલા વિરોધ પક્ષના પ્રતિનિધિમંડળમાં અને એ પછીની બેઠકમાં બન્ને ભાઈઓ સતત એકબીજાની સાથે જ હતા એટલું જ નહીં, રાજ ઠાકરેની સાથે તેમની જ કારમાં ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે પાછા ફર્યા હતા.
ઉદ્ધવ ઠાકરે ક્યારેય આ દીપોત્સવમાં હાજર રહ્યા ન હોવાથી MNS માટે આ મોટો પ્રસંગ ગણાવાઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ અને ખાસ કરીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી પહેલાં બન્ને ભાઈઓમાં વધી રહેલી મીટિંગો જોતાં ટૂંક સમયમાં તેઓ યુતિ જાહેર કરી શકે એવી ચર્ચાઓને જોર મળ્યું હોવાનું રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે.

