આખી નદી તરી જનારા એક્સપર્ટ સ્વિમર હંસારામ ભાટીની દૃષ્ટિ નબળી હતી, ચશ્માં ન પહેરે તો કાંઈ દેખાતું નહીં
હંસારામ ભાટી
મલાડમાં રહેતા મૂળ રાજસ્થાનના ઘાંચી સમાજના હંસારામ ભાટી તેમનાં સગાંસંબંધીઓ રાજસ્થાનથી મુંબઈ આવ્યાં હોવાથી તેમને ફેરવવા એલિફન્ટા લઈ જઈ રહ્યા હતા. હંસારામ સાથે તેમનાં પત્ની સંતોષ અને ૧૪ વર્ષનો નવમા ધોરણમાં ભણતો દીકરો તરુણ પણ હતો. જોકે એ દુર્ઘટનામાં બીજા બધા બચી ગયા હતા, પણ હંસારામ મિસિંગ હતા. છેક ગઈ કાલે સાંજે ઊંધી વળી ગયેલી નીલકમલ બોટમાંથી તેમનો ફસાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.
તેમના સંબંધી રણજિત પરમારે કહ્યું હતું કે ‘હંસારામજી અહીં ઇમિટેશન જ્વેલરીનો બિઝનેસ કરતા હતા અને પરિવારમાં એકલા જ કમાનારા હતા. તેઓ બહુ સારા સ્વિમર હતા. ગામમાં તેઓ આખી નદી તરી જતા હતા. એ દુર્ઘટના વખતે તેમના ગ્રુપમાં તેઓ એકમાત્ર વ્યક્તિ હતા જેમને સ્વિમિંગ આવડતું હતું. જોકે તેમની દૃષ્ટિ નબળી હતી એટલે તેમણે સતત ચશ્માં પહેરી રાખવાં પડતાં હતાં. ચશ્માં ન પહેરે તો તેમને કશું સ્પષ્ટ દેખાતું નથી.’
ADVERTISEMENT
તેમના દીકરાનું કહેવું છે કે મેં મારા પપ્પાને તણાતા-ડૂબતા જોયા, પણ એ પછી તેઓ ક્યાં ગયા એની ખબર ન પડી. કોલાબા પોલીસે ગઈ કાલે સાંજે કન્ફર્મ કરતાં કહ્યું કે ‘આ દુર્ઘટનામાં ઊંધી વળી ગયેલી નીલકમલ બોટમાંથી જ તેમનો ફસાઈ ગયેલો મૃતદેહ મળ્યો હતો. ત્યાર બાદ તેમની ડેડ-બૉડીને જે. જે. હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલી હતી અને તેના પરિવારને પણ એ વિશે જાણ કરવામાં આવી હતી.’