Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ફક્ત ભૌતિક સુખ મેળવવા અને મોજમજા કરવા પ્રભુએ આપેલું અનમોલ જીવન વેડફી નથી નાખવું

ફક્ત ભૌતિક સુખ મેળવવા અને મોજમજા કરવા પ્રભુએ આપેલું અનમોલ જીવન વેડફી નથી નાખવું

Published : 06 April, 2025 07:35 AM | Modified : 07 April, 2025 06:58 AM | IST | Mumbai
Lalit Gala

એક સમયે સ્પોર્ટ્‍સમાં કરીઅર બનાવવાનું વિચારતી વિરતિ ગડા કહે છે...

બે વર્ષ પહેલાં એક ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વુમન ઑફ ધ મૅચની ૬ અને વુમન ઑફ ધ સિરીઝની ટ્રોફીઓ સાથે વિરતિ ગડા

બે વર્ષ પહેલાં એક ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વુમન ઑફ ધ મૅચની ૬ અને વુમન ઑફ ધ સિરીઝની ટ્રોફીઓ સાથે વિરતિ ગડા


ક્રિકેટ અને બૅડ્‍મિન્ટનમાં શોખ ધરાવતી અને એક સમયે સ્પોર્ટ્‍સમાં જ કરીઅર બનાવવાનો વિચાર કરતી વિરતિ ગડા હવે સ્પોર્ટ્‍સને છોડીને મોક્ષના માર્ગે આગળ વધવા વિરતિના પંથે પ્રયાણ કરીને પોતાની નવી ઇનિંગ્સ શરૂ કરશે. ડોમ્બિવલીમાં રહેતી અને કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજની ૧૯ વર્ષની વિરતિ ૨૪ એપ્રિલે દીક્ષા અંગીકાર કરશે.




મિડ-ડે લેડીઝ ક્રિકેટની ૨૦૨૧ની સીઝનમાં પોતાની ટીમ સાથે વિરતિ ગડા.


આવ્યો ટર્નિંગ પૉઇન્ટ

દીક્ષા લેવાનો વિચાર કઈ રીતે આવ્યો એ વિશે જણાવતાં મૂળ કચ્છના ભોજાય ગામની વિરતિ ગડા ‘મિડ-ડે’ને કહે છે, ‘૨૦૨૧માં ડોમ્બિવલીમાં પરમ પૂજ્ય સાધ્વી શ્રી વિપુલગુણાશ્રીજી અને પરમ પૂજ્ય સાધ્વી શ્રી હીંકારગુણાશ્રીજી મહારાજસાહેબનું ચોમાસું હતું. એ ચોમાસા દરમ્યાન તેમની સાથે થતી ધાર્મિક ચર્ચાઓ, આત્મમંથન કરાવનારાં પ્રવચનો અને ગુરુઓની શાંતિમય ઉપસ્થિતિએ મારા આંતરિક વિશ્વમાં એક નવી જ જ્યોતિ જગાવી. ધર્મની વાતો કરતી વખતે જીવનના સાચા ઉદ્દેશ વિશે ઊંડાણથી વિચારવાની પ્રેરણા મળી. ત્યાર બાદ ૨૦૨૨ના એપ્રિલમાં શ્રી ગિરનાર તીર્થની ૯૯ યાત્રા કરી. યાત્રાના આ દોઢ મહિનામાં મારો સંપૂર્ણ સમય યાત્રા, પ્રભુભક્તિ, ધર્મની આરાધના કરવામાં અને મહારાજસાહેબનાં જ્ઞાનસભર પ્રવચનો સાંભળવામાં વ્યતીત થતો હતો. પ્રવચનો દરમ્યાન મને સમજાયું કે ભૌતિક સુખ માત્ર ક્ષણિક છે, જ્યારે ખરો આનંદ તો આત્મીય સુખમાં છે. ફક્ત ભૌતિક સુખ મેળવવા અને મોજમજા કરવા માટે પ્રભુએ આપેલું આ અનમોલ જીવન વ્યર્થ નથી વેડફી નાખવું. જીવનનો સાચો ઉદ્ધાર તો આત્માના ઉદ્ધારમાં છે એથી મેં આત્માને મોક્ષના પંથે લઈ જવા માટે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. ગિરનાર તીર્થની ૯૯ યાત્રાએથી આવ્યા બાદ મેં મારા આ નિર્ણયની મારાં મમ્મી-પપ્પાને જાણ કરી. એ સમયે હું અગિયારમા ધોરણમાં હતી. તેમણે મને બારમા ધોરણ સુધીનું એજ્યુકેશન લીધા બાદ દીક્ષા લેવાની સંમતિ આપી હતી.’


થોડા દિવસ પહેલાં મિત્રોએ એક ટર્ફમાં ખાસ આયોજન કરીને સંયમમાર્ગે જઈ રહેલી વિરતિને ક્રિકેટ રમાડી હતી. વિરતિ ટર્ફમાં દાખલ થઈ ત્યારે ફ્રેન્ડ‍્સે તેને ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું.

હવે મોક્ષમાર્ગે

વિરતિએ વિદ્યાવિહારની એસ. કે. સોમૈયા કૉલેજમાંથી કૉમર્સમાં બારમા ધોરણ સુધીનું એજ્યુકેશન લીધું છે. પોતાના સ્પોર્ટ્‍સના શોખ વિશે જણાવતાં વિરતિ કહે છે, ‘સ્કૂલ-કૉલેજકાળ દરમ્યાન મને બૅડ્મિન્ટન અને ક્રિકેટ રમવાનો ઘણો શોખ હતો. ક્રિકેટની આશરે ત્રીસેક ટર્ફ ટુર્નામેન્ટમાં મેં ભાગ લીધો છે. કેટલીયે ટુર્નામેન્ટમાં હું કૅપ્ટન રહી ચૂકી છું. એ ઉપરાંત બૅડ્‍મિન્ટનની ૨૦ ટુર્નામેન્ટ્સમાં પણ મેં ભાગ લીધો હતો. સ્કૂલના સમય દરમ્યાન બૅડ્‍મિન્ટન માટે હું સ્ટેટ લેવલ માટે પણ ક્વૉલિફાય થઈ હતી. એ સમય દરમ્યાન મારે સ્પોર્ટ્સમાં જ કરીઅર બનાવવાનો વિચાર હતો, પણ હવે મારા જીવનનું ધ્યેય મોક્ષમાર્ગે જવાનું છે.’

ધાર્મિક અભ્યાસ

છેલ્લાં બે વર્ષ દરમ્યાન વિરતિ ગડાએ મહારાજસાહેબની સાથે ગુરુકુલવાસ કરીને અનેક ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો છે; જેમાં ચોઢાળિયા, સૂત્રની સજ્જાય, ચાર પ્રકરણ, ત્રણ કર્મગ્રંથ, વીતરાગ સ્તોત્ર, વૈરાગ્ય શતક, ઇન્દ્રિય પરાજય શતક, જ્ઞાનસાર, તત્ત્વાર્થ દિગમ સૂત્ર, સંસ્કૃત સ્તુતિ ચોવીસી, થોય અને સ્તવન ચોવીસી તેમ જ ભક્તામર સ્તોત્રનો સમાવેશ છે. 

મમ્મી-પપ્પા બન્નેની લાડકી

વિરતિ તેના પપ્પા નીલેશ અને મમ્મી જિજ્ઞા બન્નેની લાડકી છે. તેને એક મોટો ભાઈ પણ છે. વિરતિના દીક્ષા લેવાના વિચાર વિશે તેની મમ્મી જિજ્ઞા ગડા ‘મિડ-ડે’ને કહે છે, ‘ધર્મસંસ્કાર અમારા ઘરમાં પહેલેથી જ હતા, પણ વિરતિ દીક્ષાના પંથે જશે એવો વિચાર અમને સ્વપ્નેય નહોતો આવ્યો. શ્રી ગિરનાર તીર્થની ૯૯ યાત્રાએથી આવ્યા બાદ તેણે અમારી પાસે દીક્ષા લેવાની ભાવના વ્યક્ત કરી હતી. વિરતિની વૈરાગ્યભાવના જોઈને અમે તેને રાજીખુશીથી બારમું ધોરણ પાસ કર્યા બાદ દીક્ષા લેવાની રજા આપી હતી. જિનશાસનના માર્ગે અમારી દીકરી આગળ વધે એ અમારા માટે ગૌરવની વાત છે.’

વિરતિના પપ્પા નીલેશ ગડાનો કનેક્ટરનો બિઝનેસ છે અને ગ્રાન્ટ રોડમાં તેમની શૉપ છે, મમ્મી જિજ્ઞા હોમમેકર છે અને મોટા ભાઈ નિમિત આર્કિટેક્ટ છે.

જીવન સમર્પણ 

વિરતિ ગડા પરમ પૂજ્ય વિદુષી સાધ્વી શ્રી પુણ્યોદયશ્રીજી મહારાજસાહેબનાં શિષ્યા પરમ પૂજ્ય સાધ્વી શ્રી વિપુલગુણાશ્રીજી મહારાજસાહેબ અને તેમનાં ગુરુબહેન પરમ પૂજ્ય સાધ્વી શ્રી હીંકારગુણાશ્રીજી મહારાજસાહેબને જીવન સમર્પણ કરશે. 

શ્રી અચલગચ્છ જૈન સંઘ ડોમ્બિવલીના નેજા હેઠળ ૨૪ એપ્રિલે આ દીક્ષાનું આયોજન કરવામાં આવશે. દીક્ષાપ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કવીન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ તેમ જ પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી ઉદયરત્નસાગરજી મહારાજસાહેબ અને અન્ય સાધુ-સાધ્વીજી ભગવંતો પધારશે.

 

Whatsapp-channel Whatsapp-channel

07 April, 2025 06:58 AM IST | Mumbai | Lalit Gala

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK