મુંબઈએ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે કર્યા ૧૮૦, દિલ્હી ૧૮.૨ ઓવરમાં ૧૨૧ રનમાં આૅલઆઉટ : મુંબઈના સૂર્યકુમાર યાદવે અને નમન ધીરે છેલ્લી બે ઓવરમાં ૪૮ રન ફટકારીને બાજી પલટી, પછી મિચલ સૅન્ટનર અને જસપ્રીત બુમરાહે ત્રણ-ત્રણ વિકેટ લઈને દિલ્હીની કમર તોડી નાખી
મૅચ જીતી લીધા પછી સ્ટેડિયમમાં ઊમટેલી બ્લુ આર્મીનું અભિવાદન કરતા મુંબઈ ઇન્ડિયન્સના પ્લેયર્સ (તસવીરો : અતુલ કાંબળે)
ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી IPL 2025ની ૬૩મી મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કૅપિટલ્સને ૫૯ રને હરાવીને પ્લેઑફ્સમાં સ્થાન મેળવી લીધું હતું. ગુજરાત ટાઇટન્સ, રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને પંજાબ કિંગ્સ અગાઉ જ પ્લેઑફ્સ માટે ક્વૉલિફાય થઈ ચૂક્યાં છે.
ગઈ કાલની મૅચ દિલ્હી માટે કરો યા મરો જેવી હતી અને એમાં એ કસોટીમાં પાર નહોતું ઊતર્યું. દિલ્હીએ ટૉસ જીતીને મુંબઈને બૅટિંગ આપી હતી. મુંબઈએ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૦ રન કર્યા હતા, જેના જવાબમાં દિલ્હી ૧૮.૨ ઓવરમાં ૧૨૧ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું.
ADVERTISEMENT
મુંબઈ ઇન્ડિયન્સની શરૂઆત સારી નહોતી. રોહિત શર્મા (પાંચ બૉલમાં પાંચ), રાયન રિકલ્ટન (૧૮ બૉલમાં ૨૫) અને વિલ જૅક્સ (૧૩ બૉલમાં ૨૧) સાતમી ઓવર સુધીમાં પૅવિલિયનમાં પહોંચી ગયા હતા અને એ વખતે સ્કોર હતો માત્ર ૫૮ રન.
જોકે સૂર્યકુમાર યાદવ મુંબઈ માટે તારણહાર બન્યો હતો. ૪૩ બૉલમાં ૭ ફોર અને ચાર સિક્સ ફટકારીને ૭૩ રન બનાવનાર સૂર્યાએ ચોથી વિકેટ માટે તિલક વર્મા (૨૭ બૉલમાં ૨૭) સાથે અને પાંચમી વિકેટ માટે નમન ધીર (૮ બૉલમાં ૨૪, બે-બે ફોર-સિક્સ) સાથે ફિફ્ટી-પ્લસની પાર્ટનરશિપ કરીને ટીમને સન્માનજનક સ્કોર અપાવ્યો હતો.
મુંબઈએ છેલ્લી બે ઓવરમાં ૪૮ રન ફટકાર્યા હતા, ત્યાં સુધી રમત પર દિલ્હીની પકડ લાગતી હતી.
દિલ્હી ૧૮૧ રનના ટાર્ગેટને ચેઝ કરવાની સફરમાં શરૂઆતમાં જ પાણીમાં બેસી ગયું હતું. બીજી ઓવરમાં ફાફ ડુ પ્લેસી, ચોથી ઓવરમાં કે. એલ. રાહુલને ગુમાવ્યા પછી રેગ્યુલર અંતરે વિકેટો પડતી રહી હતી. સ્પિનર મિચલ સૅન્ટનરે ૪ ઓવરમાં ૧૧ રન આપીને ત્રણ અને જસપ્રીત બુમરાહે ૩.૨ ઓવરમાં ૧૨ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.
સૂર્યકુમાર યાદવને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.
IPLમાં કોણ કેટલા પાણીમાં? |
||||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નો-રિઝલ્ટ |
નેટ રન-રેટ |
પૉઇન્ટ |
ગુજરાત |
૧૨ |
૯ |
૩ |
૦ |
+૦.૭૯૫ |
૧૮ |
બૅન્ગલોર |
૧૨ |
૮ |
૩ |
૧ |
+૦.૪૮૨ |
૧૭ |
પંજાબ |
૧૨ |
૮ |
૩ |
૧ |
+૦.૩૮૯ |
૧૭ |
મુંબઈ |
૧૩ |
૮ |
૫ |
૦ |
+૧.૨૯૨ |
૧૬ |
દિલ્હી |
૧૩ |
૬ |
૬ |
૧ |
-૦.૦૧૯ |
૧૩ |
કલકત્તા |
૧૩ |
૫ |
૬ |
૨ |
+૦.૧૯૩ |
૧૨ |
લખનઉ |
૧૨ |
૫ |
૭ |
૦ |
-૦.૫૦૬ |
૧૦ |
હૈદરાબાદ |
૧૨ |
૪ |
૭ |
૧ |
-૧.૦૦૫ |
૯ |
રાજસ્થાન |
૧૪ |
૪ |
૧૦ |
૦ |
-૦.૫૪૯ |
૮ |
ચેન્નઈ |
૧૩ |
૩ |
૧૦ |
૦ |
-૧.૦૩૦ |
૬ |

