થિયેટરમાં બહારથી પાણીની બૉટલ પણ નથી લઈ જવા દેતા ત્યારે મરીન લાઇન્સના મેટ્રો આઇનૉક્સ થિયેટરમાં સુરક્ષાના નામે મોટું મીંડું, ત્રણ યુવાનો ચાલુ ફિલ્મે દારૂ પીને નીકળી ગયા
થિયેટરની સીટ નીચેથી મળી આવેલી દારૂની બૉટલો.
ધોબી તળાવ પર આવેલા મેટ્રો આઇનૉક્સ થિયેટરમાં મંગળવાર રાતે ૩ યુવાનોએ થિયેટરમાં છૂપી રીતે દારૂની બૉટલો લાવીને ચાલુ ફિલ્મે દારૂ પીધો હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. થિયેટરોમાં આમ તો બહારથી પાણીની બૉટલ પણ સાથે નથી લઈ જવા દેતા ત્યારે કોઈ દારૂની બૉટલો લઈને એન્ટ્રી કરી લે એ તો સુરક્ષામાં મોટું છીંડું કહેવાય. પરેલમાં રહેતા ધવલ મામણિયા મંગળવારે રાતે પત્ની સાથે ‘રેઇડ 2’ મૂવી જોવા ગયા હતા. એ સમયે તેમની જ રોમાં બેઠેલા યુવાનો પર શંકા આવતાં તેમણે સીટ નીચે તપાસ કરી ત્યારે સીટ નીચેથી દારૂની ચારથી પાંચ બૉટલો મળી આવી હતી. આ મામલાની જાણ તાત્કાલિક તેમણે મેટ્રો આઇનૉક્સના મૅનેજમેન્ટને કરતાં આ વિશે ઇન્ટર્નલ તપાસ શરૂ કરવામાં આવી છે. થિયેટરમાં દારૂની બૉટલો લાવીને પીનાર લોકોની ઓળખ કરવાની કોશિશ પણ કરવામાં આવી રહી છે.
આ ઘટનાક્રમની માહિતી આપતાં ધવલ મામણિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવાર રાતે સાડાનવ વાગ્યાના શોમાં હું અને મારી પત્ની ‘રેઇડ 2’ મૂવી જોવા માટે મેટ્રો આઇનૉક્સ થિયેટરમાં ગયાં હતાં. ચોથી સ્ક્રીનમાં મારી જે રોમાં બેઠક હતી એ જ રોમાં ત્રણ યુવાનો કોઈ ખોટી હરકતો કરી રહ્યા હોવાની મને શંકા ગઈ હતી એટલું જ નહીં, એ સમયે દારૂની પણ ખૂબ જ વાસ આવી રહી હતી. આ ત્રણે યુવાનો ફિલ્મ પૂરી થાય એ પહેલાં જ નીકળી ગયા હતા. એટલે મેં તેમની જગ્યા પર જઈને તપાસ કરી ત્યારે તેમની સીટ નીચેથી દારૂની ચારથી પાંચ બૉટલો મળી આવી હતી. એ જોઈને હું એકદમ શૉક થઈ ગયો હતો, કારણ કે આખા શોમાં ફૅમિલી ઑડિયન્સ હતું અને આ યુવાનો બિન્દાસ જાહેરમાં દારૂ પીને ચાલ્યા ગયા હતા. આ ઘટના મેટ્રો આઇનૉક્સની સુરક્ષા પર પણ સવાલ ઊભા કરે છે એટલે મેં તાત્કાલિક મેટ્રો આઇનૉક્સના મૅનેજરને આ ઘટનાની ફરિયાદ કરી હતી.’
ADVERTISEMENT
મેટ્રો આઇનૉક્સના જનરલ મૅનેજર ગૌરવ ચોપડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના બાદ અમે ઇન્ટર્નલ તપાસ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે દારૂની જે બૉટલો થિયેટરમાં લાવવામાં આવી હતી એ ખૂબ જ નાની હતી એટલે એવી શક્યતા છે કે આ યુવાનો આ બૉટલો છુપાવીને લઈ આવ્યા હોય. એમ છતાં અમે આવી ઘટના ફરી ન બને એ માટે યોગ્ય તકેદારી લેવા માટેની સૂચના આપી છે. તે યુવાનો કોણ હતા એની ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.’

