બાઇક-ટૅક્સીના વિરોધમાં ૩૦ સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીની મુંબઈની મુલાકાત વખતે આઝાદ મેદાનમાં હડતાળ કરવાની ચેતવણી
ઓલા, ઉબર સહિતના ટૅક્સી-ડ્રાઇવરોએ ગઈ કાલે આઝાદ મેદાનમાં દેખાવો અને સૂત્રોચ્ચાર કરીને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકને ‘ટેસ્લાવાળા’ નેતા ગણાવીને તેમના રાજીનામાની માગણી કરી હતી.
ભાડાંની અસમાનતા દૂર કરવાની પેન્ડિંગ માગણી બાબતે પણ ફરી આક્રમક : મહાયુતિ વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી
તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં બાઇક-ટૅક્સીને પરવાનગી આપવામાં આવી છે જેનું ભાડું ૧૫ રૂપિયાથી શરૂ થશે. ટ્રાન્સપોર્ટ પ્રધાને લીધેલા આ નિર્ણયથી કૅબ, રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરો નાખુશ છે. બાઇક-ટૅક્સીની પરવાનગી રદ કરવા અને ભાડાંની અસમાનતા દૂર કરવા માટે સીધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જ હાકલ કરવામાં આવી છે. જો તેમની માગણીઓ ન સ્વીકારે તો ૩૦ સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી મુંબઈની મુલાકાતે આવશે ત્યારે જ આઝાદ મેદાનમાં મોટા પાયે આંદોલન કરીને પોતાની વાત વડા પ્રધાન સુધી પહોંચાડવાની ચીમકી ડ્રાઇવરોએ ઉચ્ચારી છે.
ADVERTISEMENT
સમાન ભાડું, નિશ્ચિત કમિશન, મહારાષ્ટ્ર ઍગ્રિગેટર પૉલિસીનું ઝડપી અમલીકરણ અને બાઇક-ટૅક્સી પર પ્રતિબંધ આ ૪ માગણીઓ કૅબ, ટૅક્સી અને રિક્ષા-ડ્રાઇવરોએ રજૂ કરી છે. અનેક ડ્રાઇવરો ગુરુવારે આઝાદ મેદાનમાં પ્રદર્શન માટે ભેગા થયા હતા. તેમની માગણીઓ ન સંતોષાય તો આગામી ચૂંટણીમાં મહાયુતિ સરકાર વિરુદ્ધ મતદાન કરવાની તૈયારી બતાવવામાં આવી હતી.
જુલાઈ મહિનામાં રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગે કૅબ-ડ્રાઇવરો સાથે બેઠક કરીને તેમની સહમતીથી સરકારે નક્કી કરેલાં ભાડાંનો અમલ અને ભાડાંમાંથી ૮૦ ટકા રકમ ડ્રાઇવરોને મળશે એ મુદ્દે નિર્ણય લેવાયો હતો જેનો અમલ ૧૮ સપ્ટેમ્બરથી શરૂ કરવાનું પણ નક્કી થયું હતું.
મહારાષ્ટ્ર કામગાર સભાના અધ્યક્ષ કેશવ નાના ક્ષીરસાગરે જણાવ્યું હતું કે ‘ટ્રાન્સપોર્ટ વિભાગે અનેક વાર લેખિત અને મૌખિક ખાતરી આપ્યા છતાં ઓલા, ઉબર જેવી સેવા આપતી કંપનીઓ કમિશન અને ભાડાના મુદ્દે હજી ખાતરી આપતી નથી. હજી સુધી આ કંપનીઓએ તેમની મોબાઇલ ઍપ્લિકેશનમાં ભાડાની કિંમત બદલી નથી. તેથી ટૅક્સી, કૅબ અને રિક્ષા-ડ્રાઇવરોનાં સંગઠનો હવે એક થયાં છીએ અને અમને અમારા મુજબનું ભાડું નહીં મળે તથા બાઇક-ટૅક્સીની પરવાનગી રદ નહીં થાય તો અમે હડતાળ પર ઊતરીશું.’
મીનાતાઈની પ્રતિમા પાસે હવે જડબેસલાક બંદોબસ્ત
ગઈ કાલે શિવાજી પાર્ક પર મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પાસે પોલીસ-બંદોબસ્ત જોવા મળ્યો હતો. બુધવારે આ પ્રતિમા પર કોઈએ રંગ ફેંક્યો એને પગલે પોલીસ હવે સતર્ક થઈ ગઈ છે.

